ગોધરા, પંચમહાલ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત આણંદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કૃષિ સેમિનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરનાં ખેડુતોને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતું. પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે પણ ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી પરની આ નેશનલ કોન્કલેવમાં ઓનલાઈન માધ્યમથી સહભાગી થયા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું.ધારાસભ્ય સી.કે.રાઉલજીએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારા અને ખેડૂતોનાં વિકાસ સાથે સમાજના દરેક વર્ગનો વિકાસ જોડાયેલો છે.
પ્રાચીન યુગથી આપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા હતાં. સમય જતા વધારે પડતા રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી ફાયદાઓની સાથે નુકશાન પણ થયું છે. રાસાયણીક ખાતરોના આડેધડ ઉપયોગના લીધે માણસના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડી છે. કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યુ છે. તેવી જ રીતે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડુતોને સતત માર્ગદર્શન આપે છે ત્યારે તેમણે રાજ્યનાં ખેડૂતોને ખેત ઉત્પાદનમાં બિનજરૂરી ખાતરો, દવાઓ, બિયારણોનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક અને "Zero બજેટ ખેતપઘ્ઘતિ" અપનાવવા અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે આ પરિષદ દેશના ખેડૂતોનો કાયાકલ્પ કરવામાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં થયેલા પ્રાકૃતિક ખેતી સહિતનાં કૃષિ પ્રયોગો દેશનું દિશાદર્શન કરશે. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિના જે પ્રયોગો કર્યા છે તેનો લાભ સમગ્ર દેશના ખેડૂતોને મળશે તેમ ધારાસભ્ય એ જણાવ્યું હતું. આ કોન્કલેવ અંતગર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ખેતીવાડી અધિકારી જે.ડી. ચારેલે મહાનુભાવો સહિત ઉપસ્થિતજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.