હેત પટેલને ભિન્ન ભિન્ન સંગીતના સાધનો વગાડતા આવડે છે.
વડોદરા શહેરના દસ વર્ષીય હેત પટેલને છ થી સાત પ્રકારના સંગીતના સાધનો વગાડતા આવડે છે. હેત પટેલ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી તે સંગીત સાથે જોડાયેલો છે અને દસ વર્ષની ઉંમરે ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરેલી છે.
Nidhi Dave, Vadodara: વડોદરાનાં 10 વર્ષીય હેત સંગીતનાં સાધનો વગાડવામાં માહિર છે. તેમના હાથમાં સંગીતના સાધનો આવે એટલે ભલભલા ઝૂમી ઉઠે છે. કલાકારનું નામ સાંભળીએ એટલે આપડા મન અને મગજમાં એક અલગ જ છબી બની જાય છે. ત્યારે આપણે આજે વડોદરામાં રહેતા માત્ર 10 વર્ષના હેત પટેલની વાત કરશું. હેત નાની ઉંમરે એવું મ્યુઝિક વગાડે કે સાંભળીને ઝૂમી ઉઠશો. હેત પટેલે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પરફોર્મ કરી ઈનામો જીતી દેશ અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે અને ભવિષ્યમાં મ્યુઝિશિયન બનવા માંગે છે.
સૌથી વધારે ડ્રમ વગાડવાનું ગમે: હેત
હેત પટેલને ભિન્ન ભિન્ન સંગીતના સાધનો વગાડતા આવડે છે. છેલ્લા પાંચ વર્ષથી હેત કોંગો, ડ્રમ્સ, ઢોલક, પીજોન, ઓક્ટોપેડ, કેલ્પબોક્સ, વગેરેની તાલીમ લઈ રહ્યા છે. હેતને પહેલેથી સંગીતનો ખૂબ શોખ છે. હેતે જણાવ્યું હતું કે, મને સૌથી વધારે ડ્રમ વગાડવાનું ગમે છે. મોટા થઈને મારે મ્યુઝિશિયન બનવું છે.
છ કલાક સતત રામ ધૂન વગાડી હતી
દસ વર્ષીય હેતે સતત છ કલાક રામધૂન વગાડીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. તદુપરાંત તુર્કી અને દુબઈ જેવા ઇન્ટરનેશનલ દેશોમાં જઈને પણ પર્ફોમન્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અને ખાસ કરીને દુબઈમાં મ્યુઝિક કોમ્પિટિશનમાં પ્રથમ વિજેતા બનીને માતા-પિતા સહિત ભારત દેશનું નામ રોશન કર્યું છે.
ત્રણ વર્ષનો હતો ત્યારે સંગતીમાં રૂચી દેખાઇ હતી : માતા
હેત દરરોજ બેથી દોઢ કલાક જેટલો પ્રેક્ટિસ કરતો હોય છે. હાલમાં ગુજરાત સિને મીડિયા એવોર્ડમાં બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. માતા રોશની પટેલે જણાવ્યું હતું કે, હેત જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારથી એનામાં સંગીત પ્રત્યે એક અલગ જ રુચિ દેખાતી હતી. હેતના હાથમાં કોઈ પણ વસ્તુ આવે તો એને મ્યુઝિકની રીતે વગાડ્યા કરે. ત્યારથી વિચાર્યું કે,
હેતને મ્યુઝિકમાં આગળ વધારવો છે. હેત પાંચ વર્ષનો થયો ત્યારથી તેણે સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. શિવ સાધના મ્યુઝિક એકેડેમીના જિજ્ઞાસુ પંડ્યા અને અપૂર્વ પંડ્યાના સહકારથી છેલ્લા પાંચ વર્ષથી હેત અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યો છે. તદુપરાંત અનેક જગ્યાઓ પર તેને લાઈવ પર્ફોર્મન્સ આપ્યા છે.