Home /News /madhya-gujarat /ગરવી ગુજરાત યાત્રાની ડિલક્સ ટ્રેન વડોદરા પહોંચી, ગરબાથી મુસાફરોનું સ્વાગત, બે દિવસનો હોલ્ટ
ગરવી ગુજરાત યાત્રાની ડિલક્સ ટ્રેન વડોદરા પહોંચી, ગરબાથી મુસાફરોનું સ્વાગત, બે દિવસનો હોલ્ટ
વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર ગરબાથી મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરીસ્ટ ટ્રેન વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશને પહોંચી હતી. ત્યારે સ્ટેશને તેમનું ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
વડોદરાઃ ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરીસ્ટ ટ્રેન વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશને પહોંચી હતી. ટ્રેનને દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી માનનીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.
પરંપરાગત નૃત્યથી મુસાફરોનું સ્વાગત
આ અંગે માહિતી આપતાં ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, વિશ્વામિત્રી સ્ટેશન પર ‘ગરવી ગુજરાત યાત્રા’ ટ્રેનનું આગમન થતા તમામ મહેમાન મુસાફરોનું ગુજરાતી પરંપરા અને સાંસ્કૃતિક વાતાવરણમાં પુષ્પો અર્પણ કરીને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર તેમના આગમન પર રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી અને ગુજરાતના ગૌરવ એવા ‘ગરબા ડાન્સ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસાફરોએ પણ આ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો.
આ દરમિયાન મુસાફરોને વડોદરા શહેરના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થવાની તક પણ મળી હતી. યાત્રીઓએ ચાંપાનેર (ભારતના પુરાતત્વ સર્વેક્ષણ)ની યુનેસ્કો હેરિટેજ સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમના હોલ્ટના બીજા દિવસે યાત્રીઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે. ત્યારબાદ આ ટ્રેન વેરાવળથી રાત્રે સોમનાથ પ્રવાહ માટે રવાના થશે.
પ્રવાસી સર્કિટની 17મી ટ્રેન
સાત રાત અને આઠ દિવસના આ ટૂર પેકેજમાં તમામ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેનમાં બે રેલ રેસ્ટોરન્ટ, સીસીટીવી, ઈન્ફોર્મેશન સિસ્ટમ અને લાઈબ્રેરી પણ છે. ગુપ્તાએ માહિતી આપી હતી કે, ગુજરાત રાજ્ય તેના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરપૂર છે, જ્યાં પ્રવાસીઓ તેમના રોકાણ દરમિયાન પ્રખ્યાત સ્મારકો, યાત્રાધામો અને સાંસ્કૃતિક કેન્દ્રોની મુલાકાત લેશે. આ ટ્રેન પ્રવાસી સર્કિટની 17મી ટ્રેન છે અને ભારતીય રેલવે દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે.