Gujarat Elections 2022: લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશ સેવકના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મધવાસ ખાતે જંગી સભાને સંબોધી હતી. પક્ષ પલટું નેતાઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, કૂદા કૂદ કરતા લોકોથી ચેતજો. ભાજપે એમને ઘણું આપ્યું હતું, પણ એમણે ભાજપ સાથે ગદ્દારી કરી છે.
લુણાવાડા: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે તમામ પક્ષોના નેતાઓ બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેને લઈને, લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશ સેવકના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મધવાસ ખાતે જંગી સભાને સંબોધી હતી.
પુરુષોત્તમ રૂપાલાએ લુણાવાડા બેઠક પર જીગ્નેશ સેવકને જીતાડી ગાંધીનગર મોકલવાની પણ અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પહેલી વખત જ્યારે હું આવ્યો હતો, ત્યારે જિગ્નેશ સેવકના કામનો અનુભવ નહોતો, પરંતુ હવે તો સેવકનું કામ પણ સેવક જેવું છે, એનો અનુભવ તો બધાએ કર્યો હશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, હમણાં હમણાં અપક્ષ ઉમેદવારો વાતો ફેલાવે છે કે, મતદારો હમણાં અમને મત આપો પછી અમે ભાજપમાં જ આવવાના છીએ, તો તમારે ભાજપમાં જ જવું છે તો અત્યારે ભાજપના ભેગા જ બેસો ને..
પક્ષ પલટું નેતાઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ચોરી કરવા આવે તે એમ કરે ખરો કે, હમણાં ચોરી કરી લઈ જાયને પછી પાછા આપી જાય, એટલે આવા લોકોથી ચેતજો. રૂપાલાએ કહ્યું કે, ભાજપે એમને ઘણું આપ્યું હતું, પણ એમણે ભાજપ સાથે ગદ્દારી કરી છે. અત્યારે અમુક નાની નાની ચીજો હમણાં એમ કહે છે કે, અમે એમનેમ થોડા નીકળ્યા છીએ અમારી સાથે પીઠબળ મોટું છે તો પીઠબળવાળાને આગળ કરીને જુવો તો ખબર પડે, એકવાર જેને સસ્પેન્ડ કર્યા એ કેન્સલ કરાવી તો જુવો.
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને મૂળિયા સાથે ઉખાડી નાખવા અપીલ કરી હતી. વધુમાં તેમણે મોદી સરકારની આયુષ્માન ભારત સહિતની જનકલ્યાણકારી યોજનાઓ વિષે તેમના આગવા અંદાજમાં લોકોને તરબોળ કર્યા હતા. યુક્રેનના ઉદાહરણ સાથે નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં ભારત દેશનું નામ વિજય વિશ્વ તિરંગા પ્યારા કરી બતાવ્યું છે. તેમણે પાંચમી ડિસેમ્બરે પહેલું કામ પતિ પત્નીને લક્ષ્મીનારાયણ સ્વરૂપે તેમજ યુવાવર્ગને જંગી મતદાન કરવા અપીલ કરી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર