અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં થોડા દિવસ પહેલા બે પોલીસકર્મીના પરિવાર વચ્ચે ઝઘડાની ફરિયાદ નોંધાઇ હતી. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે પરિવારો બાખડ્યા હતા. આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે ચાંદખેડામાં આવેલા માનમંદિર પાસે આવેલી એક સોસાઇટીમાં બે પોલીસકર્મીના પરિવાર વચ્ચે તકરાર ચાલી રહી હતી. આ તકરાર પાછળનું કારણ વાહન પાર્કિંગ હતું. આ સામાન્ય બાબતે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઇ સુધી પહોંચી ગયો હતો. થોડીવાર મહિલાઓ વચ્ચે હાથાપાઇ થઇ હતી. બાદમાં સમગ્ર ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ પર પોલીસપુત્રએ લાકડી વડે હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસકર્મી પાર્કિંગ જેવી મામુલી બાબતે ઝઘડી પડ્યા હતા. એટલું જ નહીં મહિલાઓ પર પણ કોન્સ્ટેબલ અને તેના પુત્રએ હાથ ઉપાડ્યો હતો. આવા કૃત્યને લઇને સમગ્ર શહેરમાં કોન્સ્ટેબલ અને તેના પુત્રની આલોચના થઇ રહી છે.