મિતેશ ભાટીયા, મહિસાગર : રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓનો ફરી રાફડો ફાટ્યો છે. કોરોનાકાળમાં લોકડાઉનના પગલે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ ફરી અકસ્માતમાં રોજે-રોજ લોકો કમોતે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે મહિલાસાગર જિલ્લામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોતથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. કરૂણતાની વાત એ છે કે, આ અકસ્માતમાં એક જ પરિવારમાં માતા-પિતા અને પુત્ર-પુત્રી એમ ચારે લોકોના મોત થતા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સાંજના સમયે લુણાવાડા સંતરામ પુર હાઈવે પર બાઈક પર એક પરિવાર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોત બનીને પાછળથી આવતી કારે ફૂલ સ્પીડમાં બાઈક સવારોને હવામાં ફંગોળી દીધા, જેમાં માતા-અને પુત્રી રોડ પર પટકાયા તો પિતા અને પુત્ર ઝાડીઓમાં પટકાયા. આ અકસ્માતમાં એક જ પરિવારના ચારે લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. કાર ચાલકે બાઈકને ટક્કર માર્યા બાદ એક ઈલેક્ટ્રીક થાંભલે જઈ ભટકાઈ હતી, જેમાં થાંભલો પણ વળી ગયો હતો, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, ટક્કર કેટલી જબરદસ્ત હશે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ સ્થાનિકોએ તુરંત પોલીસ અને 108ને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ચારે લોકોના મોત થઈ ચુક્યા હતા. હાઈવે પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી મામલો સંભાળી લીધો હતો.
હાલમાં પોલીસે તમામ મૃતકોની બોડીને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. તથા બાઈક પર સવાર પરિવાર ક્યાંનો હતો, કેવી રીતે કાર ચાલકે ટક્કર મારી વગેરે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્.વાહી શરૂ કરી છે. સાથે કાર કોની છે, તે દિશામાં પણ તપાસ શરૂ કરી અકસ્માત સર્જનારને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર