ડૉ. અગ્રિમા નાયરે સમગ્ર ભારતમાં લાખો લોકોને યોગ શીખવવાના સૂત્ર સાથે કોચીન (કેરળ) થી લદ્દાખની એકલ સાયકલ યાત્રા પર પ્રયાણ કર્યું છે.11 રાજ્યોમાંથી પસાર થઈ કુલ 4 હજાર કિમીનો સફર ખેડી લદાખ પહોંચશે.દરરોજનું 80 થી 100 કિલોમીટર જેટલું અંતર કાપે છે.
Nidhi dave, Vadodara: યોગ ચિકિત્સક અને મેડિકલ બાયોટેકનોલોજીમાં અનુસ્નાતક (Masters in Biotechnology) અને મોલેક્યુલર ન્યુરોસાયન્સમાં પીએચડી, ડૉ. અગ્રિમા નાયરે (Dr. Agrima Nayar) સમગ્ર ભારતમાં લાખો લોકોને યોગ શીખવવાના સૂત્ર સાથે કોચીન (કેરળ) થી લદ્દાખની એકલ સાયકલ યાત્રા (Cycling) પર પ્રયાણ કર્યું છે. તેણીએ આ સાયકલ યાત્રા 21 જૂન (આંતરરાષ્ટ્રીય યોગ દિવસ( International Yoga Day) ના રોજ કોચીનથી યોગ અને તેના ફાયદા વિશે જાગૃતિ લાવવા માટે શરૂ કરી હતી. તેણીના પ્રથમ સોલો સાયકલિંગ (Solo Cycling) અભિયાનમાં તેણીએ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને લોકો સુધી પહોંચી રહ્યા છે.
વડોદરા પહોંચતા અગ્રિમાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
કોચીનથી શરૂ કરીને તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશને આવરી લેશે અને પછી 4000 કિલોમીટર પૂર્ણ કરીને લદ્દાખ પહોંચશે. એકલ સાયકલ યાત્રાના ભાગરૂપે તેઓ આજરોજ બુધવારેવડોદરા પહોંચ્યા હતા જેયા અગ્રિમાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રવાસનો પોતાનો અનુભવ અને સૂત્ર લોકો સાથે શેર કર્યું. VMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ અને નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ અને અન્ય લોકો વડોદરા પહોંચતા તેણીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાને પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો ટાર્ગેટ
ડૉ. અગ્રિમા નાયરે જણાવ્યું કે, "તેઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ અને તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓને લોકપ્રિય બનાવવા માટે મારા સોલો સાયકલીંગ અભિયાનની શરૂઆત કરી છે. હું મારો સંદેશ ફેલાવવા માટે શાળાઓ, કોલેજો અને યોગ સંસ્થાઓની મુલાકાત લઉં છું અને તેમની સાથે વાર્તાલાપ પણ કરું છું. મને મારા માતા-પિતા તરફથી ઘણો ટેકો મળ્યો છે. મેં યાત્રાને પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો ટાર્ગેટ રાખ્યો છે અને જેમાંથી દોઢ મહિનો પસાર થઈ ગયો છે અને હું આશા રાખું છું કે સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના પહેલા ભાગમાં મારા મુકામ પર પહોંચી જઈશ. તેણી દિવસ દરમિયાન જ સાયકલિંગ કરે છે અને દરરોજનું 80 થી 100 કિલોમીટર જેટલું અંતર કાપી રહી છે.
30 વર્ષીય અગ્રીમા નાયર યોગ થેરાપી અને મેડિકલ બાયોટેકનોલોજીમાં અનુસ્નાતક છે
30 વર્ષીય અગ્રીમા નાયર યોગ થેરાપી અને મેડિકલ બાયોટેકનોલોજીમાં અનુસ્નાતક છે અને મોલેક્યુલર ન્યુરોસાયન્સમાં પીએચડી છે. વધુમાં અગ્રિમાએ કહ્યું કે, તેણી પીએચડી કરતી વખતે તણાવ અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય હતી અને પછી યોગ પર અભ્યાસ કર્યો. સકારાત્મક અનુભવ પછી તેણી છેલ્લા એક વર્ષથી યોગ અને જાગૃતિ ફેલાવી રહી છે.વધુમાં ડો. અગ્રીમા નાયરે જણાવ્યું કે, ભારત દેશ મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. કેરળ થી વડોદરા સુધીની યાત્રા ખૂબ જ સારી રહી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી મને પડી નથી. તદુપરાંત હું જે પણ શહેર કે ગામડામાંથી પસાર થવું છું ત્યાના લોકો મને જમાડીને જ મોકલતા હોય છે. લોકોના સાથ સહકાર અને પ્રેમથી જ હું આ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરીશ. જેથી હવે મહિલાઓએ ડરવાની જરૂર નથી. બસ ફક્ત પોતાનો ડર દૂર કરીને આગળ વધવાની જ જરૂર છે.