રાજેશ જોષી, ગોધરા: રાજ્યભરમાં હાલ ચાલી રહેલી પોલીસ વિભાગના (police) પીએસઆઇ અને એલઆરડીની ભરતી પ્રક્રિયામાં ખૂબ જ પારદર્શકતા અને ચોકસાઈ રાખવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં બોગસ કોલ લેટર (bogus call letters) થકી છીંડું પાડવાના પ્રયાસનો પંચમહાલ પોલીસે (panchmahal police) પર્દાફાશ કર્યો છે. અમદાવાદના (ahmedabad news) ધોળકાથી બોગસ કોલ લેટર સાથે ગ્રાઉન્ડમાં બારકોડ આધારે પ્રવેશ મેળવ્યા બાદ પ્રવેશ આપતી વેળાએ ચકાસણી કરતાં ફરજ ઉપરના અધિકારીએ સાચા કોલ લેટર સાથેનો અરજદાર આવતાં જ સમગ્ર સત્ય હકીકત પ્રકાશમાં આવી જતાં જ અમદાવાદના ધોળકાના અરજદારને બોગસ કોલ લેટર બનાવી આપનાર ખેડાના પણસોલી ગામના ભેજાબાજ રીતેશ ચૌહાણ સામે ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે ધરપકડ કરેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ તેના નજીકના ગામના યુવકના વ્હોટ્સ એપ સ્ટેટશમાંથી કોલ લેટર મેળવી ડુપ્લીકેટ કોલ લેટર બનાવ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.ઉલ્લેખનીય છે કે બોગસ કોલ લેટર અંગેની કાર્યવાહી કરી હોવા અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી શેર કરી હતી.
ગોધરા પોલીસ હેડક્વાર્ટર માઉન્ટેડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એચ.આર ચૌહાણ 7 જાન્યુઆરીના રોજ ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી પીએસઆઇ અને એલઆરડીની ભરતી માટેની શારીરિક કસોટી પ્રક્રિયામાં ફરજ ઉપર હતા.દરમિયાન તેઓ કસોટી માટે આવેલા અરજદારોને કોલ લેટરના બારકોડની ચકાસણી કરી પ્રવેશ આપી રહ્યા હતા.એ વેળાએ અમદાવાદના ધોળકા ખાતે રહેતો સંદીપ ઠાકોર પણ કોલ લેટર લઈ શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો.જેને કોલ લેટર આધારે બારકોડ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જેનાબાદ ખેડાના સારસા ભગાપુરા ગામનો રોહિત પરમાર આવ્યો પણ કોલ લેટર લઈ કસોટી માટે આવ્યો હતો જેનો બારકોડ ચકાસણી કરતાં કનફર્મેશન નંબર સંદીપ ઠાકોરનો વેરિફિકેશન થઈ ગયો હોવાનું જણાય આવ્યું હતું.જેથી તપાસ અધિકારીએ સંદીપને પરત બોલાવી ચોકસાઈ પૂર્વક વેરિફિકેશન કરતાં રોહિત પરમારનો કોલ લેટર સાચો હોવાનું અને સંદીપનો કોલ લેટર શકાસ્પદ હોવાનું જણાય આવ્યું હતું.
દરમિયાન સંદીપની પૂછપરછમાં તેના બનેવીએ કોલ લેટર આપ્યો હોવાનું જણાવતાં પોલીસે તેના બનેવી રીતેશને ગોધરા ગ્રાઉન્ડ ખાતે બોલાવી પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રીતેષે પોતાના સાળા સંદીપને પોતાના ગામ નજીકના રોહિત પરમારના વ્હોટ્સ એપ સ્ટેટશ માં મુકેલા કોલ લેટર માંથી કનફર્મેશન નંબર સહિત મેળવી ડુપ્લીકેટ કોલ લેટર બનાવી પોતાના સાળાને આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સંદીપનો બનેવી ધોળકા ખાતે જ જય ભોલે કોમ્યુનિકેશન નામની દુકાનનો વ્યવસાય કરે છે જેની પાસે સંદીપે ભરતી અંગેનું પ્રથમવાર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.સંદીપને તેના ભેજાબાજ બનેવી સાત જાન્યુઆરીએ વરસાદના લીધે ભરતી બંધ હોવા અંગેનો વ્હોટ્સપ મેસેજ પણ કર્યો હતો પરંતુ સંદીપ અન્ય અરજદાર આવતાં હોવાથી ગોધરા ખાતે શારીરિક કસોટી આપવા આવી પહોંચ્યો હતો.
બીજી તરફ ગોધરા ખાતે અમદાવાદ જીલ્લાના ઉમેદવાર માટે શારીરિક કસોટીનું કેન્દ્ર જ નહિં હોવાથી આખરે બોગસ કોલ લેટરનો પર્દાફાશ થઈ ગયો હતો અને ગોધરા બી ડિવિઝન પોલીસે રીતેશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર