Home /News /madhya-gujarat /

સત્ય ઘટના: નાગણનું મૃત્યુ થતા નાગે પણ આવી રીતે આપ્યો હતો જીવ, નાગ નાગેશ્વરીના સમાધિ સ્થાનનો છે અનોખો મહિમા

સત્ય ઘટના: નાગણનું મૃત્યુ થતા નાગે પણ આવી રીતે આપ્યો હતો જીવ, નાગ નાગેશ્વરીના સમાધિ સ્થાનનો છે અનોખો મહિમા

અહિં આવતા તમામ શ્રધ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે 

સંતો મહંતો વિરલ વિભૂતિઓ અને બહારવટીયાઓની જન્મભૂમી એટલે સૌરાષ્ટ્ર. તેજ રીતે વડોદરા શહેર જીલ્લાનું નાનકડું સુંદર અને સંપવાળુ માંજલપુર ગામ પણ ધીમે ધીમે દિવ્ય આત્માઓના નિવાસ સ્થાન બન્યું છે.

  વડોદરા: સંતો મહંતો વિરલ વિભૂતિઓ અને બહારવટીયાઓની જન્મભૂમી એટલે સૌરાષ્ટ્ર. તેજ રીતે વડોદરા શહેર જીલ્લાનું નાનકડું સુંદર અને સંપવાળુ માંજલપુર ગામ પણ ધીમે ધીમે દિવ્ય આત્માઓના નિવાસ સ્થાન બન્યું છે. જેની ધર્મ ધજા ફરકાવતા મંદિરો મોજુદ છે. જેમાં માંજલપુરની પવિત્ર ભૂમિ ઉપર આવેલું કબીર મંદિર જયાં મહંત જયરામદાસ સાહેબ, મહંત મનહરદાસ સાહેબ જેવા અલૌકીક સંતો થઇ ગયા. ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલું જીવામામાનું મંદિર જે પોતે ગામને ધાડપાડુઓથી બચાવવા જતા શહીદ થઈ ગયા હતા તેમનું છે.

  આવી જ એક વિરલ અને સત્ય ઘટના આધારિત નાગ નાગેશ્વરીની સમાધીનું મંદિર છે. જે તારીખ 4 ઓગસ્ટ, 2002ને રવિવારના રોજ બનવા પામી હતી. માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે જયાં પહેલા પદમાટેક્ષ એન્જીનીયરીંગ નામની કંપની આવેલી હતી. જેના પાછળના ભાગે એક મોટો કુવો હતો. જે હાલમાં પુરી દઇ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. એક લોક વાયકા અનુસાર આ કુવામાંથી વરસો પહેલા વરસાદ માતા નામની એક દૈવી શકિત પ્રગટ થઇ કુવાના થાળા ઉપર બિરાજમાન થયા હતા. જે તે સમયે આજુબાજુના લોકો એ ત્યાં કુવાના થાળા ઉપર માતાજીની નાનકડી દેરી બનાવી હતી. હાલનું જે માતાજીનું મંદિર છે, તે કુવો પુરી દઇને વિશાળ પાયે બનાવવામાં આવ્યુ છે.
  આ કુવાની બાજુમાં એક નાગ નાગણની જોડી રહેતી હતી. અલૌકીક દિવ્ય આત્મા સ્વરૂપ નાગ નાગણની જોડી આખી કંપનીના કંપાઉન્ડમાં તથા આજુબાજુમાં દરરોજ ફરતી રહેતી. જેના ધણા શ્રધ્ધાળુઓને દર્શન થતા રહેતા. પરંતુ કયારેય કોઇને પણ કોઇપણ જાતનું નુકશાન પહોંચાડતી નહીં. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને ધાર્મીક માસ તરીકે જાણીતા શ્રાવણ માસમાં તા. 4 ઓગસ્ટ, 2002ના રવિવારના રોજ સમગ્ર માંજલપુરમાં એક આલ્હાદક વાતાવરણનો માહોલ હતો. જાણે કે આપણે કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં ફરતા હોય તેમ લાગતુ. રીમઝીમ રીમઝીમ વરસતો વરસાદ તેમાં ઓર વધારો કરતો.

  બરાબર આજ સમયે સાંજના લગભગ ચારથી પાંચ વાગ્યાના ગાળામાં અહિં બાજુમાં આવેલી મંજુલાપાર્ક સોસાયટીના બ્લોક નં. ઇ -2 માં રહેતા પારેખ પરીવારના સભ્યો કષ્ટભંજન દેવના દર્શન કરી સારંગપુરથી મારૂતીવાનમાં પરત ફરી રહયા હતા. મારૂતીવાન હાલમાં જે નાનકડી દેરી છે ત્યાં આવી ત્યારે બરાબર આજ સમયે સામે કુવા તરફના ભાગેથી પોતાની મસ્તીમાં મસ્ત કુદરતી વાતાવરણનો આનંદ લુંટતા નાગ નાગણ રસ્તો ઓળંગી રહયા હતા. મારૂતીવાનના વ્હીલની ઝપટ વાગતા નાગણ તત્કાળ ત્યાં જ મૃત્યુ પામી. નાગે પોતાની વ્હાલસોઇ નાગણના પ્રાણ વિનાના દેહને જોઇ તેની આજુબાજુ ચકકર લગાવી ખાતરી કરી કે, પોતાનું શરીર ત્યજીને નાગણનો આત્મા અનંતની યાત્રાએ ઉપડી ગયો હતો.
  નાગણના ગયા પછી મારે અહિં પૃથ્વી ઉપર રહીને શું કામ છે ? કદાચ આમ વિચારી વિરહની વેદના હવે નહીં સહેવાય. તેમ લાગતા નાગે પણ પોતાનું ફણીધર માથુ રોડ ઉપર પછાડી પછાડીને પ્રાણનો ત્યાગ કરી દીધો. બલિદાનની આ ઘટના નજરો નજર નિહાળનાર બાજુમાં જ પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહિં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા. જોત જોતામાં સમગ ઘટનાની જાણ વાયુવેગે માંજલપુરમાં પ્રસરી ગઇ. ગામના લોકોને આ દુ:ખદ બનાવ બન્યો. તેનું દુ:ખ હતુ, તો હવે બન્ને ના મૃત શરીરનું શું કરવુ તેની વિમાસણ હતી.

  આ પણ વાંચો: કોરોના કેસ વધતા તંત્રની તૈયારી, અમદાવાદ હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર ફરી તૈયાર

  ઘણાએ સલાહ આપી કે શુધ્ધ ઘી અને લાકડા વડે અગ્નિદાહ આપવો, કેટલાક અનુભવી વડીલોએ સલાહ આપી કે પ્રેમ અને બલિદાનની ઘટના સદા યાદ રહે તે માટે અહિંજ સમાધી આપી અને ત્યાં ગામના બલીદાનની નાનકડી દેરી બનાવવી. સમાધી આપવા માટે ગામના યુવાનો એ ખાડો ખોદવા માંડયો. પરંતુ આ બનાવની જાણ આજુબાજુમાં થતા લોકોના ટોળે ટોળા નાગ નાગણના દર્શન માટે આવવા લાગ્યા.  એક તરફ સમાધીની તૈયારી થઇ ચુકી હતી. પરંતુ દર્શનાર્થીઓની ભીડ વધતી જતી હતી. આમ ને આમ કદાચ સવાર પડી જાત, પરંતુ રાત્રીના દશ વાગ્યાની આસપાસના સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમર લાયક અજાણી વ્યક્તિ આવી અને સમાધી પાસેના યુવાનોને જણાવ્યું કે, તમે સવારના સૂર્યોદય થાય તે પહેલા બંનેના મૃત શરીરને દફન કરી દેજો, નહિ તો પછી આવતી કાલનો સૂર્યોદય માંજલપુરમાં ન બનવાની ઘટના લઇને આવશે, તે કાંઇ કહી શકાય નહિ, માટે સૂર્યોદય પહેલા સમાધી આપી દેજો.

  આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવત

  આમ રાત્રીના સમયે નાગ નાગણને સમાધી આપવામાં આવી. દર્શનાર્થે આવેલા લોકોએ ભેટરૂપે ત્યાં મુકેલા રૂપિયામાંથી મંદિરનું નિર્માણ કરવુ તેમ નકકી કરી થોડાક યુવાનો ત્યાં રાત્રે રોકાયા. સવારના મળસ્કે લગભગ ચાર વાગ્યાના સુમારે એક જોરદાર ધડાકા જેવો અવાજ આવ્યો. ત્યાં બાજુમાં સુઇ રહેલા યુવાનોએ સમાધી પાસે જઇને જોયું તો સમાધી ઉપરની માટી લગભગ 2 થી 3 ફુટ જમીનમાં અંદર ખુંપી ગઇ હતી.  સવારે પણ દુર દુરથી લોકો સમાધી સ્થળના દર્શન કરવા આવવા લાગ્યા. લોકફાળો, નામી, અનામી, ધણા દાતાઓની સહાયથી હાલના આ નાગ નાગેશ્વરી સમાધી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. એક આ ઘટનાની જાણ સમાચાર પત્રો દ્વારા પ્રસારીત થતા ગામે ગામથી શ્રધ્ધાળુઓ સમાધીના દર્શને આવતા. પોતાના દુખ દર્દીને દુર કરવા પ્રાર્થના કરવા લાગ્યા. તા. 11 ઓગસ્ટના રવિવારના રોજ શ્રધ્ધાળુ ધ્વારા શ્રીફળ વધેરવામાં આવતા કયારેય ના જોઇ હોય તેવી ઘટના જોવા મળી.  એકજ શ્રીફળમાંથી બે અલગ અલગ કાચલી નીકળી. બીજા એક શ્રધ્ધાળુ ધ્વારા શ્રીફળ છોલવામાં આવતા જાણે કે નાગ નાગણ પ્રસન્ન થયા હોય તેમ તેના ઉપર બે આંખ જોવા મળી આ બંને વસ્તુ સમાધી ખાતે મોજુદ છે. અહિં આવતા તમામ શ્રધ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે અને ખાસ તો નિસંતાન દંપતી અહિથી ક્યારેય નિરાશ થઇને ગયા નથી.  નાગ નાગેશ્વરીના આર્શીવાદથી તેઓના ધરે અવશ્ય પારણું બંધાય છે. આ સમાધી મંદિરમાં ગામના કેટલાક યુવાનો ધ્વારા ફાગવેલ જતા કોઇપણ પગપાળા યાત્રા સંધને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. નાગદેવતાને ખાસ તો પ્રસાદીમાં શેકેલા તલ, ગોળ અને ઘીનું મિશ્રણ કરીને ધરાવવામાં આવે છે જે એમને ખૂબ જ પ્રિય છે. હાલમાં આ મંદિરનો વહીવટ ગામના સેવાભાવી યુવાનો નિસ્વાર્થભાવે કરે છે જેમાં, હરમાનભાઇ રણછોડભાઇ સોલંકી, અંબાલાલ ભીખાભાઇ ચૌહાણ અને કાંતિભાઇ પુનાભાઇ સોલંકીની સેવા અમુલ્ય છે. આ ઘટના વિશેની વિગતવાર માહિતી માંજલપુર ગામના રહેવાસી ભરતભાઈ સોલંકી એ આપી હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Nagin, Vadodara, વડોદરા શહેર, સાપ

  આગામી સમાચાર