પોલીસની દાદાગીરી, એક મહિલાને માર્યો ઢોર માર, મામલો દબાવવા મોકલ્યા રૂપિયા

News18 Gujarati
Updated: May 4, 2018, 7:50 PM IST
પોલીસની દાદાગીરી, એક મહિલાને માર્યો ઢોર માર, મામલો દબાવવા મોકલ્યા રૂપિયા

  • Share this:
અમે તમારી સુરક્ષા માટે છીએ એ શબ્દ પોલીસ ફોર્સને લાગુ પડે છે, પરંતુ સુરક્ષા આપનાર રક્ષક મટી ભક્ષક બની જાય તો બચવા કોની પાસે જાઉ.

આવી જ ઘટના પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે બની. જ્યાં એક મહિલા પોતાનું નિત્ય ઘરકામ કરી રહી હતી તે દરમિયાન અચાનક ઘોઘંબાના દામાવાવ પોલીસ મથકના મહિલા પોલીસ કર્મી સહિત પોલીસની ગાડી આવી અને મહિલાને ગાડીમાં બેસી જવાનો ઓર્ડર ફરમાવી દીધો અને મહિલા કઈ સમજે એ પહેલા અને કેમ મને લેવા આવ્યા એ પ્રશ્નના જવાબ આપવાની જગ્યા એ બે મહિલા પોલીસ કર્મીઓ ઉતરી મહિલાને ઉચકી ગાડીમાં નાખીને રવાના થઈ ગયા.

મહત્વની વાત એ છે કે, મહિલા પોલીસે રસ્તામાં આ મહિલા જોડે મારામારી ચાલુ કરી અને મહિલા દ્વારા ગામની એક યુવતી જે તેના પ્રેમી જોડે ફરાર હતી એ મામલે આ મહિલાએ મદદગારી કરી હોવાની કબૂલાત કરવા માટે રીતસરનો ઢોરમાર મારવાનો શરૂ કર્યો.

આ મહિલાને દામાવાવ પોલીસ સ્ટેશન લઈ જઈને બાંધીને ફરી વાર લાકડીઓના ફટકા મારવાના શરૂ કર્યા, જેમાં આડેધડ મારવામાં આવતા મહિલાને માથાના ભાગે અને બરડા અને થાપાના ભાગે લોહી જામી જવા પામેલ.

બીજી તરફ પરિવારજનોને ખબર પડતાં પરિવાર જનો પોલીસ મથકે દોડી આવેલ, પરંતુ પરિવારજનોની હાજરીમાં પણ મહિલાને ખૂબ માર મરાયો અને બિભસ્ત વર્તન કરવાનાં આવ્યું. જોકે સાંજ પડી જતા મહિલાને પરિવાર જનોને સોંપી દેવાઈ.

મહિલા ને ઘેર લઈ ગયા બાદ તેની તબિયત લથડતા તેને પ્રથમ દેવગઢ બારીયાના સરકારી દવાખાને દાખલ કરવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ.સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને માર મારનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા પરિવાર ના સભ્યો દામાવાવ પોલીસ મથક ગયા તો ત્યાંથી તેઓ ને કાઢી મુકાયા, ત્યારબાદ પરિજનોએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરતા ત્યાં પણ માત્ર આશ્વાસન સિવાય કાંઈ મળ્યું નહિ અને હજુ આ મામલે પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી, માત્ર અરજી જ સ્વીકારવામાં આવી છે.

નિષ્ઠુર બનેલ પોલીસે હદ તો ત્યાં વટાવી જ્યારે મામલો દબાવવા માટે પરિવારજનોને 3000 રૂપિયા રોકડા પહોંચાડવામાં આવે છે. જોકે પરિવારમાં સભ્યોએ આ રકમ સ્વીકારી નથી.

ગોદલી ગામ પીડિત મહિલાના પતિએ જણાવ્યું કે, હું ઘેર નહોતો એ દરમિયાન પોલીસ આવીને મારી પત્નીને લઈ ગઈ અને ખૂબ જ માર માર્યો અને હાલત ખરાબ લાગતા સારવાર માટે આવ્યા છીએ અને આ મામલે પોલીસ ને ફરિયાદ કરી પણ કોઈ સાંભળતું નથી.

પીડિત મહિલાએ જણાવ્યું કે, હું ઘરકામ કરતી હતી ત્યારે અચાનક મહિલા પોલીસ અને બીજા પોલીસવાળાએ આવી મને જબજસ્તી પોલીસ સ્ટેશન લઈ જતા હતા અને ગાડીમાં બેસાડી ત્યારથી જ મને મારવાનું ચાલુ કરી દીધું અને મને પોલીસ સ્ટેશન લઈ જઈ ગામની બીજી યુવતીને તે ક્યાં ભગાડી મૂકી એવા આક્ષેપ મૂકી મને ખુબજ માર મારવા આ આવ્યો.

એક ગરીબ પરિવાર પર પોતાની મર્દાનગી બતાવતો પોલીસ સ્ટાફ ખરેખર ગરીબની સુરક્ષા માટે હોય છે અને જ્યારે મહિલા પોલીસ કર્મીની વાત આવે ત્યારે કડકાઈની સાથે સંવેદનશીલતા પણ હોવી જોઈએ આવી નિર્દયતા શુ કામની. પોલીસ કડક હોઈ શકે પણ નિર્દય થઈ જાય તો લોકો સુરક્ષા કોની પાસે માગશે એ આ ઘટનાથી ફલિત થાય છે અને ખાસ તો અગર દોષિત ના હોય તો પોલીસ આ મામલે મીડિયાના કેમેરા સમક્ષ આવી પોતાનો પક્ષ કેમ મૂકતી નથી ઉપરથી મીડિયાથી આ મામલો જેટલો દૂર રહે એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સ્ટોરી - હર્ષદ મહેરા
First published: May 4, 2018
વધુ વાંચો
अगली ख़बर