વડોદરા: માન્યતા વગરની ડોક્ટરની ડીગ્રીના આધારે મકરપુરા એસ.ટી. ડેપો પાછળ મકરપુરા મહાલક્ષ્મીનગર ખાતે એલોપેથીક દવાખાનું ખોલી જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી આર્થિક કમાણી કરતા બોગસ ડોકટરને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી.ની ટીમે એલોપેથીક દવાઓ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 14,725 ની માલ મત્તા કબ્જે કરી તેની વિરુદ્ધ ધી ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ 1956 ની કલમ 15 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટ 1963ની કલમ 30 તથા 33 સહિતની વિવિધ કલમ મુજબ મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વડોદરા શહેરના મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલ મહાલક્ષ્મી નગર ખાતે એક ઈસમ બનાવટી ડોક્ટર હોય અને એલોપેથી દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આર્થિક કમાણી કરે છે. તેવી બાતમી એસ.ઓ.જીના પો.સ.ઈ.પી.વી. ચૌધરીને મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પો.ઈ. એસ.જી. સોલંકી અને પો.ઈ. રાકેશ પટેલ સહિત સ્ટાફના માણસો આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી બાતમીવાળા સ્થળે રેડ કરી હતી. જ્યાં મહાલક્ષ્મી નગ૨ દુકાન નંબર 32 ના ઉપરના ભાગે બોર્ડ વગરની શટરવાળી રૂમમાં દવાખાનું ચાલતું હતું.
આ દવાખાનું મૂળ બિહારના અને હાલ રહેવાસી 3 - હરીદર્શન સોસાયટીમાં રહેતાં વિષ્ણુપ્રસાદ કુશવાહા તબીબ તરીકે ચલાવતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતાં વિષ્ણુપ્રસાદ બોગસ ડોકટર હોવાનું પ્રકાશમાં હતું. પ્રાથમિક તપાસમાં વિષ્ણુપ્રસાદે ધોરણ -12 સુધી અભ્યાસ કર્યા બાદ ઘેર - બેઠાં કાઉન્સિલ ઓફ ઇલેક્ટ્રો - હોમીયોપેથીક સિસ્ટમ એન્ડ મેડીસીનનો કોર્ષ કરી સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે એલોપેથીક દવાઓ, ડોકટરી સાહિત્ય તથા અન્ય સામગ્રી મળી રૂા. 14,725 નો મુદ્દામાલ કબ્જે કરી વિષ્ણુપ્રસાદની ધરપકડ કરી હતી. અને તેના વિરુદ્ધ ઈપીકો કલમ 336,406,419 તથા ધી ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ 1956 ની કલમ 15 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટ 1963 ની કલમ 30 તથા 33 મુજબ મકરપુરા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથધરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર