ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ એકસાથે બેસીને ભણવા માટે મજબૂર બન્યાં
Mahisagar News: મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના ખડોદી ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન ન હોવાથી છેલ્લા 5 વર્ષથી 1થી 8 ધોરણના બાળકો મહામુસીબતે ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
મિતેશ ભાટીયા, મહીસાગરઃ જિલ્લામાં ખાનપુર તાલુકાના ખડોદી ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન ન હોવાથી છેલ્લા 5 વર્ષથી 1થી 8 ધોરણના બાળકો મહામુસીબતે ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
એક રૂમમાં ત્રણ ધોરણ એકસાથે ભણાવાય છે
મળતી માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલી ખડોદી ગામે પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણના વર્ગો આવેલા છે અને 70થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે ખડોદી ગામે ભણતા બાળકો બ્રાહ્મણ સમાજની વાડી તેમજ પંચાયત અને ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી બાળકો આવી રીતે અભ્યાસ કરી રહ્યા છે. એકજ રૂમમાં ત્રણ-ત્રણ ધોરણના બાળકોને ભારે કોલાહલ વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે અને શિક્ષકો પણ અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે.
છેલ્લા 5 વર્ષથી શાળાનું મકાન જર્જરિત હોવાથી ડિસમેન્ટલ કરી દેવામાં આવતા વ્યાકલ્પિક વ્યવસ્થા ગામ લોકો દ્વારા કરવામાં આવી છે અને તે પણ ગામની સમાજ ઘરની વાડીમાં એક શિક્ષક અને ત્રણ-ત્રણ ધોરણના બાળકોને એકસાથે બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છે. તેઓ પંચાયતની બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. તેથી આ ગામમાં શિક્ષણની માઠી અસર જોવા મળી છે. પોતાના બાળકોનો અભ્યાસ બગાડતો હોવાથી વાલીઓ પણ ભારે ચિંતામાં ડૂબ્યા છે. જો કે, અત્યારે તો શિયાળો હોવાથી બાળકો બહાર બેસી અભ્યાસ કરી શકે છે. પરંતુ ચોમાસામાં અને ઉનાળામાં બાળકોના કેવા હાલ થતા હશે તે સ્વાભાવિકપણે વિચારી શકાય છે.
વાલીઓને બાળકોના શિક્ષણની ચિંતા
સમાજવાડીનો એક જ હોલ હોવાથી બધા બાળકોને હોલમાં બેસાડીને અભ્યાસ કરાવાય છે. ત્યારે એક જ હોલમાં હોવાથી શિક્ષકોને પણ ભણાવવામાં ભારે અગવડ પડી રહી છે. તેમજ ત્રણ ત્રણ ધોરણના બાળકોને એકસાથે હોલમાં હોવાથી અવાજને લઇ કોલાહલ હોવાથી પડઘા પડે છે અને એકબીજા ધોરણના બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી શકતા નથી. તેમજ વાડી મેઇન રોડ પર આવેલી હોવાથી રિસેસના સમયે પણ બાળકો બહાર જતા આકસ્મિક ઘટના બનવાનો ભય વાલીઓને સતાવી રહ્યો છે. ત્યારે સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે. જેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
શિક્ષકોએ નવા મકાનની માંગણી કરી
ખડોદી ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હોવાથી ડિસમેન્ટલ જાહેર કરાયું છે અને જર્જરિત શાળામાં બાળકોને બેસાડી શકાતા નથી. જેથી બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સમાજવાડીમાં બેસાડવામાં આવે છે. ગ્રામજનો સહિત શિક્ષકો પણ નવીન મકાનની માંગણી કરી રહ્યાં છે. તેમજ શાળાને જર્જરીત જાહેર કર્યાના 5 વર્ષ થયા હોવા છતાં ઓરડાઓ ન બનતા ગ્રામજનોમાં બાળકોના ભવિષ્યને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા શિક્ષણવિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી.
ઓરડાની ટેન્ડર પ્રકિયા પૂરી કરીઃ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી
ન્યૂઝ 18 ગુજરાતીની ટિમ દ્વારા મહીસાગર જિલ્લાની મુખ્ય કચેરીની મુલાકાત લેવામાં આવી તો જિલ્લામાં આવી અન્ય 29 જેટલી શાળાઓ છે કે, જ્યાં બાળકોને અભ્યાસ કરવા વૈક્લ્પિક વ્યવસ્થા કરવી પડી છે. સર્વ શિક્ષા અભિયાન - કચેરીના જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર અતુલ જોશીએ જણાવ્યુ હતુ કે, મહીસાગર જિલ્લામાં કુલ 29 જેટલી શાળાના વિધાર્થીઓ આ રીતે બહાર બેસીને અભ્યાસ કરે છે. ત્યારે જિલ્લામાં કુલ 897 ઓરડાઓની ઘટ છે. જેમાં માત્ર 57 ઓરડાની જ ટેન્ડર પ્રક્રિયા કરી વર્કઓર્ડર આપવામાં આવ્યા છે. ત્યારે 573 જેટલા ઓરડાઓ મંજૂર થયેલા છે. પરંતુ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી ત્યારે બીજી તરફ 300 જેટલા ઓરડાઓનું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માત્ર લિસ્ટ જ મોકલવામાં આવ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લાના બાળકોનું ભવિષ્ય અંધકારમય હોય તેમ લાગી રહ્યું છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર