નડિયાદઃ થોડા દિવસ અગાઉ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બનેલા હત્યાકાંડ જેવો જ સનસની બનાવ ફરીવાર બન્યો છે. જો કે, આ બનાવમાં મહિલાનો જીવ બચી ગયો છે. વસો-દેવા રોડ પર કોર્ટમાં ખાધાખોરાકીનો કેસની મુદત પૂર્ણ કરી પરત ફરતી પત્ની પર પતિ જાહેર રોડ પર જ છરી વડે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં પત્ની અને કૌટુંબિક ભાઈ ઘાયલ થયા હતા. આ સમગ્ર મામલે પત્નીએ પોતાના પતિ સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વસો તાલુકાના પેટલી આઝાદ ખડકી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય મનીષાબેન વિનુભાઈ સોલંકીના લગ્ન આજથી સાતેક વર્ષ પહેલાં ખેડા તાલુકાના ખુમરવાડ ગામે રહેતા જયેન્દ્રસિંહ જયંતીભાઈ વાઘેલા સાથે સમાજના રીતે રિવાજ મુજબ થયા હતા. લગભગ છેલ્લા એકાદ વર્ષથી મનીષાબેનને પોતાના પતિ તેમજ સાસરીવાળા વ્યક્તિઓ પાસે ન ફાવતા તેઓ પોતાના પિયરમાં આવી ગયા હતા અને મનીષાબેને પોતાના પતિ સામે વસો કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ મૂક્યો હતો.
ગઈકાલે આ કેસની મુદત હોવાથી મનિષાબેન તેમજ તેમના કૌટુંબિકભાઈ નિલેશકુમાર ચંદુભાઈ પરમાર બંને મોટરસાયકલ પર સવાર થઈને વસો કોર્ટમાં આવ્યા હતા. આ બાદ મુદ્દત પૂરી કરી પરત આ મનીષાબેન અને તેમના કૌટુંબિક ભાઈ પેટલી જઈ રહ્યા હતા. ત્યારે પતિ જયેન્દ્રસિંહ જયંતીભાઈ વાઘેલા તેનું મોટરસાયકલ લઈ વસો તરફથી આવતી વખતે વસો-દેવા રોડ મનીષાબેનના મોટરસાયકલને આંતરી રોક્યું હતું. આક્રોશમાં આવેલા જયેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની પત્નીને વાળ પકડી, ગળું પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને છરી વડે સીધા તૂટી પડ્યા હતા. જો કે, મનીષાબેનને હાથના ભાગે છરી વાગી ગઈ હતી અને વચ્ચે છોડાવવા પડેલા કૌટુંબિક ભાઈ નિલેશભાઈને પણ છરી આંગળીના ભાગે વાગી ગઈ હતી. આ બનાવ મામલે મનીષાબેન સોલંકીએ વસો પોલીસ મથકે હુમલો કરનાર પોતાના પતિ જયેન્દ્રસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, પખવાડિયા અગાઉ નડિયાદ પશ્ચિમમાં પણ આ જ રીતનો સનસની હુમલો હત્યામાં પરિણામ્યો હતો. જેમાં નિવૃત્તિ ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોર્ટમાં ખાધાખોરાકીના કેસની મુદ્દત પૂરી કરી ઘરે આવતી પરીણિતાને સોસાયટીના જાહેર માર્ગ પર જ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ કેસના પડઘાં હજુ સમ્યા નથી ત્યાં બીજી જ આવી ઘટના બની છે. જો કે, આ હુમલામાં મહિલાનો જીવ બચી ગયો છે. પતિએ રસ્તા પર જ બખેડો કરતા પતિએ જાહેરમાં જ પોતાની પત્નીને કહ્યું 'આજે તો તું બચી ગઈ છું પરંતુ હું ગમે ત્યારે આવીને તને તથા તારા કુટુંબના માણસોને જાનથી મારી નાંખ્યા સિવાય છોડવાનો નથી' આમ કહી ફરાર થઈ ગયો હતો.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર