મહીસાગર: પાંચમી ઓગસ્ટના રોજ લુણાવાડાના પાલ્લા ગામ ખાતે બીજેપીના નેતા અમે તેમના પત્નીની થયેલી હત્યાનો કેસ (Mahisagar double murder case) પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્રએ જ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની લેતીદેતીમાં આ હત્યા નિપજાવવામાં આવી હોવાની આશંકા છે. હત્યારો મૃતકની સામે જ રહેતો હતો. બીજેપી નેતા (Mahisagar BJP leader murder) અને તેમના પત્નીની હત્યાના જિલ્લા અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
પોલીસે ભીખા પટેલની કરી ધરપકડ
લુણાવાડા ડબલ મર્ડર મામલે પોલીસે સોમવારે મૃતક ત્રિભોવનભાઈ પંચાલના મિત્ર ભીખા પટેલની ધરપકડ કરી છે. ભીખા પટેલ મૃતક ત્રિભોવન પંચાલની સામે જ રહે છે. આ બનાવ લુણાવડાના ગોલાના પાલ્લા ગામ ખાતે બન્યો હતો. ત્રિભોવન પંચાલ અને તેમના પત્નીની માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે પૈસાની લેતીદેતીમાં ત્રિભોવન પંચાલના ખાસ મિત્ર ભીખા પટેલે બેવડી હત્યા કરી હતી. મહીસાગર પોલીસ આ મામલે ભીખા પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો બનાવ?
પાંચમી ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા હતા કે મહીસાગર જિલ્લાના લુણાવડાના પાલ્લા ગામ ખાતે બીજેપી નેતા ત્રિભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની હત્યા કરવામાં આવી હતી. હત્યાનો ગુનો ઉકેલવા તેમજ વિવિધ કડીઓ જોડવા માટે પોલીસે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની પણ મદદ લીધી હતી. નેતાના ઘરની આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે, મૃતકનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી.
આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, "મહીસાગરમાં અજાણ્યા શખ્સોએ પંચાલ પરિવારના બે લોકોની હત્યા કરી નાખી છે. આ મામલે જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરીને અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે."
બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા હતા. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી. મૃતક ત્રિભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત તેઓ વર્ષોથી પંચાલ સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત હતા.
ગામ લોકોનું કહેવું હતું કે, ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. ત્રિભોવન પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલ કેનેડા ખાતે છે. જ્યારે અન્ય એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે. જ્યારે ત્રીજા દીકરીનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર