18 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન..
વડોદરા શહેરનો આજે 511મો જન્મદિવસ છે. જેને વડોદરાવાસીઓ અનોખી રીતે મનાવી રહ્યા છે. તારીખ 18 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર જે સંસ્કારી નગરી તથા કલાનગરી તરીકે ઓળખાય છે. આ વડોદરા શહેરનો આજે 511મો જન્મદિવસ છે. જેને વડોદરાવાસીઓ અનોખી રીતે મનાવી રહ્યા છે. તારીખ 18 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અનેક આકર્ષિત હેરિટેજ વોક સહિત પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ સવારે માંડવી હેરિટેજ વોકનું આયોજન ઇતિહાસવિદ્દ અને આર્ટ કંઝર્વેટર ચંદ્રશેખર પાટીલ દ્વારા કરવામાં આવ્યું. આ હેરિટેજ વોકમાં 50થી વધુ લોકો જેમાં શાળામાં બાળકો સહિત શહેરના લોકો પણ જોડાયા હતા. ઇતિહાસ વિદ્દ અને આર્ટ કંઝર્વેટર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, આ હેરિટેજ વોકનું આયોજન ખાસ એટલા માટે યોજવામાં આવ્યું છે કારણ કે, વડોદરાના લોકો જાણે કે વડોદરા શહેરનો વારસો શું છે અને કેટલા અદ્દભુત સ્થળ, શહેરની પોળ, મંદિરો, મસ્જિદો, ચાર દરવાજા છે એનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આજના યંગસ્ટર્સમાં જાગૃતિ આવે અને કલાનગરીને નવી પેઢીના હાથમાં સોંપી શકીએ એ હેતુસર આયોજન કરવામાં આવ્યું.