ઘણા વર્ષ બાદ ગુજરાતમાં ફરી વાઘ જોવા મળતા વન પ્રેમીઓ આનંદમાં આવી ગયા છે. મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગાંઠ ગામ પાસે રસ્તા પર વાઘ રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. વાઘ જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક શિક્ષકની તેના પર નજર પડી અને તેણે મોબાઈલથી વાઘની તસવીર ખેંચી લીધી, આ તસવીર સાચી હોવાની પણ વન વિભાગે પુષ્ટિ કરી છે.
વાઘને નજરે જોનારા પ્રાથમિક શાળાના શિક્ષક મહેશભાઈ મેહરાએ આ મુદ્દે માહિતી આપતા કહ્યું કે, સાંજનો સમય હતો, શાળા છુટ્યા બાદ હું મારી કારમાં ઘરે આવી રહ્યો હતો. તે સમયે અચાનક મને વાઘ જોવા મળ્યો. તે સમયે હું પણ થોડો ગભરાઈ ગયો કે આ કયું પ્રાણી છે. તો જોયું તો વાઘ હતો, તુરંત મે મારા મોબાઈલથી તેનો ફોટો પાડી દીધો. વાઘ ડાબી બાજુથી જમણી બાજુ જઈ રહ્યો હતો. શિક્ષકે જણાવ્યું કે, વન વિભાગની ટીમ મને જે જગ્યા પથી વાઘ નીકળ્યો હતો તે જગ્યા પર લઈ ગઈ હતી, મારો ફોટો સાચો હોવાનું તેમણે પુષ્ટિ પણ કરી છે.
તમને જણાવી દઈએ કે, શિક્ષકે વાઘની તસવીર વન વિભાગને આપ્યા બાદ વન વિભાગે નાઈટ વિઝન કેમેરા સાથે પાંચ ટીમ બનાવી વાઘ હકીકતમાં છે કે નહી તે મુદ્દે તપાસ હાથ ધરી છે. વન વિભાગની ટીમે જે રસ્તા પરથી વાઘ પસાર થયો હતો, ત્યાંથી વાઘના પંજા, વાડમાં ભરાયેલા વાઘના વાળ અને મળને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. આ સિવાય વન વિભાગે જ્યાં પાણી પીવાની વ્યવસ્થા છે, તથા જે જગ્યા પરથી તે રોજ પસાર થાય છે, તેવા વિસ્તારમાં નાઈટ વિઝન કેમેરાથી સતત વોચ રાખવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, 10-15 દિવસે કોઈને કોઈ વ્યક્તિને આ રસ્તા પર વાઘ જોવા મળે છે. સ્થાનિકોના કહેવા અનુસાર, વાઘ મોટાભાગે સાંજે જોવા મળે છે. તે પણ સાંજના 6થી 8ના સમયમાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર