Nidhi Dave, Vadodara: આજકાલ દરેક ઘરમાં દર ત્રીજા વ્યક્તિને એસિડિટી થાય છે. એસિડિટી થયા પછી અઢળક દવાઓ ગળી જતા હોય છે. જાત જાતના રિપોર્ટો પણ કરાવી લેતા હોય છે. આટલી બધી દવા લેવા કરતા એસિડિટી શા કારણે થાય છે? એનું યોગ્ય કારણ જ કેમ ના જાણી લઈએ. એસિડિટી શા કારણે થાય છે? અને તેનું નિરાકરણ શું હોઈ શકે? એ વિશે વડોદરા શહેરના નક્ષત્ર આયુર્વેદમના વૈદ્ય ડો. શેફાલી પંડ્યાએ વિગતવાર માહિતી આપી છે.
એસિડિટી માણસની પ્રકૃતિ પ્રમાણે થતી હોય છે
માત્ર તીખું ખાવાથી જ એસિડિટી થાય એ કહેવું યોગ્ય નથી. એસિડિટી માણસની પ્રકૃતિ પ્રમાણે થતી હોય છે. તમારી પ્રકૃતિ પિત્ત વાળી હોય તો આયુર્વેદ પ્રમાણે એસિડિટી થવાની સંભાવના વધી જતી હોય છે. એસિડિટી થવા પાછળના કારણો તીખું, તળેલું, આથાવાળી વસ્તુ, વાસી ખોરાક, વધારે પડતો મસાલા વાળો ખોરાક, લસણની ચટણી, સેઝવાન ચટણી તથા શાકભાજીમાં ફ્લાવર, કોબીજ, રીંગણ, ટામેટા, ચા - કોફી, ચોકલેટ જેવી વસ્તુઓથી પિત્ત થતું હોય છે.
એસિડિટી દૂર કરવા આટલી વસ્તુ લઈ શકાય
ખોરાકમાં દૂધ, દૂધ પૌઆ, ખાખરા, મમરા, દૂધીનો હલવો, ઘરે બનાવેલી મીઠાઈ, આમળા, દાડમ, જેવી વસ્તુઓ લઈ શકાય, જે પિત્ત વર્ધક નથી. જો વધારે માત્રામાં એસિડિટી થતી હોય તો આ બે પ્રયોગ કરી શકાય જેમકે, એક કપ પાણીની અંદર અડધી ચમચીથી પણ ઓછો ખાવાનો સોડા નાખીને બરાબર પાણીમાં ભેળવીને સવારે પી લેવું.
બીજો પ્રયોગ છે કે, રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં વરીયાળી,આખા ધાણા, સૂકી કાળી દ્રાક્ષ અને સાકર આટલું મિશ્ર કરી આખી રાત મૂકી રાખવું. જેને સવારે ગાળીને સવારે અને રાત્રે એક વાર લેવું. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે, આ મિશ્રણ અતિશય ઠંડું હોઈ શકે. જેને કફ શરદીની સમસ્યા પહેલેથી હોય તો એના માટે આ પ્રયોગ અનિવાર્ય નથી. પછી દિવસમાં બે વખતના બદલે એક દિવસ છોડીને બીજા દિવસે લઈ શકાય છે.
દિવસ દરમિયાન એક કપ ચા કે કોફી પીવી વુધ નહી
તદુપરાંત ગુલકંદ યોગ્ય વસ્તુ છે. જો તમને ડાયાબિટીસ નથી અને વજન પણ બરાબર હોય તો મુખવાસમાં ગુલકંદ દરરોજ લઈ શકો. ખાવાની પરેજીની સાથે સાથે નિયમિતપણે સૂવું. સમયસર ઊંઘવું, સમયસર જમવાનું, ગાયના ઘીનો ઉપયોગ કરવો, વ્યાયામ કરવાથી એસિડિટીમાં રાહત મળશે. મુખ્ય વસ્તુ કે, ચા કોફી પણ ઓછા પ્રમાણમાં પીવા.
ઓફિસમાં બેઠા બેઠા અનગણિત ચા પી જતા હોય છે, અને એમાં પણ વહેલી સવારે ઊઠીને પીધેલી ચા અગ્નિનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. એટલે ચા ના બદલે દૂધ પીવું અનિવાર્ય રહેશે. પરંતુ જો ચા પીવાની ટેવ હોય તો ચાની સાથે ખાખરા ખાવા જોઈએ. જેનાથી પિત્ત નહીં થાય. આખા દિવસ દરમિયાન એક કપ ચા કે કોફી પીવી, એનાથી વધુ પીવાથી એસિડિટી થઈ શકે છે.