Home /News /madhya-gujarat /

કૉંગ્રેસના વધુ એક ગઢમાં ગાબડું: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ભાજપમાં જોડાશે

કૉંગ્રેસના વધુ એક ગઢમાં ગાબડું: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ભાજપમાં જોડાશે

હીરાભાઈ પટેલ

Mahisagar news: મહીસાગરના કૉંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ 200 જેટલા કાર્યકરો સાથે 21મી ફેબ્રુઆરીના રોજ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

    મિતેષ ભાટિયા, મહીસાગાર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022) પહેલા કૉંગ્રેસ (Gujarat congress) પાર્ટીમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાનો કૉંગ્રેસનો ગઢ ગણાતા લુણાવાડા (Lunawada constituency) વિસ્તારમાં કૉંગ્રેસ પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. અહીં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ (Hirabhai Patel) 200 કાર્યકરો સાથે કૉંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડાને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી હીરાભાઈ પટેલ કોંગ્રેસના પ્રખર કાર્યકર તરીકે રહીને કામગીરી રહ્યા હતા.

    હીરાભાઈ પટેલ 2007થી 2012 અને 2012થી 2017 એમ બે ટર્મ, એટલે કે 12મી અને 13મી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હીરાભાઈ પટેલ હવે કૉંગ્રેસથી નારાજ થઇને કૉંગ્રેસમાં કામ કરતા અન્ય સક્રિય કાર્યકરો અને પાર્ટીના પૂર્વ હોદેદારો સહિત 200 લોકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. હીરાભાઈ પટેલ આગામી 21/2/2022ના રોજ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. ભાજપમાં જોડાઈને ભાજપ પાર્ટીમાં નિષ્ઠાપૂર્ણ કામગારી કરશે તેવું હીરાભાઈ પટેલનું કહેવું છે.

    હીરાભાઈ પટેલની પ્રોફાઇલ

    >> જન્મ: 28/4/1943
    >> અભ્યાસ: એમ. એ. -અર્થ શાસ્ત્ર
    >> છેલ્લા 50 વર્ષથી જાહેર જીવનમાં આવ્યા
    >> 1968થી 2005 સુધી પ્રોફેસર તરીકે લુણાવાડા પી.એન. પંડ્યા કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી.
    >> બે ટર્મ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી.
    >> 1980માં છત્રીના નિશાન પર જાનત પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા
    >> ચૂંટમીમાં લુણાવાડાના મહારાજા ધીરેન્દ્રસિંહજી સામે 805 મતથી હાર થઇ.
    >> 1990માં જનતાદળમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા.
    >> ચૂંટણીમાં લુણાવાડાના મહારાજા ધીરેન્દ્રસિંહજી સામે 5,000  મતથી હાર થઈ.
    >> 1992માં ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી હતા તે સમયે હીરાભાઈ પટેલ કૉંગ્રેસમાં જોડાયા અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ બન્યા અને સંગઠનની કામગીરી કરી.
    >> 1998માં પંચમહાલ જિલ્લાના કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, 2006 સુધી પ્રમુખ પદ પર રહ્યા.
    >> પાટીદાર સમાજના પ્રમુખ અને બાદમાં મંત્રી તરીકે પણ સેવા આપી.
    >> જિલ્લા કક્ષાની તમામ સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર તરીકેની કામગીરી કરી.
    >> ઘણી સંસ્થાઓમાં આજે પણ કામગીરી કરી રહ્યા છે.

    જયરાજસિંહ પરમારનું સૂચક ટ્વીટ

    તાજેતરમાં કૉંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા જયરાજસિંહ એક સૂચક ટ્વીટ કર્યું હતું. લુણાવાડાના હીરાભાઈ પટેલ કૉંગ્રેસને રામ રામ કરી રહ્યા છે ત્યારે જયરાજસિંહ પરમારનું વધુ એક સૂચન ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તેમણે હિન્દીમાં લખ્યું છે કે, "કાલ કલકત્તા વાલી, તેરા વચન ન જાય ખાલી. પાવાગઢ મહાકાળીના ચરણ સ્પર્શ કરીને વાયા લુણાવાડાથી કોબા, ગાંધીનગર." આ સાથે જ જયરાજસિંહ પરમારે પોતાના ટ્વીટમાં #Episode2 એવું હેઝટેગ પણ મૂક્યું છે.



    ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ પરમારે તાજેતરમાં કૉંગ્રેસ પાર્ટીમાં તેમની સતત ઉપેક્ષી થતી હોવાનું કહીને તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. કૉંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mahisagar, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ

    આગામી સમાચાર