મહિસાગર : ગુજરાતમાં વાઘ (Tiger in Gujarat)ના વસવાટ અંગે ફરીથી દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે વન વિભાગ (Forest Department) તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એક વર્ષ પહેલા મહિસાગરમાં વાઘ દેખાયોની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, થોડા દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે ફરીથી સંતરામપુર તાલુકાના ઉબેર ટેકરા ખાતે વાઘ જોવા મળ્યાનો ગામના લોકોએ દાવો કર્યો છે.
ગામ લોકોએ પુષ્ટિ કરી
આ મામલે ગામના લોકોએ વાઘ હોવાની પુષ્ટિ કરી છે. ગામ લોકોના કહેવા પ્રમાણે જંગલના મોટા પહાડોમાં વાધ રહે છે. આ મામલે ગામના લોકોએ એક વીડિયો પણ વહેતો કર્યો છે. વીડિયોમાં ટેકરોઓ પર વાઘ બેઠાનું જોવામાં આવી રહ્યું છે. જોકે, આ વન વિભાગ તરફથી આ વીડિયોની કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ જે વીડિયો ફરી રહ્યો છે તે ક્યારનો છે અને કોના દ્વારા શૂટ કરવામાં આવ્યો છે તેની પણ કોઈ માહિતી મળી શકી નથી. એટલું જ નહીં વન વિભાગ તરફથી પણ આ અંગે કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. ફક્ત ગામના લોકોએ જંગલમાં મોટા પહાડોમાં વાઘ રહેતો હોવાનો દાવો કર્યો છે.
એક વખત વાઘ દેખાયા બાદ મોતને ભેટ્યા બાદ હવે ગામાના લોકોએ ફરીથી વાઘ જોયાનો દાવો કર્યો છે. તે સાથે લોકો એવી પણ માંગણી કરી રહ્યા છે કે વન વિભાગ આ વાઘને શોધી કાઢે અને તેની યોગ્ય દેખરેખ પણ રાખે.
ગત વર્ષે 200 લોકો વાઘને શોધવામાં લાગ્યા હતા
ફેબ્રુઆરી, 2019માં મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો, જે બાદમાં તેને શોધવા માટે વન વિભાગના 200 લોકો કામે લાગ્યા હતા. આ માટે જંગલમાં નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આવા જ એક કેમેરામાં વાઘ કેદ થઈ ગયો હતો. જે બાદમાં ગુજરાતમાં વાઘના વસવાટની પુષ્ટિ કરવામાં આવી હતી.
ગુજરાતમાં એક સમયે વાઘ હતા
'એશિયાટિક સિંહ'નું એકમાત્ર ઘર એટલે ગુજરાત. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે ગુજરાતમાં વાઘ પણ જોવા મળતા હતા. ગુજરાતના ડાંગ જિલ્લામાં વાઘની વસ્તી હતી. 1980ની આસપાસ કરવામાં આવેલી ગણતરીમાં ગુજરાતમાં માત્ર 13 વાઘ હતા. 1992ની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં એક પણ વાઘ જોવા મળ્યો ન હતો.
(નોંધ : ન્યૂઝ18 ગુજરાતી ગુજરાતમાં વાઘ જોવા મળ્યાનો વીડિયો સાચો હોવાની પુષ્ટિ નથી કરતું.)