વડોદરા: એક મહિનો ચાલેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની પ્રક્રિયા બાદ આજે વડોદરા શહેર અને જિલ્લાની ફોટાવાળી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લાની મતદાર યાદીમાં 33,934 પુરુષ અને 37,033 મહિલા મતદારોની નવી નોંધણીને પગલે કુલ 70,967 નવા મતદારો ઉમેરાયા છે અને જેંડર રેશિયોમાં 4 અંકનો સકારાત્મક સુધારો, યાદીમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા વચ્ચે વધેલી સમતુલા દર્શાવે છે.
તંત્ર દ્વારા યુવા મતદારો, જેઓને પ્રથમવાર મતાધિકાર મળવાનો છે તેમની નામ નોંધણીની સઘન ઝુંબેશ શિક્ષણ સંસ્થાઓને માધ્યમ બનાવી હાથ ધરવામાં આવી હતી જેને સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી આર. બી. બારડે સમાવેશક મતદાર યાદી બનાવવામાં યોગદાન આપનારા સૌ કર્મયોગીઓને બિરદાવ્યા છે. અને લોકશાહી પ્રક્રિયામાં જોડાવાની પૂર્વ શરત જેવી મતદાર યાદીમાં નામ નોંધવાનો ઉત્સાહ દર્શાવનારા તમામ યુવાઓને તેમની જાગૃતિ માટે બિરદાવ્યા છે.
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સમગ્ર પ્રક્રિયાની વિગતવાર જાણકારી આપતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોશીએ જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01.01.2022 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તેના હેઠળ નિયમિત નોંધણી ઉપરાંત એક મહિનાના સમયગાળા દરમિયાન ત્રણ રવિવારો અને એક શનિવારે મતદાન મથકો ખાતે ખાસ નામ નોંધણી ઝુંબેશ યોજીને, મતદારોને તેમના રહેઠાણની નજીક નામ નોંધાવવા ની સુવિધા આપવામાં આવી હતી.
યુવા મતદારોની અસરકારક નામ નોંધણી માટે શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થી દુતો નિયુક્ત કરીને અને કેમ્પસમાં નામ નોંધાવવાની સુવિધા આપીને મહત્તમ નામ નોંધણીની જહેમત લેવામાં આવી જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ તમામ પ્રક્રિયા ચૂંટણી પંચના નિયમો અને જોગવાઈઓ અનુસાર હાથ ધરીને નવીન ફોટોવાળી મતદારયાદી આજ તારીખ 05/01/2022 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ મતદારયાદીમાં વડોદરા જિલ્લામા પુરૂષ મતદારો 33,934 તથા સ્ત્રી મતદારોના 37,033 એમ કુલ 70967 મતદારો ઉમેરાયા છે. જ્યારે અવસાન પામેલા 12,117 તથા સ્થળાંતરીત થયેલ 14,540 મતદારોના ફોર્મ 7 ભરીને તેઓના નામ કમી કરવામાં આવ્યા છે. તથા વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022 માં જેન્ડર રેશીયો 4 અંક વધીને 951 થયો છે તથા EP Ratio પણ ગતવર્ષની સરખામણીમાં 0.47 વધીને 69.05 થયો છે.
તેમણે જણાવ્યું કે, આ કામગીરીમાં જિલ્લા ચુંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, ચુંટણી શાખાના સ્ટાફ તથા વિધાનસભા કક્ષાએ મતદારયાદી સાથે સંકળાયેલ કર્મચારીઓએ, મતદાન મથકના વિસ્તારમાં નિયુક્ત બી.એલ.ઓ. અને વિદ્યાર્થી દુતોએ સઘન મહેનત કરી વડોદરા જિલ્લામાં નોધપાત્ર નવા યુવા મતદારોની નોંધણીની કામગીરી કરવામાં સકારાત્મક યોગદાન આપ્યું છે. આ તમામના સહયોગને તેમણે બિરદાવ્યો છે.