અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તાર (Ahmedabad Sabarmati area)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. પરિવાર દીકરાની જાન (Marriage) લઈને બહાર ગામ ગયો હતો ત્યારે પરિવારનો દૂરનો એક સંબંધી યુવક પરિવારના ઘરના રસોડામાં મંજૂરી વગર ઘૂસીને રસોઈ બનાવવા લાગ્યો હતો. આ બાબતને લઈને થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપી યુવકે બીજા દિવસે તલવાર લઈને બોલાચાલી કરી હતી. યુવાને ઝઘડા દરમિયાન ફરિયાદી મહિલાને તલવારનો ઘા માર્યો હતો. જેમાં વચ્ચે પડેલા વૃદ્ધાને આરોપીએ ધક્કો મારતાં તેમને માથાના ભાગે ઇજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હત્યા (Murder)નો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બનાવની વિગતે વાત કરીએ તો બરમતી વિસ્તારમાં રહેતા કિર્તન કૌર ભાટિયા (Kirtan Kaur Bhatiya) તેમના દીકરાના લગ્ન હોવાથી જાન લઈને ગોધરા ગયા હતા. રાત્રે બે વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં દૂરનો સબંધી રૂપસિંઘ ઉર્ફે રૂપલો ચિકલિકર ઘરમાં જમવાનું બનાવતો હતો. જેથી ફરિયાદીએ તેને ઘરમાં શું કરી રહ્યો હોવાનું કહેતા તેણે ભૂખ લાગી હોવાથી મટન બનાવી રહ્યાનું જણાવ્યું હતું. જોકે, ફરિયાદીએ તેને આ રીતે બંધ ઘરમાં નહીં આવવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ફરિયાદીના ઘરે લગ્નનો પ્રસંગ હોવાથી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
બાદમાં બીજે દિવસે ફરિયાદી જમણવાર પતાવીને એંઠવાડ નાખવા માટે ગયા હતા ત્યારે રૂપસિંગ તલવાર લઈને ત્યાં આવ્યો હતો અને ગઇકાલે કેમ ઝઘડો કર્યો હતો? તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો. જોકે, ફરિયાદી ઝઘડો ન કરવાનું સમજાવવા જતા આરોપીએ તેમને તલવારનો ઘા મારી દીધો હતો.
ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના રહેવાસી અને ફરિયાદીના માતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદીને છોડાવવા જતા આરોપીએ તેમને ધક્કો માર્યો હતો. જેથી પડી જવાથી તેમના માથાના ભાગે ઇજા પહોંચી હતી. બાદમાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડતા ફરજ પર હાજર ડૉક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપી વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર