ગોધરા કાંડ : 18 વર્ષે પણ પરિવારને વળતર નથી મળ્યું, 'સરકાર વળતર આપવું હોય તો આપે ધક્કા ન ખવડાવે'

ગોધરા કાંડ : 18 વર્ષે પણ પરિવારને વળતર નથી મળ્યું, 'સરકાર વળતર આપવું હોય તો આપે ધક્કા ન ખવડાવે'
ગોધરામાં રેલવેમાં સાબરમતી એક્સપ્રેસનાં એસ-6 ડબ્બામાં જીવતો સળગી ગયેલો અમારો 3 વર્ષનો ફુલ જેવો  બાળક હતો.

18 વર્ષથી વળતર માટે તરસતા ગોધરાકાંડનાં પીડિત પરિવારની આપવીતી, આટલા વર્ષો પછી પણ વળતર નથી મળ્યું.

  • Share this:
અમદાવાદ : 'ગોધરામાં રેલવેમાં સાબરમતી એક્સપ્રેસનાં એસ-6 ડબ્બામાં જીવતો સળગી ગયેલો અમારો 3 વર્ષનો ફુલ જેવો  બાળક હતો. જે અત્યારે હયાત હોત તો 22 વર્ષનો હોત અને અમારા બુઢાપાના સહારાની લાઠી બન્યો હોત. સરકાર વળતર આપવું હોય તો આપે પણ ધક્કા ખવડાવીને અમારી મજાક ના ઉડાવે. 'આ શબ્દો છે એક એવા પરિવારના કે જે 18 વર્ષ પહેલા બનેલી ગોજારી દુર્ઘટનાનો પીડિત છે. ગોધરાકાંડ સમયે સરકારે અને રેલવે દ્વારા મૃતકો માટે 5 લાખની અને ઘાયલો માટે 50-50 હજારની સહાયની જાહેરાત તો કરી હતી પરંતુ 18 વર્ષથી અમદાવાદનો પરિવાર હજુ પણ સરકારના એ સહાય માટે તરસી રહ્યોં છે.

27 ફેબ્રુઆરી વર્ષ 2002 ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં એસ-6 ડબ્બામાં જે બન્યું હતું તે યાદ કરતા જ હજુ પણ આ પરિવારની કંપારી છૂટી જાય છે. આ પરિવાર તે ગોઝારી ઘટનાનો સાક્ષી છે. એ સમયે શું બન્યુ હતું તે બોલતા જ તેમની જીભ થોથવાઈ જાય છે. કારણ કે જે બન્યું હતું તે કોઈએ સ્વપનેય વિચાર્યું ન હતું. આ ઘટનાને હાલ 18 વર્ષ વિતી ચુક્યા છે પરંતુ આટ આટલા વર્ષો વિતવા છતાં પરિવારને નથી મળી સહાયની એક રાતી પાઈ. 18 વર્ષે  સરકાર તરફથી આ  પરિવારને વળતર માટે નોટિસ તો અપાઈ પરંતુ વળતર માટે પરિવાર પાસે માંગવામાં આવી રહ્યું છે મૃત  બાળકનું ડેથ સર્ટિફીકેટ. જે 3 વર્ષનો બાળક ડબ્બામાં જીવતો સળગી ગયો હતો. જેની લાશ પણ હાથ નથી લાગી તો તેનું ડેથ સર્ટીફિકેટ પરિવાર ક્યાંથી લાવે. પરિવાર પાસે બાળકનાં સેમ્પલનો માતાપિતા સાથે મેચ થયેલો ડીએનએ રિપોર્ટ છે. વડોદરાનાં રેલવે વિભાગ દ્વારા બાળકનાં મરણ અંગેનું લખી આપેલું પ્રમાણપત્ર છે. તેમ છતાં તંત્ર ડેથ સર્ટિફીકેટ કાઢી નથી આપતા. પીડીત પરિવારનાંં અરવિંદભાઈ ચોરસિયા કહી રહ્યા છે કે, 'અમારો 3 વર્ષનો ફુલ જેવો બાળક હતો. આજે જો તે હોત તો 22 વર્ષનો હોત અને પરિવારનો સહારો હોત સરકાર સહાનુભુતી બતાવે. હુ વિનંતી કરુ છુ કે વળતર આપવું હોય તો આપો પણ ધક્કા ન ખવડાવો.'મૃતક બાળકની ફાઇલ તસવીર


અલ્હાબાદનાં રહેવાસી લલનપ્રસાદ ચોરસીયા પોતાની પત્ની, પુત્ર અને ત્રણ વર્ષના પૌત્ર રિષભ સાથે કાનપુરથી અમદાવાદ આવી રહ્યાં હતા. અચાનક ગોધરામાં અગ્નિકાંડની એ દૂર્ધટના બની. આ ઘટનામાં લલનપ્રસાદ પોતે 80 ટકા જેટલા દાજી ગયા હતા. જ્યારે પત્ની અને પુત્રને પણ ઘાયલ થયા હતા. પરંતુ આ ઘટનામાં જે ડબ્બામાં ભાગદોડ મચી અને તેમાં તેમનો 3 વર્ષનો પૌત્ર રિષભ હાથમાંથી છૂટી ગયો અને પછી જે બન્યું તે કોઈએ કલ્પના પણ નહોતી કરી. ત્રણ વર્ષનો ફુલ જેવો બાળક આગમાં જીવતો ભુજાઈ ગયો. ઘટનાના સાક્ષી અને પરિવારના મોભી લલન પ્રસાદ ચોરસીયા જણાવી રહ્યાં છે કે,' અમે કાનપુરથી આવી રહ્યાં હતા. કાનપુરથી  ટ્રેન જ્યારે ગોધરા આવી ત્યારે પથરાવ થયો ત્યાં મોટી ભીડએ ટ્રેનને સળગાવી. જેમાં મારો પૌત્ર ત્રણ વર્ષનો હતો. તે મરી ગયો. અમે  બધા ધુમાડાને કારણે બેહોશ થઈ ગયા હતા. મારા હાથ પગ અને ફેફ્સું પણ સળગી ગયા હતા.'

આ પણ વાંચો : અમદાવાદી દુલ્હનનો અનોખો આઈડિયા, તમે પણ અપનાવશો તો માતા-પિતાને થશે રાહત

આ ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા અને રેલવે વિભાગ દ્વારા મૃતકોને 5 લાખની અને ઘાયલોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ 18 વર્ષ જેટલો સમય વિતવા છતાં આ પરિવારને સરકાર દ્વારા ન તો મળી સહાય કે ન તો મળી સહાનુભૂતી. આ ઘટના બાદ પરિવાર દ્વારા રેલવેમાં ક્લેમ કરવામાં આવ્યો હતો. અને એ ક્લેમમાં કોર્ટે આદેશ કરતા આખરે ક્લેમની રકમ રેલવે તંત્ર દ્વારા પરિવારને ચુકવાઈ હતી. પરંતુ રેલવે દ્વારા અને સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય હજુ ચુકવાઈ નથી. એટલુ જ નહિ જો રેલવે તંત્ર ક્લેમ સમયે ડીએનએ રિપોર્ટ અને મરણપ્રમાણપત્ર માન્ય રાખતું હોય તો પછી સરકાર વળતર ચુકવવા ડેથ સર્ટીફીકેટ માંગીને પરેશાન કરી રહ્યાં હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં સેવાની સુવાસ : પૌત્રની સગાઇ પ્રસંગે 300 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન ફ્રીમાં કરાવ્યાં

બીજીતરફ ગોધરાનું નગરપાલિકા તંત્ર અરજી કરશે કે પછી રુબરુ આવશો તો જે પુરાવા જોઈતા હશે તે મદદ કરીશું તેવો રાગ આલાપી રહ્યાં છે. તો પછી જ્યારે આ પરિવાર ડેથ સર્ટીફીકેટ માટે ગોધરા આવ્યો તો તેને કેમ ધક્કા ખવડાવવામાં આવ્યા. કેમ મદદ કરવામાં ન આવી તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે. આ પિડીત પરિવાર કોઈપણ વાંક ગુના વગર એ ગોજારી ઘટનાનો શિકાર  બન્યો. જોકે, ઘટના બાદ સરકાર દ્વારા લોકોનો રોષ ઠારવા તાત્કાલિક વળતરની જાહેરાત કરી દેવાઈ પણ એ જાહેરાત આ પરિવાર માટે મજાક બનીને જ રહી ગઈ. કારણ કે, વળતર માટે પરિવાર પાસે માંગવામાં આવે છે મરણનો દાખલો અને અમદાવાદ અને ગોધરાનું તંત્ર આ પરિવારને ચલક ચલાણાની નિતી અપનાવી અહીંથી તહી ધક્કા ખવડાવે છે.

આ પણ જુઓ : 
First published:February 26, 2020, 09:35 am