ભાજપની વિચારધારા સાથે સહમત ન થવાને કારણે બિમલ શાહ જાન્યુઆરી મહિનામાં જ કોંગ્રેસના પીઢ નેતા અહમેદ પટેલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
ભાજપની વિચારધારા સાથે સહમત ન થવાને કારણે બિમલ શાહ જાન્યુઆરી મહિનામાં જ કોંગ્રેસના પીઢ નેતા અહમેદ પટેલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસે બુધવારે ખેડાની લોકસભા બેઠક પરથી બિમલ શાહનું નામ જાહેર કરતાની સાથે જ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ અને આગેવાનોમાં ભડકો થયો હતો. નામ જાહેર થતાંની સાથે જ કપડવંજના ધારાસભ્ય સહિતના કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા હતા. બિમલ શાહ વર્ષ 1998 અને 2002 દરમિયાન કપડવંજ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રહી ચુક્યા છે. જોકે, છેલ્લી બે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને ભાજપે ટિકિટ આપી ન હતી. કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેનારા કોંગ્રેસ ધારાસભ્ય સહિતના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે બિમલ શાહ આયાતી ઉમેદવાર છે. તેમને ટિકિટ આપીને કોંગ્રેસે એક બેઠક ભાજપના ખોળે ધરી દીધી છે. કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે મોવડીએ સાથે કોઈ સાંઠગાંઠ કરીને બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે.
જાન્યુઆરીમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા બિમલ શાહ
ભાજપની વિચારધારા સાથે સહમત ન થવાને કારણે બિમલ શાહ જાન્યુઆરી મહિનામાં જ કોંગ્રેસના પીઢ નેતા અહમેદ પટેલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાતી વખતે બિમલ શાહે કહ્યું હતું કે, "ફક્ત બે લોકો ભારતીય જનતા પાર્ટી ચલાવે છે, તેમજ દશકાઓ સુધી પાર્ટી માટે કામ કરનારા કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. મેં રાજ્ય અને દેશના સ્તરે ભારતીય જનતા પાર્ટી માટે 20 વર્ષ સુધી કામ કર્યું છે. પરંતુ મારી સાથે યોગ્ય વ્યવહાર નથી કરવામાં આવ્યો."
બિમલ શાહ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ટ્રાન્સપોર્ટ અને આઈટી મંત્રી રહી ચુક્યા છે. તેઓ 1998 અને 2002ના વર્ષમાં કપડવંજ બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. સતત બે વખત ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2007ના વર્ષમાં મણીભાઈ પટેલ સામે તેમનો પરાજય થયો હતો. 2012માં આ બેઠક પરથી કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા હતા. 2017ના વર્ષમાં કપડવંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાળાભાઈ ડાભી ચૂંટણી જીત્યા હતા. 2012 અને 2017ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ બિમલ શાહને કપડવંજ બેઠક પરથી ટિકિટ આપી ન હતી. 2017ના વર્ષમાં બિમલ શાહે કપડવંજ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં તેમને 48 હજાર મત મળ્યાં હતાં.
બિમલ શાહનું નામ જાહેર થતાં કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.
બિમલ શાહના વિરોધમાં રાજીનામું આપતા પહેલા મીડિયા સાથે વાતચીત કરતા કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ જણાવ્યું કે, "અમે જન્મજાત કોંગ્રેસી છીએ. 1985થી અમે કોંગ્રેસ સાથે છીએ. તમામ યુવાનો કોંગ્રેસી છે. બિમલ શાહની આવન જાવન, એક દિવસ ભાજપ, એક દિવસ કોંગ્રેસ, બે દિવસ અપક્ષ જોતા લાગે છે કે તેમને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ આયાતી ઉમેદવાર છે. મને એવું લાગે છે કે તેમની અમારી પક્ષના મોવડીઓ સાથે કોઈ સાંઠગાંઠ થઈ છે. કોંગ્રેસ આ બેઠક સીધી જ ભાજપના ખોળામાં મૂકી દીધી છે."
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારો રાજીનામું આપી રહ્યા છે, તમામ હોદેદારોએ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર