ડિફરન્ટ વિઝન શીર્ષક હેઠળ 25 આર્ટવર્ક પ્રદર્શિત કરાયા
પી. એન. ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી ખાતે ડિફરન્ટ વિઝન શીર્ષક હેઠળ ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. આ ડિફરન્ટ વિઝન વાળા આર્ટ વર્કને શહેરમાં રહેતા કલાકાર ભારતી બહેન ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને બનાવ્યા છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખાય છે. જ્યાં જાત જાતના કલા પ્રદર્શનનો આયોજિત થતા હોય છે. કલા પ્રદર્શનમાં ખાસ કરીને ડિફરન્ટ વિઝનવાળા આર્ટ વર્ક વડોદરા શહેરના 53 વર્ષીય કલાકારે ભારતીબેન લશ્કરીએ બનાવ્યા છે. આ પ્રદર્શનમાં 25 જેટલા આર્ટવર્ક પ્રદર્શિત કરાયા હતા.
વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી પી. એન. ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી ખાતે ડિફરન્ટ વિઝન શિર્ષક હેઠળ આર્ટિસ્ટ ભારતી લશ્કરીના એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.
ભારતીબેને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી માંથી બેચલર ઇન પેઇન્ટિંગ અને ડિપ્લોમા ઇન ઇલસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આર્ટિસ્ટ ભારતી લશ્કરીએ જણાવ્યું કે, અત્યાર સુધી મારા ત્રણ સોલો શો અને પાંચ ગ્રુપ શો યોજાયા છે.
ડિફરન્ટ વિઝન શીર્ષક હેઠળ ફોટોગ્રાફ અને પેઇન્ટિંગને ડિજિટલ માધ્યમથી ભેગા કરી 25 આર્ટવર્ક બનાવ્યા હતા. જે આર્ટવર્કને ડિજિટલ પેઇન્ટિંગનો યૂનિક પ્રયોગ કહેવામાં આવે છે.
15 દિવસથી લઈને 6 મહિનાની મહેનતના અંતે એક આર્ટવર્કનું નિર્માણ શક્ય બને છે. ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ આર્ટવર્ક લોકો નિહાળે અને તે પ્રકારના આર્ટવર્ક બનાવવા પ્રેરિત થાય તેવો પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે.