મિતેશ ભાટીયા, મહીસાગર : જિલ્લામાં એક ખેડૂતે તાલુકા પંચાયત બહાર ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતના આપઘાત બાદ પરિવાર જનોએ હોબાળો મચાવી મૃતદેહ ન સ્વાકારતા જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. પરંતુ, પરિવાર જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર તૈયાર નહીં.
પ્રાપ્ત માહિતી અનુસરા, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાકોર તાલુકા પંચાયત ખાતે એક ખેડૂતે સીડીમાં રસ્સી લટકાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેડૂત ખાનપુરના વાંદરવેડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સરકારી કચેરીમાં આપઘાતની ઘટનાને પગલે પરિવારે હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. અને જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની જીદ પકડી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ખાનપુર વાંદરવેડા ગામના બળદેવસિંહ ચારણ કોઈ કામ માટે બાકોર તાલુકા પંચાયત ખાતે ગયા હતા, જ્યાં તેમણે કોઈઇ મકાનની સહાય માટે અરજી કરેલી હતી, પરંતુ તેમને અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવી રહ્યો ન હતો, જેને પગલે ખેડૂતે પરેશાન થઈ તાલુકા પંચાયતની સીડીમાં જ દોરડું લટકાવી આપઘાત કરી લીધો. આ ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ હોબાળો મચાવ્યો છે.
પરિવારનો આક્ષેપ છે કે, બળદેવસિંહ દ્વારા 100 નંબર પર સરકારી સહાય ન મળતા આત્મહત્યા કરવાની જાણ કરી હતી. મકાન સહાયની અરજીને લઈ અનેક વખત ધક્કા ખાવા છતા કોઈ પણ સહાય ન મળકા તેણે કચેરીમાં જ કંટાળી જીવન ટુંકાવ્યું છે. કોઈ પણ કર્મચારી કે પદાધિકારી કે અધિકારી તેમની વાત સાંભળતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, કોઈ પણ વ્યક્તિ સરકારી કચેરીમાં આત્મહત્યા કરી રહ્યો હોય અને કોઈને ખબર ન પડે તે માનવામાં આવી નથી રહ્યું. સરકારી તંત્ર કોઈ પણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, જેને લઈ પરિવારજનો નારાજ છે, તેમનું કહેવું છે કોના કારણે આત્મહત્યા કરી એ જવાબદારી જ્યાં સુધી તંત્ર ન સ્વીકારે ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પરિવારને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ સફળતા ન મળતા જિલ્લાના વહીવટી તંત્રમાંથી ડીડીઓ, મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ પરિવારે જ્યાં સુધી જવાબદારી સ્વીકારી જવાબદાર અધિકારી વિરુદ્ધ એફઆઈઆર ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પકડી છે. આ મામલે જાણ થતા લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક પણ પરિવારજનોને આશ્વાસન આપવા અને સમજાવવા માટે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. પરંતુ, પરિવારને સમજાવવાની કોશિશમાં હજુ સફળતા મળી નથી. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી તપાસ ન થાય કે, કયા કારણોસર આપઘાત કર્યો અને કોણ કોણ તેના માટે જવાબદાર છે, ત્યાં સુધી કોની સામે એફઆઈઆર નોંધી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર