અમદાવાદ (Ahmedabad)માં લગ્નના એક જ મહિનામાં સાસરિયાઓએ પરિણીતાને અસહ્ય ત્રાસ (Mental torture of women) આપવા લાગ્યા હતા. શંકાશીલ સાસરિયા પરિણીતાના ચારિત્ર્ય પર શંકા-વહેમ રાખીને કોઈને મળવા કે વાતચીત કરવા દેતા ના હતા. ઉપરાંત દહેજ (Dowry) પેટે પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરી ધમકી (Women Threat)આપી હતી કે જો પોલીસને જાણ કરશે તો ઘરમાંથી ખરાબ સ્થિતિ કરીને કાઢી મૂકશે, કોઈને મોઢું બતાવવા લાયક નહિ રાખી શકે. અને ચોથા માળેથી ફેંકી દેવાની અને ખોટા આપઘાત કેસમાં ફસાવી દેશે. આ મામલે અંતે કંટાળેલી પરિણીતાએ પતિ તેમજ સાસરિયા વિરુદ્ધમાં મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
નારણપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ વર્ષ 2018માં સમાજના રિતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક જ મહિના બાદ તેના સાસરિયાએ તેને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. સાસરિયા અસુર માનસિકતા ધરાવતા હોવાથી ચારિત્ર્ય પર શંકા વહેમ કરીને પરિણીતાનો પીછો કરતા હતા. કોઈ સગા સંબંધીના ફોન આવે તો તેમની વિરૂદ્ધ ચડાવશે તેવો વહેમ રાખી પરિણીતા સાથે ધૃણા રાખીને રોજ અપમાન કરતા હતા. અને કોઈને મળવા પણ જવા દેતા નહીં. સાથે જ દહેજ પેટે પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતા હતા. તેમજ તેઓની સામાન્ય રૂઢિઓ, ધર્મ, દેખાવ, બાળકો બાબતે તેમજ તેમના જ કહેલા વાક્યોને સત્યમાંની અપનાવવા બાબતે માનસિક ત્રાસ આપતા હતા.
પરિણીતાને ઘર ખર્ચ પણ આપતા ના હતા. તેનો પતિ તેને કહેતો હતો કે જો તું પૈસા નહીં લાવે તો તારા પગ નીચેથી જમીન ખેંચી લઇને તને જાનથી મારી નાખીશ. આમ અવાર નવાર ઝઘડા કરીને ઘરમાંથી કાઢી મૂકતાં હતા. પરિણીતા ફોનમાં રેકોર્ડિંગ કરતી હોવાની આશંકા રાખીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના પતિએ ફોન પણ તોડી નાખ્યો હતો.
જો કે પરિણીતાએ પોલીસને જાણ કરતા તેના પતિએ ધમકી આપી હતી કે પોલીસને જો કંઇ કહ્યું છે તો તેની બધાએ મળીને કિંમત ચૂકવવી પડશે. કારણ કે પોલીસ અને કોર્ટ તેમના ખિસ્સામાં છે. અને જો પોલીસને ફોન કરશે તો ઘરમાંથી ખરાબ સ્થિતિ કરીને કાઢી મૂકશે. જેમાં બીજા કોઈને મોઢું બતાવવા લાયક નહિ રહે. ચોથા માળેથી ફેંકી દેવાની અને ખોટા આપઘાત કેસમાં ફસાવી દેશે. અંતે કંટાળીને પરિણીતાએ પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ માં મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.