હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: ડભોઇ તાલુકાનાં ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં મોડી રાતનાં આશરે 11 કલાકે એક મજૂર હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે નીચે ઉતર્યો હતો. જેને ગૂંગળામળનાં કારણે બૂમો પાડી હતી જેના કારણે તેને બચાવવા અન્ય 6 જણ પણ ખાળકૂવામાં ઉતર્યા હતાં. આ તમામ સાત જણનાં ખાળકૂવાની અંદર જ મોત થયા છે. સમગ્ર બનાવની જાણ ડભોઇ ફાયર અને પોલીસને થતાં પોલીસ કર્મીઓ 108 એમ્બ્યુલન્સ અને ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચ્યાં હતાં અને રાહત કામગીરી શરૂ કરી હતી. દર્શન હોટલનો માલિક રઝાક મોમીન હોલટ બંધ કરીને ફરાર થઇ ગયો છે. ફરાર માલિક પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. આ સાથે સરકારે તમામ મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય કરી છે. આ ઉપરાંત રાજ્યસરકારનાં સામાજિક અને ન્યાય વિભાગે બનાવની ગંભીર નોંધ લીધી છે.
તમામ મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દિર્ઘટના અંગે લાગણી વ્યકત કરી છે. આ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓનાં વારસદારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના જિલ્લા તંત્રને આપી છે.
ડભોઇ થૂવાવી ગામના રહીશ મહેશ મણીલાલ હરીજન રહે. વસાવા ફડીયું, થૂવાવી, અશોક બેચરભાઈ હરીજન રહે. વાંટા ફાડીયું, થૂવાવી, અશોકભાઈનો પુત્ર હિતેશ અશોકભાઈ હરીજન હોટલના માલીકનાં કહેવાથી હોટલનો ખાળકૂવો રાતે 11 કલાક પછી સફાઈ કરવા ઉતાર્યા હતા. જેમાં થૂવાવી ગામના જ મહેશ રમણભાઈ પાટણવાડીયાના ટ્રેક્ટર લઈ મળ ભરી લઈ જવા આવ્યા હતા. જેમાં મહેશ મણીલાભાઈ હરીજન ખાળકૂવો સાફ કરવા ઉતરતા તને ખારકૂવાનાં ઝેરી ગેસ ને કારણે ગૂંગળામણ થવા લાગતાં તે ખાળકૂવામાં પડી ગયો હતો. જેને બચવા એક પછી એક અંદર કૂદી પડતા ચારેયનાં અંદર જ મોત નીપજ્યાં છે. આ બનાવ બનતા ત્યાં જ હોટલમાં રહી વેટરની નોકરી કરતાં ત્રણ વ્યક્તિઓ પણ ખાડકૂવામાં કૂદ્યાં હતાં. તેઓ પણ ખાળકૂવામાં જ મૃત્યું પામ્યા હતાં.