ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા પ્રજ્ઞાચક્ષુઓના કાર્યક્રમે લોકોમાં આકર્ષણ જમાવ્યું...
મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમીત્તે વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ગાંધીનગર ગૃહ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરા: મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમીત્તે વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ગાંધીનગર ગૃહ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ ડો. સલિમ વ્હોરાએ જણાવ્યું હતુ કે, કોરોનાની મહામારીના સમયમાં રેલીઓ કાઢીને ખોટા ખર્ચ કરવાને બદલે રેલીઓ પાછળ થતાં ખર્ચના નાણાં ગરીબોને અનાજ, વસ્ત્રો આપવામાં આવે અપિલ કરી હતી.
આજે સમગ્ર શહેરમાં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની ઉજવણી થઇ રહી છે. રાજકીય પક્ષો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ મહાત્મા ગાંધીના આદર્શોને માણનાર લોકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પણ ગાંધીનગર ગૃહ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને ભજન-કિર્તન કર્યું હતું. રઘુપતિ રાઘવ રાજા રામ, ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહેજે...તેમજ શ્રી રામ જય રામ..જય જય રામની ધૂન સાથે મહાત્મા ગાંધીજીને અંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં 50 ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓ જોડાયા હતા. ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા પ્રજ્ઞાચક્ષુઓના કાર્યક્રમે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
પ્રજ્ઞાચક્ષુ ડો. સલિમ વ્હોરાએ જણાવ્યું હતું કે, આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓ ગાંધીનગર ગૃહ ખાતે આવ્યા હતા. અને તેઓ ગાંધીજીના નિર્વાણ દિન નિમીત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજના દિવસે અમારી સરકાર તેમજ સંસ્થાઓને અપિલ છે કે, કોરોનાની મહામારીમાં રેલીઓ જેવા કાર્યક્રમો યોજવાના બદલે રેલી અને કાર્યક્રમોમાં થતા ખર્ચના નાણાંથી ગરીબોને અન્ન, વસ્ત્ર જેવી જીવન જરૂરી ચિજવસ્તુઓની મદદ કરવામાં આવે. દેશમાં છેલ્લા દસ વર્ષમાં ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની મહામારીમાં ગરીબોની હાલત દયનીય બની ગઇ છે.