વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં ફરી એક વખત માવઠાનો અનુભવ શહેરીજનોએ કર્યો. હવામાનની આગાહી અનુસાર વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એક વખત ગઈકાલે કમોસમી વરસાદ પડયો હતો. હિમાલય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાત પર તેની અસર પડી છે. ગઇકાલ ગુરૂવારના રોજ વડોદરાના માથે વાદળો ઘેરાયા હતા. જેના કારણે ગરમીનો પારો 2.9 ડિગ્રી ગગડીને 28.2 ડિગ્રી નોંધાયો હતો. તથા બીજી બાજુ સાંજે ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે હજુ બે દિવસ વડોદરામાં માવઠું પડી તેવી હવામાન ખાતાની આગાહી છે.
ગઈકાલ ગુરુવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 2.9 ડિગ્રી ગગડીને 28.6 ડિગ્રી એ નોંધાયું હતું. તથા લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી વધતા 19.2 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ઠંડીમાં સામાન્યતઃ ઘટાડો નોંધાયો હતો. સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 ટકાથી ઘટીને 79 ટકા અને સાંજે 48 ટકાથી વધીને 63 ટકા થઇ ગયું હતું.
હવામાન ખાતાએ આજરોજ શુક્રવારના પણ સામાન્ય માવઠું પડશે તેવી આગાહી આપેલ છે. સવારથી શહેરમાં ઠંડક અનુભવાઇ રહી છે. આજે શહેરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાવાની સંભાવના રહેલી છે. સવારથી વડોદરા શહેરનું વાતાવરણ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. તદુપરાંત વાદળો પણ છૂટા છવાયા દેખાઈ રહ્યા છે.
હવામાન ખાતાએ તારીખ 8મી જાન્યુઆરી સુધી વડોદરા સહિતના મધ્ય ગુજરાતમાં માવઠું પડશે તેવી આગાહી આપેલ છે. જેથી આવતીકાલ શનિવારે માવઠું આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જેના કારણે ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી લડશે તેવી શક્યતા રહેલી છે. માવઠાના કારણે ખેડૂતોની દશા અને દિશા બગડેલી છે. સતત હવામાનમાં આવતા અણધાર્યા પલટા બાદ માવઠાને કારણે ખેડૂતોની હાલત વધુ દયનીય બની રહી છે.
ચાલુ વર્ષે નિયમિત ચોમાસાની ઋતુ પછી ચોથી વખત કમોસમી માવઠાની પરિસ્થિતિ સર્જાતાં શિનોર પંથકમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, રાયડો, તુવેર, ચણા, વગેરે પાકોને વાતાવરણની વિપરીત અસરને લઈને ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે.