Vadodara News: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા કાર ભાડે મેળવી માલિકની જાણ બહાર બારોબાર વેચી મારવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભેજાબાજ ટોળકી દ્વારા એક બે નહીં પરંતુ 100થી વધુ નાગરિકો પાસેથી કાર ભાડે મેળવી ભાડું નહીં ચૂકવી રાજ્ય બહાર બારોબાર વેચવાનો ખુલાસો થયો છે.
અંકિત ઘોનસીકર, વડોદરાઃ શું તમે તમારી કાર ભાડાપેટે કોઈને ચલાવવા આપી છે? જો તમારો જવાબ હા હોય તો ચેતી જજો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આવું એક મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમાં કાર ભાડે રાખી માલિકની જાણ બહાર બારોબાર વેચી નાંખતા હોવાનું સામે આવ્યું છે.
સતત વધી રહેલી મોંઘવારીને કારણે નાગરિકો વધારાની આવક મેળવવા કંઈકને કંઈક તરકીબ અજમાવતા હોય છે. ત્યારે જરૂરિયાતમંદ નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવા માર્કેટમાં એક નહીં પરંતુ સેંકડો ઠગ ટોળકીએ સક્રિય થઈ છે. ત્યારે વડોદરામાં પણ એક ટોળકી દ્વારા કાર ભાડે મૂકી હજારો કમાવવાની લોભામણી જાહેરાત આપી મોટા પ્રમાણમાં નાગરિકો પાસેથી ભાડે કાર રાખી માલિકની જાણ બહાર વેચી મારવાનું કૌભાંડ આચરવામાં આવ્યું.
મળતી માહિતી પ્રમાણે, આજથી થોડાં દિવસો અગાઉ એક નાગરિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, એક સમાચાર પત્રમાં કાર ભાડે આપી લાખોની કમાણી કરોની લોભામણી જાહેરાત આપવામાં આવી હતી. જેથી જાહેરાતમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કરતા અજાણ્યા ઈસમ દ્વારા કાર ભાડે રાખી તગડું ભાડું કમાવી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. જેથી કાર માલિકે પોતાની કાર ભાડાપટ્ટે ચઢાવી હતી, પરંતુ લાંબો સમય થયો છતાં સામે વાળી વ્યક્તિ દ્વારા કારનું ભાડુ મૂળ માલિકને ચૂકવવામાં નહોતું આવ્યું અને જ્યારે કાર પરત લેવાની માંગ કરવામાં આવે તો વિવિધ બહાના બતાવવામાં આવતા હતા. જેથી ભોગ બનનાર નાગરિકને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
100થી વધુ લોકો સાથે છેતરપિંડી
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા કાર ભાડે મેળવી માલિકની જાણ બહાર બારોબાર વેચી મારવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભેજાબાજ ટોળકી દ્વારા એક બે નહીં પરંતુ 100થી વધુ નાગરિકો પાસેથી કાર ભાડે મેળવી ભાડું નહીં ચૂકવી રાજ્ય બહાર બારોબાર વેચી મારી હોવાનો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં દરોડા પાડી મોટા પ્રમાણમાં ફોર વ્હીલર કાર કબ્જે કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપીઓ દ્વારા ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ભાડે લીધેલી કાર બારોબાર ગીરવે મૂકી દેવામાં આવતી હતી અને કારને બદલે મોટી રકમ મેળવી અન્ય શિકારની શોધમાં નીકળી પડતાં હતાં. ત્યારે બંને આરોપીઓ દ્વારા ગીરવે મૂકેલી આશરે 20 જેટલી કાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબ્જે લેવામાં આવી છે. જેની કિંમત 87.95 લાખ થાય છે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની તપાસ હાથ ધરી
નાગરિકો પાસેથી કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાના આ ખેલમાં મનીષ હરસોરા, દીપક રૈયાણી આ બંને ભેજાબાજો દ્વારા 100થી વધુ નાગરિકો સાથે આ પ્રકારે વિશ્વાસઘાત છેતરપિંડી આચરવામાં આવી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બંને આરોપી આ પ્રકારનો ગુનો આચરવામાં માહેર હોવાથી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમ બનાવી ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.