વડોદરા શહેરના 60 વર્ષીય કરુણાબેને સ્પોર્ટ્સમાં જંપલાવ્યું અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.એક સમયે તેમનું વજન 90 કિલોએ પહોંચી ગયું હતું. 60 વર્ષની ઉંમરે 20 કિલો વજન ઘટાડ્યું છે.કરુણાબેને 60 વર્ષમાં 300થી વધુ મેડલ્સ મેળવ્યા છે.
Nidhi Dave, Vadodara: 60 વર્ષે લોકો નિવૃત્તિ લઈ લે છે,ત્યારે વડોદરા શહેરના 60 વર્ષીય કરુણાબેને સ્પોર્ટ્સમાં જંપલાવ્યું અને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. કરુણાબેન બાળપણથી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે. લગ્ન થયા બાદ ઘણા વર્ષો સુધી સ્પોર્ટ્સ પ્રવૃતિઓ છૂટી ગઈ અને વજન પણ વધી ગયું હતું. પરંતુ 60 વર્ષની ઉંમરે વજન ઓછું કરીને ફરી એક વખત સ્પોર્ટ્સ પ્રવૃતિઓ શરૂ કરી છે.
સવારે 4 વાગે ઉઠીને 5 થી 8 વાગ્યા સુધી પ્રવૃત્તિમય રહું
કરુણાબેને જણાવ્યું હતું કે, હું નેશનલ પણ રમી ચુકી છું.પી.ટી.ઉષા સાથે રમવાની તક પણ મળી હતી. નવરચના સ્કૂલમાં પણ સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ કરેલું છે.
દરરોજ કંઈકને કંઈક પ્રવૃતિઓ કરતી રહું છું. જેમકે, દોડવું, સ્વિમિંગ, સાયકલિંગ વગેરે દરરોજ સવારે 4 વાગે ઉઠીને 5 થી 8 વાગ્યા સુધી પ્રવૃત્તિમય રહું છું. આ જ એક સમય છે.જે હું પોતાને આપી શકું છું.
60 વર્ષમાં 300થી વધુ મેડલ્સ મેળવ્યા છે
કરુણાબેને સ્વિમિંગમાં ઘણી સિદ્ધિઓ હાંસિલ કરી છે. નેશનલ લેવલે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્પોર્ટ્સ ફેડટેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 18મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપ 2022 અંબાલામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને હવે જાપાન માટે સિલેક્ટ થયા છે.
સ્કૂલમાં ખોખો, કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બધી રમતો રમતા હતા. 60 વર્ષમાં 300થી વધુ મેડલ્સ મેળવ્યા છે. તથા 2013થી ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે અને ખેલ મહાકુંભમાં પણ ગોલ્ડ મેળવ્યો છે.
20 કિલો જેટલું વજન ઘટાડયું
પરિવારની સેવામાં પોતાના પર ધ્યાન આપી શક્યા ન હતા. જેથી 95 કિલો વજન થઈ ગયું હતું અને આટલા વજનમાં કોઈ પ્રવૃત્તિ થઈ શકે એમ ન હતી. જેથી 60 વર્ષે પોતાના માટે સમય ફાળવ્યો અને 20 કિલો જેટલું વજન ઘટાડયું અને અત્યારે 75 કિલો વજન છે. અત્યારે તમામ પ્રવૃતિઓ કરી રહ્યા છે.
કરુણાબેન ખાવાના ખુબ જ શોખીન છે. જેથી ઓછું ખાવાનું તો કર્યું નહિ, પરંતુ દિવસમાં 3 વખત વર્કઆઉટ કરે છે. તદુપરાંત ટ્રેકિંગના ઘણા ઇવેન્ટમાં ભાગ લીધો, જેનાથી ઘણો ફાયદો થયો.