પંચમહાલ: રહસ્યમય અવાજ બાદ બંધ હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો

પંચમહાલ: રહસ્યમય અવાજ બાદ બંધ હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો
હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો.

કાલોલ તાલુકાના ચોરા ડુંગરી ગામ ખાતે એક બંધ પડી રહેલા હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટતા ગામલોકોમાં કુતૂહલ.

 • Share this:
  પંચમહાલ : કાલોલ (Kalol Taluka)ના ચોરા ડુંગરી ગામે લોકોમાં કૌતુક જગાવતી એક ઘટના બની છે. અહીં અચાનક એક બંધ પડી રહેલા હેન્ડપંપમાંથી પાણીનો ફૂવારો ફૂટ્યો હતો. પાણીના ફૂવારાનો પ્રેશર એટલું વધારે હતું કે જાણે ઇલેક્ટ્રિક મોટરથી પાણી બહાર ફેંકવામાં આવી રહ્યું હોય. અચાનક બંધ પડી રહેલા હેન્ડ પંપમાંથી પાણીનો ફૂવારો છૂટતા લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે 16મી જુલાઇના રોજ સૌરાષ્ટ્રમાં સવારે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા (Keshod)ના રાણીકપરા ગામ ખાતે એક કુતૂહલ જગાવતો બનાવ બન્યો હતો. ભૂકંપ આવ્યો ત્યારે જ અહીં જમીનમાંથી 50 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકાના ચોરા ડુંગરી ગામ ખાતે એક બંધ પડી રહેલા હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો હતો. થોડા સમય સુધી જોરદાર પ્રેશરથી પાણીનો ફૂવારો ઉડ્યા બાદ પાણી આવતું આપમેળે બંધ થઈ ગયું હતું. ગામ લોકોના કહેવા પ્રમાણે અહીં સમયાંતરે આવી ઘટના બનતી રહે છે. ગત વર્ષે પણ અહીં 50 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો.  ગામ લોકોએ દાવો કર્યો હતો કે હેન્ડપંપમાંથી પાણી બહાર આવતા પહેલા ભૂકંપ જેવો રહસ્યમય અવાજ આવે છે. જે બાદમાં બોરમાંથી અચાનક પાણી બહાર આવવા લાગે છે. સાથે જ ગામલોકોએ એવો પણ દાવો કર્યો હતો કે આ હેન્ડપંપ વર્ષોથી બંધ છે. પાણી ન આવતું હોવાથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે. એક તરફ કાલોલ તાલુકામાં વરસાદનો અભાવ છે, ત્યારે પૃથ્વીના પેટાળમાંથી અચાનક આવી રીતે પાણી બહાર આવતું હોવાથી અનેક તર્ક-વિતર્ક આપવામાં આવી રહ્યા છે. હાલ આ વીડિયો કાલોલ પંથકમાં વાયુવેગે ફરી રહ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:July 27, 2020, 12:11 pm

  ટૉપ ન્યૂઝ