રાજેશ જોષી, પંચમહાલ : સરકારી બાબુઓનો લાંચ લેવાનો અને એસીબી દ્વારા આવા લાંચીયા બાબુઓને ઝડપી પાડવાનો સીલસીલો યથાવત છે. તેમાં પણ પોલીસ વિભાગ લાંચ લેવા માંટે બદનામ છે ત્યારે આજે વધુ એક પોલીસ કર્મીને લાંચ લેચા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. શહેરા તાલુકાના ચલાલી ગામના દારૂના બુટલેગર પાસેથી ૩૦ હજારની લાંચ લેતા શહેરા પોલીસ મથકના એ.એસ.આઈ.ને દાહોદ એ.સી.બી.એ રંગેહાથ ઝડપી લીધા છે. લાંચ લેતાં ઝડપાયેલા એએસઆઈ મહેન્દ્રસિંહને એસીબીએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોવિડનું પરીક્ષણ કરાવી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ બારીઆએ દિવાળી પહેલા શહેરા તાલુકાના ચલાલી ગામે રહેતા એક બુટલેગરના ઘરે જઈ તમે દારૂનો ધંધો ચાલુ કરો અને મને દિવાળી કરાવવી પડશે તેમ કહ્યું હતું. દિવાળી બાદ એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ બુટલેગરના ઘરે જઈ વ્યવહારના રૂપિયા એક લાખની માંગણી કરી હતી.
આ દરમિયાન બુટલેગરે પોતે ધંધો નહિં કરતો હોવાનું જણાવ્યું હતું. જેના બાદ રકઝકના અંતે સાઈઠ હજાર રૂપિયા લેવાનું નક્કી કરાયું હતું. જે પૈકી બુટલેગરે ૨૫ નવેમ્બરના રોજ એ.એસ.આઈ.ને રૂ.૩૦,૦૦૦ આપ્યા હતા. ત્યારબાદ એએસઆઈ મહેન્દ્રસિંહ દ્વારા લાંચના બાકી નાણાંની અવાર નવાર માંગણી કરવામાં આવતી હતી. પરંતુ લાંચના બીજા ૩૦,૦૦૦ રૂપિયા બુટલેગર આપવા નહિં માંગતો હોવાથી બુટલેગરે દાહોદ એ.સી.બી. પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નવસારીમાં હમણાં જ એક નાયબ મામલતદાર, તો બનાસકાંઠામાં આસિસ્ટન્ટ આરટીઓ મહિલા અધિકારી, તો સુરતમાં એક મહિલા તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ રીતે સરકારી બાબુઓ ટેબલ નીચેની કમાણી કરવામાં જિંદગીભરનો રોટલો ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર