Home /News /madhya-gujarat /

ગુજરાતના આ ગામની સરકારી સ્કૂલમાં પાણી, પંખા, લાઈટ, શૌચાલય નથી !

ગુજરાતના આ ગામની સરકારી સ્કૂલમાં પાણી, પંખા, લાઈટ, શૌચાલય નથી !

ગુજરાતના મહીસાગરના કડાણા તાલુકાની મઠ કોટલ પ્રાથમિક શાળામાં પાણી, પંખા, લાઈટ, શૌચાલય નથી !

  મહીસાગરઃ એક તરફ શિક્ષણ વિભાગ બાળકોને શિક્ષણ આપવા, એનું સ્તર સુધારવા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. મોટાં મોટાં સૂત્રો આપી અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે કડાણા તાલુકાની મઠ કોટલ પ્રાથમિક શાળામાં સુવિધાઓ વગર અભ્યાસ કરતાં બાળકોનું ભવિષ્ય અંધકારમાં જોવા મળી રહ્યું છે. મઠ કોટલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે.

  મઠ કોટલ પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો માટે પ્રાથમિક કે ભૌતિક સુવિધાઓ આપવામાં આવી નથી. આ પ્રાથમિક શાળામાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 1996થી શાળા ચાલુ કરવામાં આવી છે, પણ તેમની સુવિધાઓ માટે સરકાર દ્વારા ઓરડા, લાઈટ, પંખા, શૌચાલય ફાળવવામાં આવ્યાં નથી. એટલું જ નહિ, રસ્તાઓની સગવડ તેમ જ શાળામાં ભણવવા માટે રેગ્યુલર શિક્ષક પણ ફાળવવામાં આવ્યા નથી. આવી નિષ્કાળજી દાખવી બાળકોનાં ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોય એમ દેખાઈ રહ્યું છે.  ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રાજ્યની શાળાઓમાં સાક્ષરતા દર વધારવા માટે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરી પોતાના માટે વાહ વાહ મેળવવામાં આવે છે, પરંતુ રાજ્યમાં શિક્ષણની સાચી સ્થિતિ શી છે? બાળકોને શિક્ષણ માટે મળવાપાત્ર જરૂરી સુવિધાઓ જે-તે સ્કૂલોમાં છે કે નહિ એ જોવા માટે કોઈ સ્થળ પર જતું નથી. શિક્ષકો જ નહિ, ગ્રામીણ કક્ષાનાં બાળકો કઈ પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે એ જાણવા તંત્રને પણ ફુરસદ નથી.

  એ ગામડાંઓની શાળામાં જોવા જઈએ તો શિક્ષણજગતની નબળાઈઓ અને બેદરકારીની વાસ્તવિકતા વિશેની પોલ ખુલ્લી પડે છે અને સાચી હકીકતો બહાર આવે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મઠ કોટલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 35થી 40 બાળકો સાથે થતો અન્યાય દર્શાવી રહ્યો છે.

  આ સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોની સ્‍થિતિ ખૂબ જ વિકટ છે અને દયનીય છે. મઠ કોટલ ગામ આદિવાસી પ્રજા અને ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. અહીં ભણતાં બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા નથી તો ભૌતિક સુવિધાઓ કે નથી તો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી. મુખ્ય રસ્તાથી અંદાજે 7-8 કિલોમીટર આંતરિયાળ ડુંગરાળ રસ્તાથી રેલવા ગામે જવાય છે અને ત્યાંથી 4 કિમી જેટલો રસ્તો તો છે જ નહિ, 4 કિમી જેટલું ડુંગરમાં ચાલીને જાઓ ત્યારે આ શાળા આવે છે. સ્કૂલમાં ન તો કોઈ ટોઇલેટની વ્યવસ્થા છે કે ન તો કોઈ પ્રાથમિક સુવિધા છતાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકો દ્વારા ઓરડા ન હોવા છતાં તેમણે એક કાચા મકાનમાં મજબૂરીવશ બેસવાની ફરજ પડી રહી છે. એકમાત્ર સારી વાત એ છે કે આવી દયનીય પરિસ્થિતિમાં પણ શિક્ષક પોતાની ફરજ પર ચાલીને પણ આવી અહીં સેવા આપે છે.  આ શાળાના ઇન્ચાર્જ શિક્ષક રાયજીભાઈ ચોકિયાત જણાવ્યું હતું કે મઠ કોટલ પ્રાથમિક શાળા છેલ્લા કેટલાય સમયથી કાચા મકાનમાં ચાલે છે. આ શાળામાં કોઈ જ પ્રકારની સવલત નથી. શાળામાં આવવા માટે 4 કિલોમીટર સુધી ચાલતું આવવું પડે છે. હાલમાં શાળામાં કોઈ જ શિક્ષક ન હોવાથી હું આ શાળાનો ચાર્જ સંભાળું છું.  સરકાર દ્વારા અહીં શાળા-ઓરડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અહીં પાણી, પંખા, લાઈટ, શૌચાલય, રસ્તાઓની સગવડ નથી. પીવાના પાણી માટે પણ 1 કિમી દૂર ગામમાં આવેલા કૂવામાંથી પાણી લાવીને બાળકોને પીવડાવવું પડે છે. આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આવી ધોમધખતી ગરમીમાં કોઈ પળવાર પણ ન રહી શકે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ ચોપડીનો પંખો બનાવી શરીરને ઠંડક આપતા જોવા મળ્યા હતા. છેલ્લાં 20 વર્ષથી ચાલતી આ પ્રાથમિક શાળા લક્ષ્મણભાઈ વગાડિયાના કાચા મકાનમાં ચલાવવામાં આવે, જેનું કોઈ ભાડું પણ લેવામાં આવતું નથી. તેમણે કહ્યું હતું કે અમે જમીન આપવા પણ તૈયાર છીએ, પણ અમારાં બાળકોનું ભાવિ ન બગડે એ સરકારે અને તંત્રએ જોવું જોઈએ. થોડા સમય પહેલા એક રેગ્યુલર શિક્ષક હતા, જેમનો સીઆરસી તરીકે નિમણૂક થતાં હાલ કોઈ કાયમી શિક્ષક હાજર નથી.  આ શાળામાં ભણાવવા માટે રેગ્યુલર શિક્ષક પણ ફાળવવામાં નથી આવ્યા, પરંતુ હાલ અહીંથી આ શાળાથી 5 કિમી દૂર આવેલી રેલવા પ્રાથમિક શાળાના શિક્ષક રાયજીભાઈને ચાર્જ આપવામાં આવ્યો છે, જેથી તેઓ અત્યારે સંચાલન કરી રહ્યા છે. આવી નિષ્કાળજી દાખવી બાળકોનાં ભવિષ્ય સાથે મજાક કરનાર જવાબદાર જિલ્લા શિક્ષણ વિભાગના વડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારીને સરકાર દ્વારા ગુણોત્સવ દરમિયાન કયો ગ્રેડ આપવામાં આવશે એ જોવા પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે. રાજકારણીઓ જે આદિવાસી અને શિક્ષણના નામે મોટી મોટી વાત કરતા હોય તેમને આ મહત્વનો પ્રશ્ન નજરે ચડતો નથી? વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Government School, Mahisagar, ગુજરાત, શિક્ષણ

  આગામી સમાચાર