ગુજરાત વિધાનસભા ચૂંટણી લુણાવાડા બેઠક (Gujarat Assembly Elections 2022 Lunawada constituency): મહિસાગર જિલ્લામાં આવતી લુણાવાડા વિધાનસભા બેઠક ભાજપ હોય કે કોંગ્રેસ, કોઇ માટે આસાન નથી. ઓબીસી અને પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી બેઠક પર સામાજિક અને રાજકીય સમીકરણ અલગ છે. અહીં આ બે મોટા મતદાર સમુદાયને જે રિઝવી શકે એ જીત મેળવી શકે છે. આવો જાણીએ લુણાવાડા બેઠક પર કેવા છે રાજકીય સમીકરણ.
લુણાવાડા વિધાનસભા બેઠક
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી લુણાવાડા બેઠક 122 મા ક્રમની બેઠક છે. ગુજરાતના મહિસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી એક લુણાવાડા વિધાનસભા બેઠક પણ છે. લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક પણ છે અને તે મીની કાશીના નામથી પણ ઓળખાય છે.
અહીંની સંસ્કૃત પાઠશાળામાં મોટા મોટા વિદ્વાનોએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. દેશના બંધારણનું સંસ્કૃતમાં રૂપાંતર અહીંના વિદ્વાન એમ.એ.દવે દ્વારા કરવામાં આવ્યું છે. આઝાદી પહેલા લુણાવાડા રાજ્ય હતું. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા "કૃષ્ણ ઘેલો" રાજ્યના દીવાન નર્મદા શંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી.
લુણાવાડા વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા
પુરુષ મતદાર :- 133573
મહિલા મતદારો :- 126924
અન્ય મતદારો :- 1
કુલ મતદારો :- 260498
લુણાવાડા વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો
લુણાવાડા વિધાનસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો 260498 મતદારો છે, જેમાં 34 ટકા OBC અને 20 ટકા પાટીદાર મતદારો છે. OBC મતદારોની સૌથી વધુ સંખ્યા હોવા છતાં, OBC સમાજના આગેવાન કાળુભાઈ માલીવાડ, જેઓ 2002માં ભાજપના ધારાસભ્ય હતા, તેઓ 2007માં 84 મતોથી અને 2012માં 370 મતોથી ચૂંટણી હારી ગયા હતા.
2017માં અપક્ષ ઓબીસી ઉમેદવાર રતનસિંહ રાઠોડ કોંગ્રેસ અને ભાજપને હરાવીને જીત્યા હતા. 2019ની પેટાચૂંટણીમાં ગુલાબસિંહ ચૌહાણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે પણ તેમને 2019ની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. ઓબીસી જ્ઞાતિના હોવા છતાં તેઓ ચૂંટણી હારી ગયા હતા અને ઉચ્ચ જ્ઞાતિના જીજ્ઞેશ સેવકનો વિજય થયો હતો. આ બેઠક પર જ્ઞાતિવાદની અસર ભાગ્યે જ જોવા મળે છે.
લુણાવાડા વિધાનસભા બેઠક પર હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
1962
જતાશંકર પંડ્યા
આઈએનસી
1967
કે બી દવે
એસડબલ્યુએ
1972
ડી કે ભટ્ટ
આઈએનડી
1975
શાહ શાંતિલાલ
એનસીઓ
1980
સોલંકી ધિરેન્દ્રસિંહ
આઈએનસી
1985
ઉપાધ્યાય હરગોવી
જેએનપી
1990
સોલંકી ધિરેન્દ્રસિંહ
આઈએનસી
1995
ઉપાધ્યાય હરગોવિંદસિંહ
બીજેપી
1998
સોલંકી સુરપાલસિંહ
આઈએનસી
2002
માલીવાડ કાળુભાઈ
બીજેપી
2007
હિરાભાઈ પટેલ
આઈએનસી
2012
હિરાભાઈ પટેલ
આઈએનસી
2017
રાઠોડ રતનસિંહ
આઈએનડી
2019
જીજ્ઞેશ સેવક
બીજેપી
લુણાવાડા વિધાનસભા મતવિસ્તારના રાજકીય સમીકરણ
કોંગ્રેસના ધારાસભ્ય પ્રોફેસર હીરાભાઈ પટેલ 2007 અને 2012માં લુણાવાડા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. જો કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી અને તેમના સ્થાને કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહના જમાઈ પરમદિત્યજિત સિંહને ટિકિટ આપવામાં આવી હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હીરાભાઈ પટેલે 72814 મતોથી જીતી હતી.
તેઓ આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજ પટેલનો પણ પરાજય થયો હતો અને અપક્ષ ઓબીસી ઉમેદવાર રતનસિંહ રાઠોડનો વિજય થયો હતો. રતનસિંહ રાઠોડ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ પાર્ટીએ તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
રતનસિંહ રાઠોડ સાંસદ બનતાની સાથે જ લુણાવાડા વિધાનસભા બેઠક પર 2019માં પેટાચૂંટણી યોજાઈ હતી અને ભાજપના જીજ્ઞેશ સેવક 11,952 મતોની સરસાઈથી જીત્યા હતા.
જીગ્નેશ સેવકે કોંગ્રેસના ઉમેદવાર (ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા) ગુલાબસિંહ ચૌહાણને હરાવ્યા. બાર વર્ષથી કોંગ્રેસનો ગઢ રહેલી લુણાવાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જીજ્ઞેશ સેવકનો જ્વલંત વિજય થયો હતો. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને એન.સી.પીના ભરત પટેલ તથા નોટાએ મેળવેલા મત નડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ગત ચૂંટણીમાં રતનસિંહ રાઠોડને કોંગ્રેસે ટીકીટ ન આપતાં તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમનો વિજય થયો હતો. બાદમાં તેઓ ગત લોકસભામાં સંસદમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. તેઓએ રાજીનામુ આપતાં બેઠક ખાલી પડી હતી.
લુણાવાડા બેઠક પર પક્ષ પલટો
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. જેના કારણે બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
લુણાવાડામાં ભાજપે જીજ્ઞેશ સેવકને ટિકિટ આપી હતી. સ્થાનિક ભાજપના નેતા-કાર્યકરોએ હાઇકમાન્ડના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક કાર્યકરોએ જીજ્ઞેશ સેવક સામે દુકાનો બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવો આક્ષેપ કર્યો હતો.
ભાજપના જેબી પટેલ આ બેઠક પર મજબૂત દાવેદાર ગણાતા હતા પણ હાઇકમાન્ડે જીજ્ઞેશ સેવકને ટિકિટ આપી હતી. આ કારણોસર સ્થાનિક નેતા ભુલાભાઇ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી. ભાજપના જ સમર્થકોએ ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચિમકી પણ આપી હતી.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર શોધતા ભાજપને નાંકે દમ આવ્યો હતો. ભાજપ હાઇકમાન્ડે સાંસદોના ભાઇ-ભત્રીજાવાદ ચલાવ્યો નહતો.
લુણાવાડા બેઠકનુ વિધાનસભા 2022માં ચિત્ર
આમ તો લુણાવાડા બેઠક પર મોટાભાગે કોંગ્રેસનો વિજય થતો આવ્યો છે. જો કે ગત વખતે પેટા ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. આ વખતે જ્યારે વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ જાનવાનો છે ત્યારે જાતિગત અને રાજકીય સમીકરણોને આધારે દરેક પક્ષ દ્વારા ઉમેદવાર મેદાને ઉતારવામાં આવશે.