વડોદરા:આયુર્વેદિક-હોમિયોપેથિક દવાખાના ઔષધિય વૃક્ષઉછેર કરશે

આયુર્વેદિક અને હોમિયોપેથિક તબીબી અધિકારીઓ, તેમના દવાખાનાઓના પ્રાંગણમાં ઔષધિય રોપાઓનું વાવેતર કરાવીને તેના ઉછેરની કાળજી લેશે

News18 Gujarati
Updated: June 3, 2019, 6:01 PM IST
વડોદરા:આયુર્વેદિક-હોમિયોપેથિક દવાખાના ઔષધિય વૃક્ષઉછેર કરશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 3, 2019, 6:01 PM IST
વડોદરા: ૫મી જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને આયુષ વિભાગે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં એક અનોખી પહેલના રૂપમાં, પ્રત્યેક જિલ્લામાં ૫ પ્રમાણે કુલ ૧૦ હજાર ઔષધિય મહત્વ ધરાવતા વૃક્ષોના ઉછેરની ઝૂંબેશ ઉપાડવાનું નિર્ધાર્યું છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોષીના જણાવ્યા અનુસાર વન વિભાગે આ તંદુરસ્તીરક્ષક અને પર્યાવરણરક્ષક ઝૂંબેશમાં જરૂરી સંખ્યામાં રોપા ઉપલબ્ધ કરાવીને સહભાગી બનવાની ખાતરી આપી છે.

આ અભિયાન હેઠળ અમારા પ્રત્યેક સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનાઓના તબીબો ટ્રી પ્લાન્ટેશન એમ્બેસેડર તરીકે કામ કરવાનો સંકલ્પ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં ૩૫ અને છોટાઉદેપુર જિલ્લામાં ૨૦ મળીને કુલ ૫૫ આવા દવાખાનાઓ છે.

આ દવાખાનાઓના આયુર્વેદિક અને હોમિયોપેથિક તબીબી અધિકારીઓ, તેમના દવાખાનાઓના પ્રાંગણમાં ઔષધિય રોપાઓનું વાવેતર કરાવીને તેના ઉછેરની કાળજી લેશે. આ ઉપરાંત તેઓ જે તે દવાખાનાઓ નજીક આવેલી શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયતો જેવી સંસ્થાઓને ઔષધીય વૃક્ષઉછેર ઝૂંબેશમાં જોડશે અને તેમના પરિસરોમાં રોપાઓનું વાવેતર કરાય અને સંવર્ધન અને સંરક્ષણની કાળજી લેવાય તેની તકેદારી લેશે.

વન વિભાગે આ ઝૂંબેશ માટે તુલસી, અશ્વગંધા, કુંવારપાઠું, વાસા જેવી નાના કદની ઔષધિય વનસ્પતિઓ, નગોડ, કરંજ, આમલકી, બહેડા, રોહિતક, કાંચનાર, બીલી, પારીજાતક, અશોક, ઔદુમ્બર, ખદીર, અર્જુન, સપ્તપર્ણ જેવી મધ્યમ કદની ઔષધીય વનસ્પતિઓ, નીમ, જાંબુ, હરડે, બોરસલી, અરીઠા, વડ, પીપળો જેવા વિશાળ ઔષધિય વૃક્ષો, વીકસ, બ્રાહ્મી, ફાલસા, અંજીર જેવી વિશિષ્ટ ઔષધિઓના રોપાઓ પૂરાં પાડવાની ખાતરી આપી છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોષીએ લોકો અને સંસ્થાઓને આ પર્યાવરણરક્ષક અભિયાનમાં જોડાઇને સહયોગ આપવા તેમજ વનસ્પતિક-ઔષધિય આડઅસરરહિત આરોગ્યરક્ષાની વ્યવસ્થાના આ વિચારને વેગ આપવા અનુરોધ કર્યો છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...