વડોદરા તાલુકાનાં નાનકડાં અલ્હાદપૂરા ગામે 15 થી 18 વર્ષના તરુણોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં મસમોટી સિદ્ધિ મેળવી છે. આ ગામમાં કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજ સવારથી તરુણોને રસી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને બપોરના ત્રણ વાગ્યા સુધીમાં શાળાઓમાં ભણતા અને શાળા બહાર હોય તેવા, આ ગામના રસી મેળવવાને પાત્ર તમામ 48 તરુણોને રસી આપીને પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ પૂરું કરી અન્ય ગામોને પ્રેરણા આપી છે. તરુણ રસીકરણ 100 ટકા પૂરું કર્યું હોય તેવું વડોદરા જિલ્લાનું આ પ્રથમ ગામ છે અને કદાચિત રાજ્યનું પણ પ્રથમ ગામ હોય શકે છે.
આરોગ્ય તંત્રને આ ઉજ્જવળ સિદ્ધિ મેળવવામાં આ ગામમાં સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઈ. એસ. આર. ફાઉન્ડેશનનો સહયોગ નોંધ લેવા જેવો છે. આરોગ્ય તંત્રના સર્વે ઉપરાંત આ સંસ્થાએ લગભગ બે દિવસ પહેલાથી શાળાએ જતા અને શાળા બહારના રસી લેવાને પાત્ર તરુણોનો પોતાનો સર્વે કર્યો હતો અને ગામના પ્રત્યેક ઘરના વડીલોનો સંપર્ક કરીને, સંતાનોને અચૂક રસી મુકાવવા સંમત કર્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, અલ્હાદપૂરા પહેલા ડોઝનું રસીકરણ પૂરું કરનારું જિલ્લાનું પહેલું ગામ હતું. તે પછી 18 થી 44, 45 થી 59 અને 60 ની શ્રેણીઓમાં રસી લેવાને પાત્ર તમામ ગ્રામજનોના બંને ડોઝના 100 ટકા રસીકરણની ઉજ્જવળ સિદ્ધિ પણ આ ગામને મળી છે.
હવે પહેલા જ દિવસે ગામના તમામ તરુણોને રસી રક્ષિત કરીને આ ગામે એક નવી દિશા ચીંધી છે. ઈ.એસ.આર ફાઉન્ડેશન દ્વારા યુવા શક્તિને ગ્રામ વિકાસ અને સમાજસેવામાં જોડનારા સંકેત સક્પાળ જણાવે છે કે, આ ગામના કોઈ પણ ઘરમાં જઈને માંગો તો રસી લેવાને પાત્ર ઘરના પ્રત્યેક સભ્યનું, રસીના બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર તેઓ ગર્વથી બતાવી શકે છે. અમે વડીલો ઉપરાંત રસી લેવાને પાત્ર તરુણોને સમજાવીને તેમનો ડર નિવારવાની સાથે તેમનામાં આત્મ વિશ્વાસનો સંચાર કર્યો, તેના પરિણામે આ સફળતા મળી છે. કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જીતેન રાણા અને તેમના સમર્પિત સાથીઓનો સહયોગ નિર્ણાયક બન્યો છે.
ડો. જિતેન રાણાએ આ સિદ્ધિ માટે ગ્રામજનો અને ઈ. એસ. આર. ફાઉન્ડેશનને અભિનંદન આપતા જણાવ્યું કે, અમે શાળામાં શિક્ષણ લેતાં હોય તે ઉપરાંત શિક્ષણ ન લેતાં હોય તેવા તરુણો નો યાદીમાં કાળજીપૂર્વક સમાવેશ કર્યો. ગ્રામજનો અને સેવા સંસ્થાઓનો સહયોગ મળે તો આરોગ્યના અભિયાનો સરળતાથી સાકાર થાય એવો વિશ્વાસ અમને બંધાયો છે.
એક હાથે તાળી પડતી નથી. સરકારે કોરોના સામે લોકોને સુરક્ષિત રાખવા રસી મૂકવાનું વ્યાપક અભિયાન ઉપાડ્યું છે, વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આખું આરોગ્ય તંત્ર પરિશ્રમ કરી રહ્યું છે, ત્યારે અલ્હાદપૂરા જેવી સમજદારી બધાં ગામોમાં કેળવાય અને સંસ્થાઓનો સહયોગ મળે તો 100 ટકા રસીકરણ નક્કર વાસ્તવિકતા બની શકે છે.