ઉમંગ પટેલ,ખેડા: માતર તાલુકાના મહેલજગામની સીમમાં એમ્પાયર ફાર્મમાં રહેતા અને મુળ ગોધરા GEB સામે રહેમત નગરના 28 વર્ષિય મુસ્તુફાભાઈ હનીભાઈ ઉર્ફે બાબુભાઈ મીંયાણાના લગ્ન એક વિધવા લઘુમતી સમાજની મહિલા સાથે થયા હતા. મુસ્તફા સાથે લગ્ન કરીને આવેલી આ વિધવાને અગાઉના પતિથી ત્રણ દીકરીઓ હતી. જેમાંથી એક દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થઈ ગયા હતા. અને બાકીની બે દીકરીઓ સાથે તે પોતાના બીજા પતિ મુસ્તુફાભાઈ સાથે અગાઉ અમદાવાદ ખાતે રહીને કામ ધંધો કરતા હતા. પરંતુ મહેલજ સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દેખરેખ માટે કોઈની જરૂર હોવાથી આ શ્રમિક પરિવાર ફાર્મ હાઉસના દેખરેખ માટે મહેલજ સીમમાં આવીને રહીને મજૂરી કામ કરવા લાગ્યા હતા.
ફાર્મ હાઉસમાં કોઈ ન હોય તે વખતે આ મુસ્તુફાભાઈ પોતાની સાવકી પુત્રી જેની ઉંમર 11 વર્ષ અને 10 માસની છે તેને ધમકાવીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તેની સાથે દુષ્કર્મ કરતો હતો. એકધાર્યા પાંચ મહિના સુધી આ મુસ્તુફાભાઈએ પોતાની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ વાતની કોઈને જાણ કરીશ તો તને અને તારી મમ્મીને મોતને ઘાટ ઉતારી દઈશ તેવી ધમકી પણ આપતો હતો. જેના કારણે પીડીતાએ મૌન રહી અને પોતાના પિતાની કરતૂતો સહન કરતી હતી.
પાપ છાપરે પોકારતાં સાવકા પિતાની લજવાવી નાંખે તેવી કાળી કરતૂતો ઉઘાડી પડી હતી. અંતે દીકરી ગર્ભવતી બનતાં મામલો ઉજાગર થયો હતો અને આ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. સૌપ્રથમ તેણીને દુખાવો થતા માતા સાથે હોસ્પિટલમાં જતાં માતાને માલૂમ પડ્યું હતું કે, તે ગર્ભવતી છે અને તેને 3 માસનો ગર્ભ રહી ચૂક્યો છે. આ દિશામા માતાએ પોતાની દીકરીની પુછપરછ કરતાં આ પાપ તેના સાવકા પિતાએજ આચર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. આ બાબતે વર્ષ 2021મા માતાએ માતર પોલીસમાં પોતાના પતિ મુસ્તુફાભાઈ મિયાણા સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધડપકડ કરી તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.
સરકારી વકીલ ગોપાલભાઈ ઠાકુરે જણાવ્યું હતું કે, આ 11 વર્ષની 10 માસની પુત્રીએ પેટમા અચાનક દુખાવો ઉપડતાં તેણીની માતા તેને લઈને નડિયાદમાં દોડી આવી હતી નડિયાદના સિવિલના ડોક્ટરે સોનોગ્રાફી કરતા ત્રણ માસનું ગર્ભ હોવાનું બહાર આવતા ભોગ બનનારની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આવા કૃત્ય કોણે આચર્યું હશે તેવી શંકા વ્યક્ત કરતા દિકરીએ આ કૃત્ય પાછળ તેના સાવકા પિતાજ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.ભોગ બનનાર ગર્ભવતી બની હતી અને ફરિયાદ થઈ હતી. કોર્ટની મંજૂરી લીધા બાદ કોર્ટે ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી જેથી સગીરાનું ગર્ભપાત થયું હતું.
કેસના સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ કેસમાં ગર્ભપાત કરાવ્યા બાદ DNN રિપોર્ટ લીધો હતો જે આરોપીના ડીએનએન સાથે મેચ થતુ હતું. જેથી આમ પુરાવો પણ મહત્વનો બન્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર અને ફરિયાદીએ કોર્ટમાં આપેલી જુબાની પણ મહત્વની બની ગઈ હતી ઈ.પી.કો.કલમ-376(એ બી)માં ભોગ બનારની ઉંમર 12 વર્ષ કરતા નીચે હોય ત્યારે આરોપીને ફાંસી આપવાની જોગવાઈ છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે.
કયા કેસમાં કેટલી સજા
ઈ.પી.કો.કલમ-376(2)(એફ) મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા તથા રૂપિયા 25 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા, ઈ.પી.કો.કલમ-376(2)(એન) મુજબના ગુનામાં, તકસી૨વાન ઠરાવી આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા તથા રૂપિયા 25 હજારનો દંડ અને જો દંડ ન ભરેનો વધુ 1 વર્ષની સખત કેદ, ઈ.પી.કો.કલમ-376(એ બી) મુજબના ગુનામાંતકસીરવાન ઠરાવી દેહાંત દંડ યાને ફાંસીની સજા તથા રૂપિયા 50 હજારનોદંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા તેમજ આરોપી મૃત્યુ ન પામે ત્યાં સુધી તેને ફાંસીના માંચડે લટકાવી રાખવાનો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
ઈ.પી.કો.કલમ-506(2) મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદ,પોકસો એકટ કલમ 5(એલ) સાથે વાંચતા કલમ 6 મુજબનાગુનામાં તકસીરવાન ઠરાવી દેહાંત દંડ યાને ફાંસીની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા,પોકસો એકટ કલમ 5(4)2 સાથે વાંચતા કલમ 6 મુજબના, ગુનામાં તકસીરવાન ઠરાવી દેહાંત દંડ યાને ફાંસીની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદ ફરમાવવામાં આવી છે.આ કેસમાં સજા પામેલા રૂપિયા બે લાખ વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. આ કેસની સુનાવણી આજે મંગળવારે હાથ ધરાઇ હતી.
નડિયાદના મહે.સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહીતની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરની દલીલો તેમજ કેસમાં રજૂ કરેલા કુલ 12 સાહેદોના પુરાવા અને કુલ 44 દસ્તાવેજી પુરાવાઓ વિગેરે ધ્યાને લઈ સમાજમાં આવા ગુનાઓ ઓછા બને તે સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કીસ્સાઓ બંધ થાય વિગેરે કારણોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર