વડોદરા : કોરોનાવાયરસને લઇને વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે વિશ્વના તમામ દેશોના આરોગ્ય તંત્ર દ્વારા ચાઇનાથી આવતા દરેક મુસાફરોના રેકોર્ડ તેમજ શારીરીક તપાસ અંગેની જરૂરી કાર્યવાહી કરવા અંગે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે
વડોદરા સહીત રાજ્યના તમામ એરપોર્ટ પર કોરોના વારયસ એલર્ટના ડીસપ્લે મૂકી, ચાઇનાથી આવતા મુસાફરીની શારીરીક તપાસ કરવા માટે આરોગ્યની ટીમને સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ આજે જ્યારે ચાઇનાથી 25 દિવસ બાદ વડોદરા પરત ફરેલા બન્ને યુવાનો એરપોર્ટ પહોંચ્યાં ત્યારે તંત્ર ઉઘતુ ઝડપાયું હતુ. જેથી બન્ને યુવાનો ખુદ સયાજી હોસ્પિટલમાં તપાસ અર્થે પહોંચ્યાં હતા. આવી પરિસ્થિતિમાં જો માત્ર એલર્ટનુ ડીસપ્લે બેનર લગાવી તંત્ર સંતોષ માની રહ્યું છે અને કોરોના વાયરસ ને લઇ આરોગ્ય ચકાસણી મામલે બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
શહેરના હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ભરત રાજવંશી બન્ને યુવાનો શહેરની ચાઈના સઁચાલિત એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે 25 દિવસ અગાઉ કામ અર્થે કંપનીએ બન્ને યુવાનોને ચાઇના મોકલ્યા હતા. તેવામાં કોરોના વાયરસને લઇને ચાઇનામાં પરિસ્થિતિ બગળતા કંપનીએ તેઓનુ ચેકઅપ કરાવી પાછા ભારત મોકલી આપ્યા હતા. જેથી બન્ને યુવાનો ચાઇનાથી મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેઓનુ સ્ક્રીનીંગ કરી વાયરસના લક્ષણો ન દેખાતા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યાં હતા.
એલર્ટનુ ડીસપ્લે મૂકીને સંતોષ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે હોસ્પિટલો અને એરપોર્ટ પર ચાઇનાથી આવતા મુસાફરો અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ વડોદરા જિલ્લાનુ આરોગ્ય તંત્ર માત્ર એલર્ટનુ ડીસપ્લે મૂકીને સંતોષ માની બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. તેમજ વડોદરા એરપોર્ટ ઓથોરીટી પણ ઘોર નિંદ્રામાં છે. કારણ ચાઇનાથી આવેલા બન્ને યુવાનો વડોદરા એરપોર્ટ પહોંચ્યાં ત્યાં સુધી આરોગ્ય વિભાગને તેની કોઇ જાણ નતી, તદઉપરાંત બન્ને યુવાનો પોતે ચેકઅપ માટે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યાં હતા. જે બાબત ખૂબ ગંભીર માનવામાં આવી રહીં છે.
સયાજી હોસ્પિટલમાં ચેકઅપ માટે પહોંચેલા હિતેન્દ્રસિંહ અને ભરતની પહેલાતો એન.સી.ઓ.ટી વોર્ડમાં તબીબીઓ તપાસ શરૂ કરી દીધી હતી. જોકે બે યુવાનો ચાઇનાથી પરત આવ્યાં છે અને તેમની તપાસ એન.સી.ઓ.ટીમાં કરાઇ રહીં હોવાની જાણ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાજીવ દેવેશ્વરને થતાં તેઓએ તબીબોનો ઉધળો લઇ નાખ્યો હતો. જોકે ત્યારબાદ બન્ને યુવાનોને તાત્કાલીક આઇસોલેશન વોર્ડમાં શીફ્ટ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું કે, બન્ને યુવાનોની તમામ જરૂરી શારીરીક તપાસ કરવામા આવી છે. જોકે તેમનામાં કોરોના વાયરસના કોઇ લક્ષણો દેખાયા નથી, જેથી બન્નેને ઘરે જવા દેવામાં આવ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા બન્ને યુવાનોને ઓબર્ઝવેશનમાં રાખવામાં આવશે.