પહેલાના સમયમાં હાથથી કુરાન શરીફ લખીને સાસરીમાં લઈ જવાની પરંપરાને પુનર્જિવિત કરી
શહેરના ફતેપુરામાં રહેતી 19 વર્ષીય બુશરા દુધવાલા 2 વર્ષની મહેનત બાદ સમગ્ર કુરાન શરીફ હાથથી લખવામાં સફળ થઈ છે. જેમાં તેણે કુરાન શરીફમાં આવતી આયાતો અને રુકુ લખવા બૉલપેન અને અન્ય લખાણ માટે પેન્સિલનો ઉપયોગ કર્યો છે.
Nidhi Dave, Vadodara: શહેરના ફતેપુરામાં રહેતી 19 વર્ષીય બુશરા દુધવાલા 2 વર્ષની મહેનત બાદ કુરાન શરીફ હાથથી લખવામાં સફળ થઈ છે. જેમાં તેણે કુરાન શરીફમાં આવતી આયાતો અને રુકુ લખવા બોલપેન અને અન્ય લખાણ માટે પેન્સિલનો ઉપયોગ કર્યો છે.
આ અંગે બુશરા એ જણાવ્યું કે, હું મદ્રસ - એ - અહેમદ એ - મુસ્તફામાં આલીમાનો કોર્સ કરવાની સાથે બાળકોને મદ્રેસામાં ભણાવું પણ છું. મારા ઉસ્તાદ અને મદ્રસાના સદર કારી અનસ સાહેબે મને નસીહત આપી હતી કે,
આજથી 1400 વર્ષ પહેલાંના સમયમાં નેક અખ્તાકી દીકરીઓ હાથથી કુરાન શરીફ લખીને દહેજમાં લઈ જતી હતી.
આ પરંપરાને અનુસરીને મેં પણ બે વર્ષ પહેલાં કુરાન શરીફ લખવાની શરુઆત કરી હતી. જેને હું લગ્ન બાદ મારી સાસરીમાં લઈ જઈશ.ઘરનું કામકાજ, ભણવા- ભણાવવાની સાથે હું સમય મળતાં જ કુરાન શરીફ લખવા બેસતી હતી.
ખાસ કરીને રાતનો સમય મને વધુ અનુકુળ આવતો હતો. કુરાન શરીફ લખવાનો વિચાર આવવો એ અલ્લાહ તરફથી મળેલી તૌફીક છે. જે પૈકી મેં કુરાન શરીફના 8 સિપારા માત્ર 15 દિવસમાં લખ્યાં હતા.
વધુમાં જણાવ્યું કે, કુરાન શરીફ પૂર્ણ થયાં બાદ મેં મારું લખાણ અમારા ઉસ્તાદ કારી અનસ સાહેબ અને હઝરત અલ્લામા મૌલાના રફીક સાહેબ પાસે ચેક કરાવ્યું હતું. જેમાં કોઈ જ ભૂલ હતી નહી. હું જે પણ લખતી તેને સારી રીતે ચેક કરતી હતી. તથા મને હાથથી કુરાન શરીફ લખવા બદલ મદ્રસાના વાર્ષિક કાર્યક્રમમાં સન્માનિત કરાઈ હતી.