વડોદરા: શહેરમાં કોરોનાએ કાબુ ગુમાવ્યો છે. દિન-પ્રતિદિન કોરોનાના (Corona Case) કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જીલ્લા અને શહેરમાં (Vadodra City) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1670 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 645 દર્દીઓએ કોરોનાની સામેની જંગ જીતી ગયા હતા. જ્યારે અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલ સંખ્યા 624 નોંધાઈ છે. કુલ આંકડો 84, 094 એ પહોંચી ગયો છે.
વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે તેજ ગતિએ ફેલાવવા માંડ્યું છે. વડોદરા શહેરમાં કુલ એક્ટિવ કેસ 8210 અને જેમાં હોમ આઇસોલેશનના 7988 કેસ નોંધાયેલ છે. વડોદરા શહેરમાં એક જ દિવસમાં 65,608 લોકોએ કોરોના વિરોધી રસી મુકાવી હતી. જ્યારે 15 થી 18 વર્ષના 11,080 બાળકોએ રસી મુકવી દીધી. તદુપરાંત 9240 લોકોએ રસીનો ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ લીધો છે.
રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમ કોરોન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવે છે. તદુપરાંત કોરોના ગાઈડલાઈનનું શહેરીજનોએ ચુસ્તપણે પાલન કરવાનું સૂચન પણ આપવામાં આવેલ છે. વીતેલા છેલ્લા 24 કલાકમાં કરાયેલા સેમ્પલિંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 382 દર્દીઓ, દક્ષિણ ઝોનમાં 392 દર્દીઓ, પૂર્વ ઝોનમાંથી 325 દર્દીઓ અને પશ્ચિમ ઝોનમાંથી 440 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે વડોદરા રૂરલ માંથી 131 દર્દી મળી કુલ 1,670 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસોનો આંક 84,094 ઉપર પહોંચ્યો છે.
તદુપરાંત વડોદરા શહેરમાં વોર્ડની ટીમ તથા પોલીસ દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટિમ પણ કાર્યરત છે. જેમાં ધનવંતરી રથ અને સંજીવની અભિયાન ચાલી રહ્યું છે. વડોદરા શહેરની હોસ્પિટલોમાં 16000 જેટલા બેડની તૈયારી કરી રાખવામાં આવી છે. જેમાં 6000 સરકારી અને 10,000 ખાનગી હોસ્પિટલોમાં બેડ તૈયાર છે. તદુપરાંત દવાઓ અને ઓક્સિજન પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.