Home /News /madhya-gujarat /

સ્તનપાન અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, સ્તનપાનનું ઘટતું પ્રમાણ ચિંતાનો વિષય છે: રાજ્ય મંત્રી મનીષાબેન

સ્તનપાન અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, સ્તનપાનનું ઘટતું પ્રમાણ ચિંતાનો વિષય છે: રાજ્ય મંત્રી મનીષાબેન

ગુજરાતની 52 હજાર આંગણવાડીઓ બાળકોના પાયાના ઘડતરમાં યોગદાન આપી રહી છે 

Vadodara news - આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાંગર બહેનો માતાના ધાવણની અગત્યતાના પ્રચારમાં મદદરૂપ બને તેવો મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે અનુરોધ કર્યો

  વડોદરા: આંગણવાડી કાર્યકર બહેનો (Anganwadi worker)અને તેડાંગર બહેનો માતાના ધાવણની અગત્યતાના પ્રચારમાં મદદરૂપ બને તેવો અનુરોધ કરતાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે (manishaben vakil)જણાવ્યું કે, જન્મ થયાના પહેલાં કલાકમાં બાળકને માતાનું અમૃત સમાન ધાવણ મળવું જ જોઈએ. સિઝેરિયનથી પ્રસૂતિ (delivery)થઈ હોય એવી માતા પણ પ્રથમ કલાકમાં બાળકને ધાવણ આપી શકે છે. માતાના પહેલા ધાવણ અને સ્તનપાન અંગે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. સ્તનપાનનું ઘટતું પ્રમાણ ચિંતાનો વિષય છે. આ ચિંતાના નિવારણમાં મદદરૂપ બનવા તેમણે દેવી સ્વરૂપા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને અનુરોધ કર્યો હતો.

  કોરોના કાળમાં જોખમ વચ્ચે આંગણવાડી બહેનોએ ઘેર ઘેર ફરીને સગર્ભાઓ, બાળકો અને કિશોરીઓને પૂરક પોષણ માટેનું ટેક હોમ રેશન પહોંચાડ્યું તેની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આ ટી.એચ.આર ફૂડ અમૂલ, સુમુલ અને બનાસ ડેરી બનાવે છે. તે વધુ પોષણયુક્ત કેવી રીતે બની શકે તે માટે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. કુપોષણ નિવારણ માટેના ગુજરાતના આ ટી.એચ.આર.મોડેલમાં દેશના અન્ય રાજ્યોએ ભારે રસ દર્શાવ્યો છે એ આપણા માટે ગૌરવની વાત છે.

  રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે શહેરના આજવા રોડ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના સુશાસન સપ્તાહના રાજ્ય કક્ષાના કાર્યક્રમનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. તે પહેલાં તેમણે પૌષ્ટિક વાનગી પ્રદર્શન અને મહિલા અને બાળવિકાસ વિભાગની પ્રવૃત્તિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું અને રક્તદાતાઓને શાબાશી આપી હતી.

  આ પણ વાંચો - જામનગરમાં શોર્ય કથા સપ્તાહ: હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ

  આ કાર્યક્રમમાં મેયર કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા, સીમાબેન મોહિલે, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોકભાઈ પટેલ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિભાગ દ્વારા બનાવવામાં આવેલી 5 જેટલી મહિલા સહાયક એપ, આઇ. સી. ડી.એસ.સેવાઓ માટે ટોલ ફ્રી નંબર અને મોબાઈલ પોર્ટલનું વિમોચન કરવામાં આવ્યું હતું.

  આ ઉપરાંત સગર્ભા માતાઓને પોષણકીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી આદેશો, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય જેવા લાભોનું અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ્સનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

  ગુજરાતની 52 હજાર આંગણવાડીઓ બાળકોના પાયાના ઘડતરમાં યોગદાન આપી રહી છે એવી જાણકારી આપતાં મંત્રી મનિષાબેને કહ્યું કે, આંગણવાડી કાર્યકરો અને બહેનોને ટી.એચ.આર માંથી વધુ સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગીઓ બનાવવાની તાલીમ આપવાનું આયોજન છે. આંગણવાડી ભરતીની પ્રક્રિયા હવે ડિજિટલ મોડમાં હાથ ધરીને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઈનની ગુજરાતની પહેલની તેમણે યાદ અપાવી હતી.

  સૌને આવકારતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશનર કે.કે. નીરાલાએ જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેને વિભાગની શક્ય તેટલી સેવાઓના ડિજિટલીકરણની સૂચના આપી છે. તે પ્રમાણે મોબાઈલ એપ અને પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે. આંગણવાડી કાર્યકરો અને હેલપરોની હવે પછીની ભરતી પણ ઓનલાઇન પ્રક્રિયાનો આધાર લઈને કરવામાં આવશે. વિભાગની ડિજિટલ પહેલોની નીતિ આયોગે નોંધ લીધી છે.

  મંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ.અટલજીએ સ્થાપેલી સુશાસન પરંપરાઓને યાદ કરતા તેમને અંજલિ આપી હતી અને સુશાસન સપ્તાહની ઉજવણીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સમાવેશ માટે આનંદ વ્યક્ત કર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Vadodara news, વડોદરા

  આગામી સમાચાર