Home /News /madhya-gujarat /સેવાની ધૂણી ધખાવનારા પ્રજાવત્સલ સંતશિરોમણિ પ.પૂ.આચાર્ય અવિચલદાસજી મહારાજનો 72મો પ્રાદુર્ભાવ ઉજવાયો

સેવાની ધૂણી ધખાવનારા પ્રજાવત્સલ સંતશિરોમણિ પ.પૂ.આચાર્ય અવિચલદાસજી મહારાજનો 72મો પ્રાદુર્ભાવ ઉજવાયો

કૈવલજ્ઞાન પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્યજીના પ્રાદુર્ભાવોત્સવ પર મોટી સંખ્યામાં ભક્તો આશીર્વાદ માટે સારસા પહોંચ્યા.

અવિચલદાસજી મહારાજ પ્રેરિત સત કૈવલ ગૌશાળા પણ વિવિધ સેવાકાર્યો પૈકીની એક છે. આ ગૌશાળામાં ગુજરાતની કાંકરેજી ઓલાદની ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે.

  પંકજ શર્મા, અમદાવાદ : આજે ચરોતરના સારસા પંથક સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં અને કૈવલ અનુયાયીઓ તેમજ આશ્રમોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આચાર્ય અવિચલદાસજીના 72માં પ્રાદુર્ભાવોત્સવ પ્રસંગે સારસા ખાતે પરમગુરુ સાર્ધ દ્વી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં નરવેદ અને અચરત દિક્ષાર્થી તેમજ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને કૈવલ નેમી ભક્તો ઉમટ્યા હતા. આજના દિવસે આચાર્ય અવિચલદાસજી મહારાજે સંદેશ આપતા જણાવ્યુ છે કે, પરમગુરુના દિવ્ય સ્વરુપને પ્રગટ થયે આજે 250 વર્ષ પૂર્ણ થયા છે. વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે. જેથી નિયમિત અનુષ્ઠાન કરતા રહેવુ જરુરી છે. કારણ કે અનુષ્ઠાનથી હકારાત્મકતા વધે છે અને હકારાત્મકતા વ્યક્તિને જીવનના દરેક તબક્કે સફળતા તરફ દોરી જાય છે. રાજ્યભરમાંથી આવેલા ભક્તોએ આચાર્ય અવિચલદાસજીના આશીર્વચનનો લાભ લીધો હતો.

  'સેવા પરમો ધર્મ'ને સાર્થક કરતા સંતશિરોમણિ

  આચાર્ય અવિચલદાસજીએ જરૂરતમંદો તરફ અવિરત સેવાની સરવાણી વહેતી કરી છે. કોરોનાકાળમાં હજારો જરુરિયામંદ પરિવારોને રાશનકીટ અને અનાજની સહાયતા કીટનું વિતરણ કર્યુ હતુ. ગરીબ માતા-પિતાની દીકરીઓના લગ્ન ધામધૂમથી થાય અને ખર્ચ પણ ન થાય તે માટે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. પૂ.અવિચલદાસજી સેવાની વાત કરતા જણાવે છે કે શ્રીમદ કરુણાસાગર મહારાજે એક ચોપાઈ લખી છે કે ચાર ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દિખાવન દેત, દયા ક્ષમા ઔર દીનતા પરદુખ કુ હર લેત એને પ્રધાન રાખીને અમે સામાજિક, શૈક્ષણિક અને વૈદિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. વર્ષમાં બે વખત અત્યંત ગરીબ કન્યાઓનાં સમૂહલગ્નનું આયોજન કરીએ છીએ. આદિવાસી વિસ્તારમાં આઝાદી પહેલાંથી અમારી આશ્રમશાળાઓ ચાલે છે, કન્યા છાત્રાલયો ચાલે છે.  જ્ઞાન સંપ્રદાય ગુરુગાદીના સાતમા ગાદીપતિ કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર પૂ.અવિચલદાસજી મહારાજનો જ્યારે 50મો પ્રાદુર્ભાવોત્સવ ઉજવાયો હતો ત્યારે લાખો ભાવિકોએ મળીને પૂ.ગુરુજીની સુવર્ણ તુલા કરી હતી. આ સોનામાંથી જે કંઈ ભંડોળ એકત્ર થયુ તેમાંથી પૂ.અવિચદાસજી મહારાજે ગરીબ અને વંચિતો માટે સત કૈવલ આઈ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યુ. ઉપરાંત અનેક કુદરતી હોનારતોમાં પણ અવિચલદાસજીએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી છે.

  સત કૈવલ ગૌશાળામાં ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ

  અવિચલદાસજી મહારાજ પ્રેરિત સત કૈવલ ગૌશાળા પણ વિવિધ સેવાકાર્યો પૈકીની એક છે. આ ગૌશાળામાં ગુજરાતની કાંકરેજી ઓલાદની ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત આ ગૌશાળામાં કાંકરેજી ઓલાદના સાંઢનું સંવર્ધન કરવામાં આવે છે. સાંઢ અને બળદની કાંકરેજી ઓલાદ ખૂબ જ ઉંચી માનવામાં આવે છે. 3 એકર જમીનમાં ફેલાયેલી અને લગભગ 40 લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત ગૌશાળા, કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલ ગુજરાતની કેટલીક ગૌશાળાઓમાંની એક છે.  ગુજરાત જ નહી દેશ વિદેશમાં શિબિરોનું કરે છે આયોજન

  અવિચલદાસજીએ જણાવ્યુ કે ધર્મ પ્રચાર માટે અમે સદાચાર તાલીમ શિબિર, યુવા શિબિર, મહિલા તાલીમ શિબિર. વિવિધ પ્રકારની શિબિરોનું આયોજન કરીએ છીએ. નિશ્રા નામનો પાંચ દિવસનો એક પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમાં લોકો અહીં મારી સાથે પાંચ દિવસ રહે છે. અલગ-અલગ સ્થળે સત્સંગ પારાયણના કાર્યક્રમો ગોઠવાય છે. અમારા અલગ-અલગ મંદિરને સંભાળતા અમારા સંપ્રદાયના અસંખ્ય સંતો પણ આવા કાર્યક્રમો કરે છે. અમે અમારા સંપ્રદાયમાં નરવેદ સાગર નામના સંત થઈ ગયા એમના નામે આ દીક્ષા અપાય છે. અચરત દીક્ષા બહેનો માટે છે. અચરતબા પાઠક નામના અમારા મહિલા સંતના નામે આ દીક્ષા અપાય છે. ગુજરાતમાં વિશેષ આણંદ ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૃચ, સુરત, મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં અમારા આશ્રમો અને સંતો છે. દાહોદથી લઈને વલસાડ સુધીના આદિવાસી વિસ્તારમાં અમારા ઓછાવત્તા અનુયાયીઓ છે. આદિવાસી વિસ્તારમાં જવું ખતરનાક હતું તેવા આઝાદી પહેલાના કાળમાં અમારા સંતો આ લોકો સુધી પહોંચ્યા હતા.  આચાર્ય અવિચલદાસજી મહારાજ જણાવે છે કે કૈવલ કર્તા એ સમગ્ર બ્રહ્માંડનું અંતિમ નિયંત્રક છે. કર્તાની કોઈ શરૂઆત, મધ્ય કે અંત નથી. કર્તાને કોઈ જાતિ, જાતિ, નામ, શરીર અથવા સ્વરૂપ નથી. કર્તા દૈવી ઉર્જાના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને કર્તાની શક્તિઓ સાથે કોઈ પણ વ્યક્તિની તુલના કરી શકાતી નથી. પરમગુરુએ કેટલાક ગ્રંથોમાં કર્તાની શક્તિઓ, કર્તાની રચનાઓ અને કર્તાના ધામ (સ્થાન)નું વર્ણન કર્યું છે. અંતિમ ધ્યેય મોક્ષ (મોક્ષ) પ્રાપ્ત કરવાનું છે. પરમગુરુએ કૈવલ કર્તા વિશે ઉપદેશ આપ્યો અને ભક્તોને સદાચારી જીવન કેવી રીતે જીવવું અને કર્તાને પ્રાર્થના કરવી તે શીખવ્યું કૈવલ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો એ છે કે એક જ ભગવાન છે અને તે છે કૈવલ કર્તા. કર્તામાં લિંગ, જાતિ, શારીરિક સ્વરૂપ અથવા આકૃતિ હોતી નથી. સામાન્ય માન્યતા કે હિંદુઓ બહુદેવવાદી છે પરમગુરુ તેમના ભક્તોને તેમને ભગવાન નહીં પણ ગુરુ તરીકે જોવાનું શીખવે છે. તે તેમના ભક્તોને મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્તા તરફ દોરી જશે.દિવ્ય પરમગુરુએ અનેક ગ્રંથોની રચના કરી હતી..જેમાં જ્ઞાન ભક્તિ વૈરાગ નિરુપણ ગ્રંથ, સક્રત ચિતામણી, હંસતાલેવા ગ્રંથ, વિજ્ઞાન સક્રતમણી દીપ-છપ્પા ,વિશ્વબોધ ચોસરા ગ્રંથ, અદ્વૈતા-દ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથ, સક્રત પરમ પ્રકાશ મણી ભાષ્ય ગ્રંથ, અગાધબોધ ગ્રંથ, કૈવલ વિલાસ ગ્રંથનો સમાવેશ થાય છે.

  કોણ હતા પરમગુરુ બાલકુવેર?

  સચરાચર સૃષ્ટિના કલ્યાણ અર્થે અને માનવજાતને સૃષ્ટિના રચયિતાની ઓળખ કરાવવા તથા માનવજાતને તેના જીવનલક્ષ્યને યાદ કરવાવવા માટે પરમપિતા દૂત બનીને આવ્યા હતા. પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના નામે પ્રસિદ્ધ થયેલા એ દિવ્ય પુરુષે આણંદના સારસા ગામે ગુરુગાદીની સ્થાપના કરી હતી. જેનું નામ છે કૈવલ જ્ઞાનપીઠ. કહેવાય છે કે ચરોતર પ્રદેશમાં વિક્રમ સવંત 1829માં પરમગુરુનું પ્રાગટ્ય થયુ હતુ. ક્ષત્રિય કુળના હેતબાઈ નામની મહિલા તેના બાળકને લઈને તેના માતાપિતાના ઘરે જઈ રહી હતી અને તે કાસોર ગામમાં એક જંગલમાંથી પસાર થઈ રહી હતી. ત્યાંથી પસાર થતી વખતે તેણીને તરસ લાગી અને પાણી પીવા માટે જગ્યા શોધવા લાગી. જ્યારે તેણીને તળાવ મળ્યું ત્યારે તેણીએ તેણીના બાળકને એક બાજુએ નીચે મૂકી દીધું અને થોડું પાણી પીવા ગઈ. જો કે, તે પાણી પીધા બાદ તેના બાળકને લેવા ગઈ ત્યારે તે ગુમ હતો. તે બેબાકળી બની ગઈ અને ચીસો પાડવા લાગી. તેણીએ બધે જોયું પણ તેણીને તેણીનું બાળક મળ્યું ન હતું. કલ્પાંત કરતા કરતા હેતબાઈને અચાનક ઝાડ નીચેથી એક તેજસ્વી પ્રકાશ આવતો જોયો. જ્યારે તે જોવા ગઈ ત્યારે તેણે એક યુવાન છોકરો ઝાડ નીચે પદ્માસનમાં બેઠેલો જોયો. આ યુવાન છોકરો બીજુ કોઈ નહી પણ પરમગુરુ કરુણાસાગર મહારાજ સ્વયં હતા..હેતબાઈ આ બાળકમાં પોતાના પુત્રને શોધવાનો પ્રયાસ કરે છે..પરમગુરુએ હેતબાઈને વચન આપ્યુ હતુ કે આગામી દ્વિપ (જંબુ દ્વિપ) માં તેના પુત્ર તરીકે આવશે..આ વચનની યાદ અપાવ્યા પછી હેતબાઈના પાલકપુત્ર તરીકે પરમગુરુ સારસા આવ્યા. અહી તેઓ સાત વર્ષ માતા હેતબાઈ અને પિતા રઘુવરજી સાથે રહ્યા. અને સાત વર્ષની ઉંમરે તેમણે કૃષ્ણસ્વામી મહારાજ નામના રામાનંદી સંત પાસેથી વૈરાગ્યની દિક્ષા લીધી. એ વખતે કૃષ્ણસ્વામી મહારાજે તેમનું નામ કુવેરસ્વામી આપ્યુ હતુ..જેથી બાદમાં બાલકુવેરના નામથી તેઓ જાણીતા બની ગયા.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Anand, Kheda, આણંદ, ખેડા, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन