ગુજરાતમાં આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેની માટે સત્તાપક્ષ ભાજપ તરફથી તૈયારીઓ આરંભી દેવાઈ છે. જ્યારે કોંગ્રેસ પણ હવે કમરકસી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવી કામ કરી રહ્યુ છે. જે અંતર્ગત વધુમાં વધુ લોકો પક્ષ સાથે જોડાય અને આ સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવવા માટે ચર્ચા કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
તો આ તરફ બીજેપી પણ પૂરજોશમાં મેદાનમાં જંપ લાવવા તૈયાર બેઠુ છે. તો આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી પણ પાછી પડી રહી નથી. ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે આજના આર્ટિકલમાં અમે આપની માટે લાવ્યા છીએ બાલાસિનોર વિધાનસભા બેઠકનો સમગ્ર ચિતાર.
બાલાસિનોર વિધાનસભા બેઠક
બાલાસિનોર તાલુકો ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. બાલાસિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે. બાલાસિનોર તાલુકાની એક તરફ અરવલ્લી જિલ્લો તેમ જ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે અને પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે. અહીં વણાકબોરી ખાતે વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર આવેલ છે.
આ સાથે જ બાલાસિનોર વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની 121 નંબરની બેઠક છે. આ બેઠક અંતર્ગત બાલાસિનોર તાલુકાના ગામો, વીરપુર તાલુકાના ગામો, કપડવંજ તાલુકાના ગામો અને કઠલાલ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક અંતર્ગત 2017 પ્રમાણે મતવિસ્તારમાં કુલ 258548 મતદારો છે, જેમાં 134603 પુરૂષ, 123942 મહિલા અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
બાલાસિનોર વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણોની વાત કરીએ તો આ બેઠક પર ઠાકોર મતોનુ પ્રભુત્વ જોવા મળે છે. ઠાકોર મત સિવાય અહીં ઓબીસી મતદારોનો પણ દબદબો જોવા મળે છે. કોઈપણ પક્ષની હારજીતમાં આ બે જ્ઞાતિ અને સમાજના મતદારોનુ પ્રભુત્વ ખાસ જોવા મળે છે.
રાજકીય સમીકરણ
મહીસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભા બેઠક ગુજરાતના રાજકીય લડાઈમાં મહત્વની બેઠક ગણાય છે. બાલાસિનોર એક સમયે નવાબોનું શહેર હતું. બાલાસિનોર વિધાનસભા બેઠક પર એક સમયે કોંગ્રેસનું ઘણું વર્ચસ્વ હતું. આ સાથે જ બીજેપીનું કમળ અધવચ્ચે જ ખીલ્યું હતું, પરંતુ કોંગ્રેસ ફરી આ સીટ પર પાછી આવી હતી.
અહીં મોટાભાગના મતદારો ઓબીસી છે. OBC નેતા માનસિંહ ચૌહાણ 2002 સિવાય પાંચ વખત આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. માનસિંહ ચૌહાણે ભાજપ, આરજેપી, કોંગ્રેસની રાજકીય સફર કરી છે. આ કારણે તેમની એક એવા નેતા તરીકેની ઈમેજ છે જેણે સત્તા માટે પાર્ટી બદલી. એક કારણ એ પણ હતું કે માનસિંહ 2017માં કોંગ્રેસના ઉમેદવાર અજીત સિંહ ચૌહાણ સામે ચૂંટણી હારી ગયા હતા.
બાલાસિનોર બેઠકનો રાજકીય ઈતિહાસ જોઈએ તો 1962માં કોંગ્રેસ, 1967માં સ્વતંત્ર પાર્ટી, 1972માં કોંગ્રેસ, 1975માં અપક્ષ, 1980માં કોંગ્રેસ, 1985માં કોંગ્રેસ, 1990માં ભાજપ, 1995માં રાષ્ટ્રીય જનતા પાર્ટી, 1998માં કોંગ્રેસ, 2002માં ભાજપ, 2007માં કોંગ્રેસ, 2012માં કોંગ્રેસ અને 2017માં પણ કોંગ્રેસનો વિજય થયો હતો.
હારજીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
અજીતસિંહ ચૌહાણ
INC
2012
ચૌહાણ માનસિંહ
INC
2007
ચૌહાણ માનસિંહ
INC
2002
રાજેશ પાઠક
BJP
1998
ચૌહાણ માનસિંહ
BJP
1995
ચૌહાણ માનસિંહ
BJP
1990
ચૌહાણ માનસિંહ
AIRJP
1985
બાબી નુરજહાન
INC
1980
સોલંકી છત્રસિંહ
INC
1975
મોદી ચંપાબેન
IND
1972
સોલંકી છત્રસિંહ
INC
1967
એન કે સોલંકી
SWA
1962
મકવાણા શાંતાબેન
INC
ગુજરાતની બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી 2017માં કોંગ્રેસના અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણનો વિજય થયો હતો. તેમણે ભાજપના ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈને 10602 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 84620 અને ભાજપને 74018 વોટ મળ્યા હતા.
આ બેઠક છેલ્લા બે વખતથી કોંગ્રેસ પાસે છે. ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈ સતત બે ટર્મથી ચૂંટણી જીત્યા છે. પરંતુ આ વખતે તેમણે પોતાનો પક્ષ બદલ્યો, તેઓ ભાજપ વતી ઉભા રહ્યા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા ઘણા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. 2002માં આ જનરલ સીટ પર ભાજપના રાજેશ પાઠક ઉર્ફે પપ્પુ પાઠક જીત્યા હતા.
સ્થાનિક મુદ્દાઓ
આમ તો બાલાસિનોર વિધાનસભા બેઠકમાં પ્રજાને ઘણા પ્રશ્નોન સામનો કરવો પડે છે. પણ પહેલા પાયાની પ્રાથમિક સુવિધાઓના અભાવની વાત કરીએ તો અહીંના સ્થાનિક લોકોને પીવાનુ પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અહીંના લોકો પાણીના પ્રશ્નને લઈને અનેક વખત રજૂઆતો કરી ચુક્યાં છે છતા તેનો કોઈ ઉકેલ આવતો નથી. આ સાથે જ આ વિસ્તારમાં ખેતી મુખ્ય વ્યવસાય છે. જો કે સિંચાઈની પૂરતા પાણીની સગવડ ન હોવાને કારણે ખેડૂતોની હાલત કથળી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામે છે.
આ સાથે જ સરકારી કામ-કાજ માટે લોકોને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છ, છતા પણ સમયસર તેમના કાર્યો પૂર્ણ થતા ન હોવાની ફરિયાદો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. આ સાથે જ અહીં બસો અને ટ્રકોના કારણે ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો લોકોને કરવો પડે છે.
ગત 5 વર્ષથી એક બાયપોસ રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. છેતા પણ આટલો લાંબો સમય વિતી ગયો હોવા છતા તે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આ સાથે જ શિક્ષણની વાત કરવામાં આવે તો સ્થાનિક લેવલ પર ધોરણ 12 સુધીની શાળા તો છે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બહાર જવાની ફરજ પડે છે તેથી સ્થાનિક સ્તરે આવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.