વડોદરા : અતાપી વંડરલેન્ડમાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં 12 વર્ષનાં બાળકનું મોત

News18 Gujarati
Updated: October 30, 2019, 4:27 PM IST
વડોદરા : અતાપી વંડરલેન્ડમાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં 12 વર્ષનાં બાળકનું મોત
હસનેન મન્સુરી

બાળકના પરિવારે બપોરે 12:31 વાગ્યે અતાપી વંડરલેન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સાંજે ગુમ થયા બાદ રાત્રે નવ વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

  • Share this:
ફરિદખાન, વડોદરા : વડોદરાના આજવા ખાતે આવેલા અતાપી વંડરલેન્ડમાં સંચાલકોની બેદરકારીને કારણે એક બાળકનું મોત થયું છે. નડિયાદ તાલુકાના મહુધા ખાતેથી ફરવા આવેલા પરિવારનો 12 વર્ષનો કિશોર અચાનક ગુમ થઈ ગયો હતો. તપાસ બાદ બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. આ મામલે વાઘોડિયા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અતાપી વંડરલેન્ડની બેદરકારી

બાળકના મોત બાદ પરિવારજનોએ વંડરલેન્ડના સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પરિવારના કહેવા પ્રમાણે બાળક જે ટાંકીમાં ગરકાવ થઈ ગયો હતો તેનું ઢાંકણ ખુલ્લું હતું. આ ઉપરાંત ત્યાં બેરીકેડ કે અન્ય કોઈ વસ્તુ લગાવવામાં આવી ન હતી.

વંડરલેન્ડ મોડે સુધી ખુલ્લો રહેતો હોવાનો આક્ષેપ

દિવાળીના દિવસોમાં લોકોની ભીડ રહેતી હોવાથી બાળક જ્યાં ડૂબી ગયો હતો તે અતાપી વંડરલેન્ડ મોડી સુધી ખુલ્લો રહેતો હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. મૃતક બાળકનું નામ હસનેન મન્સુરી હોવાનું માલુમ પડ્યું છે.

અંતિમ સેલ્ફી
કેવી રીતે મોત નીપજ્યું?

બાળકના મોત અંગે તેના પરિવારજન ઇમરાન મન્સુરીએ જણાવ્યુ હતું કે, "રાત્રે બાળક કપડાં બદલવા માટે ડાન્સિંગ ફૂવારા પાસે ગયો હતો. જે બાદમાં તે પરત ન ફરતા 10 મિનિટ પછી અમે તેની શોધખોળ શરૂ કરી હતી. આ માટે અમે સંચાલકોને વાત કરતા તેમણે 10-15 વખત લાઉડ સ્પિકરમાં જાહેરાત પણ કરી હતી. રાત્રે નવ વાગ્યે વંડરલેન્ડની ટીમે બાળકને પાણીની ટાંકીમાંથી બહાર કાઢ્યો હતો. બાળક જ્યાંથી મળી આવ્યો હતો તે ટાંકીને ફ્રેમ કે ઢાંકણ નથી. જે બાદમાં તેને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકનું ત્રણ કલાક પહેલા જ મોત થઈ ગયું છે."

બાળકના પરિવારે બપોરે 12:31 વાગ્યે અતાપી વંડરલેન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સાંજે ગુમ થયા બાદ રાત્રે નવ વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બુધવારે સવારે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાળકના મોતના પગલે તેને પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા.

અંતિમ સેલ્ફી

બાળકના મોતના સમાચાર વચ્ચે તેની અંતિમ સેલ્ફી પણ સામે આવી છે. આ સેલ્ફીમાં હસનેને મન્સુરી તેના પરિવારના સભ્ય ઇમરાન મન્સુરી સાથે નજરે પડી રહ્યો છે.
First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर