Santrampur Assembly Constituency: સંતરામપુર વિધાનસભા બેઠક મહિસાગર જિલ્લામાં આવે છે. આ બેઠક દાહોદ લોકસભા બેઠક હેઠળ સમાયેલી છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં સંતરામપુર ઉપરાંત ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે.
Santrampur Assembly Constituency: સંતરામપુર વિધાનસભા બેઠક મહિસાગર જિલ્લામાં આવે છે. આ બેઠક દાહોદ લોકસભા બેઠક હેઠળ સમાયેલી છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં સંતરામપુર ઉપરાંત ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) આવી પહોંચી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તેમજ ચૂંટણી પંચ (Election commission) પણ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારી કરી રહ્યું છે. આગામી ચૂંટણી પહેલા જ રાજકીય ઘમાસણ સર્જાઈ રહ્યું છે. વિધાનસભા (Vidhan Sabha)ની ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસમાં અસંતુષ્ટો પણ ધીમે ધીમે સપાટી પર આવી રહ્યા છે. જેથી નજીકના ભવિષ્યમાં મોટા પાયે પક્ષપલટાની ઘટના પણ જોવા મળી શકે છે.
આગામી વિધાનસભા ચૂંટણી ગત વખતની ચૂંટણી કરતા થોડી અલગ રહેશે. આ વખતે મોંઘવારી અને કોરોના સહિતના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નીતિને લઈને પણ કોંગ્રેસ અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ મહદંશે સુધર્યો હતો. ત્યારે આગામી ચૂંટણીમાં તેનાથી વધુ સારો દેખાવ કરવાનો નીર્ધાર કોંગ્રેસનો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ગત વર્ષે ગુમાવેલી બેઠકો પરત લેવા અને કોંગ્રેસના ગઢ સમાન બેઠકો કબજે કરવાની તૈયારી કરે છે. 2022ની ચૂંટણીમાં બધી જ બેઠકો મહત્વની બની રહેશે. આજે અહીં આવી જ મહત્વની બેઠક એટલે કે સંતરામપુર વિધાનસભા (Santrampur Constituency) બેઠક અંગે જાણકારી આપવામાં આવી છે.
સંતરામપુર વિધાનસભા બેઠક હેઠળનો વિસ્તાર
સંતરામપુર વિધાનસભા બેઠક હેઠળ સંતરામપુર તાલુકાના ચિટવા, બુગડ, બુગડના મુવાડા, કણઝારા (સંત), વ્યાર, પાણીયાર, ભાણા સીમલ, ખેડાયા (પ્રતાપગઢ), કુંડા, ભામરી, સીમલિયા, સરદ, કોટરા, મોતી ક્યાર, નાની ક્યાર, ક્યારીયા, પીઠાપુર (બોરવાડા), નલાઈ, ટિંબલા, ભંડારા, બટકવાડા, મોલારા, ઉખરેલી, દલિયાટી, ભીનાદ્રા, સાગવડિયા (સંત), કંજારા (સંત), બારીકોટા, પાંચાની મુવાડી, મેટાણાના મુવાડા, દોટાવાડા, સુરપુર, મોટા સરનાઈયા, બાબરોલ, , સાંગાવાડા, વડીયા, કસલપુર, ઉન્દ્રા, મોતી ખરસોલી, વાંટા (મહેતાણા), વાવિયાના મુવાડા, કાસીયા, આસીવાડા, ચેલા પાગીના મુવાડા, ગાલા તલાવડી, ગામડી, પાગીના મુવાડા, કોઠીના મુવાડા, મોવાસા, બવાના સાલીયા, દહેલા, ભોટવા, લીમડા મુવાડી , રાણીજીની પડેડી , લાલકપુર , ગરાડીયા , માલણપુર , નાના નટવા , સડા , બાબરાઈ , હીરાપુરા , વાંજીયા ખુંટ , નરસીંગપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ બેઠકમાં કડાણા તાલુકો પણ આવી જાય છે.
સંતરામપુર બેઠકની સ્થિતિ
સંતરામપુર વિધાનસભા બેઠક મહિસાગર જિલ્લામાં આવે છે. આ બેઠક દાહોદ લોકસભા બેઠક હેઠળ સમાયેલી છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં સંતરામપુર ઉપરાંત ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ 310897 વસ્તીમાંથી 93.74 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે, જ્યારે 6.26 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. આ બેઠક પર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 3.23 અને 79.91 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 216279 મતદાર અને 287 મતદાન મથકો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં 61.89 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું. 2017માં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 49.07 ટકા અને 44.46 ટકા મત મળ્યા હતા. જ્યારે 2019માં અનુક્રમે 53.63 ટકા અને 41.6 ટકા મત મળ્યા હતા. વર્તમાન સમયે દાહોદ (એસટી) લોકસભા બેઠક પર જશવંતસિંહ સુમનભાઈ ભાભોર સાંસદ તરીકે જવાબદારી નિભાવે છે. જ્યારે ભાજપના ડો. કુબેરભાઈ ડિંડોર સંતરામપુર (એસટી) વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.
સંતરામપુર વિધાનસભા બેઠક પર ભૂતકાળની ચૂંટણીઓ
સંતરામપુર વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. જેમાંથી મોટાભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપ બે વખત આ સીટ જીતવામાં સફળ રહ્યો છે. ગત 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ડો. કુબેર ડીંડોરને ટિકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે ગેંડાલભાઈ ડામોરને ઉભા રાખ્યા હતા, આ ચૂંટણીમાં ડો. કુબેરને 68,362 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડામોરને 61938 મત મળ્યા હતા. ડો. કુબેર 6400 મતોથી વિજેતા બન્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
ડો. કુબેર ડીંડોર
ભાજપ
2012
ગેંડાલભાઈ ડામોર
કોંગ્રેસ
2007
પરંજયદિત્યસિંહ પરમાર
કોંગ્રેસ
2002
પ્રબોધકાન્ત પંડયા
ભાજપ
1998
ડો. માનસિંહ ભામત
કોંગ્રેસ
1995
ડો. માનસિંહ ભામત
કોંગ્રેસ
1990
પ્રબોધકાન્ત પંડયા
જેડી
1985
પ્રબોધકાન્ત પંડયા
જેએનપી
1980
ડામોર જીવાભાઈ
કોંગ્રેસ (આઈ)
1975
ડામોર જીવાભાઈ
કોંગ્રેસ
1972
ડામોર જીવાભાઈ
કોંગ્રેસ
1967
કે કે પરમાર
કોંગ્રેસ
1962
વિરસિંગ ભાભોર
કોંગ્રેસ
આવી જ રીતે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે ગેંડાલભાઈ ડામોરને ઉભા રાખ્યા હતા, જ્યારે ભાજપે માનસિંહ ભામતને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડામોરને 68026 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર માનસિંહને 43372 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો હતો.
પ્રોફેસર ડો. કુબેરભાઈ ડીંડોર ભોગવે છે મંત્રીપદ
સંતરામપુર પંથકના આગેવાનોને લાંબા સમય સુધી કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું. પરંતુ તાજેતરમાં ડો. કુબેરભાઈ ડીંડોરને મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને રાજયકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીનો હવાલો સોંપવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રોફેસર કુબેરભાઈ ડીંડોર આદિવાસી પરિવારમાંથી આવે છે. તેઓ સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની છે. કોલેજકાળથી જ તેઓ સમાજસેવી હતા. વ્યવસાયે પ્રોફેસર કુબેરભાઈ ડીડોર સાબરકાંઠાના તલોદની કોલેજમાં ફરજ બજાવે છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના આર્થિક સામાજિક અને ધાર્મિક વિકાસ માટે તેઓ ખડેપગે કામગીરી કરે છે. મધ્ય ગુજરાતને અલગ યુનિ. મળે તે માટે તેઓ પ્રયત્નશીલ હતા. ઉચ્ચ શિક્ષણ મેળવેલ પ્રો. કુબેરભાઈ ડીંડોર શિક્ષક છે અને પી.એચ.ડી. કરી કરી છે. અગાઉ સંતરામુપરના સ્વ. પ્રબોધકાંત પંડયા રાજયના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા.
સંતરામપુર પંથકમાં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે અને એસટી માટે અનામત છે. જેથી અહીં ઉમેદવારોની પસંદગી એ રીતે કરવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજ ઉમેદવારોની પસંદગી થાય છે. છેલ્લા થોડા સમયથી ભાજપમાં આદિવાસી નેતાઓ જોડાઈ રહ્યા છે. તેના પરથી કહી શકાય આ પંથકમાં કોંગ્રેસની પકડ ઓછી થઈ રહી છે.
કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો ભાજપમાં જોડાયા
થોડા મહિના પહેલા જ સંતરામપુર અને મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીમાં વર્ષોથી કામ કરતા 1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તેઓએ સંસદીય વિસ્તાર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ ભાજપનો ખેસ પહેર્યો હતો.
સંતરામપુરના ધારાસભ્ય ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા
સંતરામપુરના ધારાસભ્ય અને મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સામે જનતામાં થોડી નારાજગી જોવા મળી રહી હોવાનું ફલિત થાય છે. થોડા સમય પહેલા જ "સંતરામપુરના ધારાસભ્ય ખોવાયા છે" તે પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરના કારણે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.
લોકોના પ્રશ્નો
- સંતરામપુરમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. અનેક લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
- આદિજાતિ પ્રમાણપત્ર ન મળવા ઉપરાંત વિશ્લેષણ સમિતિ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાથી આદિવાસીઓમાં રોષ છે.
- અંતરિયાળ વિસ્તારો આરોગ્ય, સફાઈ, પાણી સહિતની અનેક પાયાની સુવિધાઓથી વંચિત હોવાની બૂમ ઉઠી છે.