Home /News /madhya-gujarat /Gujarat election 2022: વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદી છે ધર્મ-રાજકારણનો સંગમ, જાણો અતઃથી ઇતિ સુધી બધું જ
Gujarat election 2022: વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદી છે ધર્મ-રાજકારણનો સંગમ, જાણો અતઃથી ઇતિ સુધી બધું જ
Gujarat Assembly election 2022: ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ.
Gujarat Assembly election 2022: ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ગુજરાતની ધાર્મિક સંસ્થાઓની અસર અને ભૂમિકા:(Gujarat Assembly election 2022): ભારત વિવિધ ધર્મો અને સંસ્કૃતિથી સંપન્ન દેશ છે. પ્રાચીન કાળથી આપણા દેશમાં રાજને ધર્મ માનવામાં આવે છે. આપણા પૂર્વજોના સમયથી રાજકારણમાં ધર્મનો અને ધાર્મિક સંસ્થાઓનો ફાળો અનન્ય રહ્યો છે. હાલ ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે.
આજના રાજકારણમાં પણ ગુજરાત સહિત દેશભરમાં ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ બરાબરનો ભાગ ભજવે છે. ગુજરાતમાં પણ આવી ધાર્મિક સંસ્થાઓ છે, જેના પર રાજકારણ અને વોટબેંક નિર્ભર રહે છે. તે જ કારણ છે કે આવી મોટી ધાર્મિક સંસ્થાઓ સાથે રાજકારણીઓનો સંબંધ સુમેળ ભર્યો રહે છે.
આવી જ એક મોટી સંસ્થા અને સમાજ તરીકે ગુજરાતમાં વડતાલ સ્વામીનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત જ નહીં દેશ દુનિયામાં પ્રસરેલો છે. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના અનેક મંદિરો આવેલા છે. નડિયાદ પાસે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ઈતિહાસ તેમાંથી તદ્દન અલગ તરી આવે છે. આણંદથી આગળ મુખ્ય રેલ્વે લાઈનમાં ચાર માઈલ પર બોરિયાવીનું સ્ટેશન આવે છે.
ત્યાંથી ચાર માઈલ દૂર વડતાલ નામનું ગામ આવે છે. અથવા તો અત્યારના અમદાવાદ- વડોદરા હાઈવે પર આણંદ પહેલા માત્ર 10 કિલોમીટરે આ વડતાલનું મંદિર આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે.
આ મંદિરમાં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહીં સ્વામીનારાયણ ભગવાને સ્વહસ્તે પરલોકના સુખાર્થે લખેલું અને સંપ્રદાય માટે ઉત્તમ ગણાતું પુસ્તક શિક્ષાપત્રી પણ વડતાલ ધામની જગ્યામાં લખ્યું હતું. અને હાલમાં વડતાલની ગાદી પર સ્વામીનારાયણ ભગવાનના વંશજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંભાળી રહ્યાં છે.
ભગવાન સ્વામિનારાયણનો (Lord Swaminarayan) જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ. મોટા ભાઈ રામપ્રતાપ અને નાનાભાઈ ઈચ્છારામ હતા. ઘનશ્યામ માત્ર અગિયાર વર્ષની વયે ગૃહત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા હતા. ગુજરાત સહિત દેશ-વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની પોતાની જ મૂર્તિ હોય છે.
વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામીનારાયણ ભગવાને પોતાના માથે ઈંટો ઉંચકી આ મંદિરનું નિર્માણ કર્યું છે. જેથી આ મંદિર બીજા અન્ય મંદિરથી અલગ તરી આવે છે.
કેવો છે મંદિરનો ઢાંચો?
વડતાલ નગરને વડતાલ સ્વામિનારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનું મંદિર કમળના આકારમાં છે, અંદરના મંદિરમાં નવ ગુંબજ છે. આ મંદિર માટે જમીન સ્વામિનારાયણના ભક્ત જોબન પગીએ દાનમાં આપી હતી. મંદિરનો આદેશ સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવ્યો હતો અને એસજી બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય ચળવળમાં મંદિરની ભૂમિકા
આઝાદીની ચળવળ દરમિયાન રાષ્ટ્રીય નેતાઓએ મંદિરમાં ભાષણો આપ્યા હતા. જાન્યુઆરી 1921માં મહાત્મા ગાંધીએ આ મંદિરમાં એક ભાષણ આપ્યું હતું, જેમાં હિંદુ ધર્મ પ્રત્યે અસહકારની સુસંગતતા વિશે વાત કરી હતી, "આ પવિત્ર સ્થાન પર હું જાહેર કરું છું, જો તમે તમારા 'હિંદુ ધર્મ'નું રક્ષણ કરવા માંગતા હો, તો અસહકાર એ સૌથી પહેલું છે. તેમજ છેલ્લો પાઠ તમારે શીખવો જ જોઈએ."
લાલજી મહારાજ – વ્યક્તિત્વ અને ઇતિહાસ
વડતાલ મંદિરની ગાદીનો ઇતિહાસ પણ ઘણો લાંબો છે. હાલ આ મંદિરમાં લાલજી મહારાજ (Lalaji Maharaj) મુખ્ય કર્તાહર્તા છે. તેમનો જન્મ 14 માર્ચ, 1974ના રોજ થયો હતો. આઠ વર્ષની નાની વયે વડતાલમાં તેઓના યજ્ઞોપવીત સંસ્કારનો ભવ્ય ઉત્સવ કર્યો હતો. 700 બ્રાહ્મણોની વરુણી સહિત 300 વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં અન્ય 200 બ્રાહ્મણ બટુકોને પણ તેમના ઉપવીત સંસ્કારની સાથોસાથ જનોઈ ધારણ કરાવવામાં આવી હતી.
પ.પૂ. લાલજી મહારાજશ્રીનું સને 2009માં અમેરિકા સરકારે ત્યાંનું ‘નાગરિકત્વ’ આપીને બહુમાન કર્યું છે. તેમજ સને 2010માં સુરતમાં ‘યુગપુરુષ’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમજ સને 2011માં બૃહૃદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા સર્વોચ્ચ ‘ગુજરાત ગૌરવ’નો એવોર્ડ અપાયો છે.
ગુજરાતના રાજકારણમાં વડતાલ મંદિરનું યોગદાન (Contribution of Vadtal Mandir to Gujarat Politics)
રાજકારણને રાજધર્મનો દરજ્જો આપણી સંસ્કૃતિ રહી છે. તેવી જ રીતે આજના રાજકારણમાં પણ મંદિરો અને સંત-સાધુઓનો ફાળો રહ્યો છે. વડતાલ સ્વામીનારાયણ મંદિર ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે. તેથી જ દેશના અને રાજ્યના દિગ્ગજ નેતાઓના આટાંફેરા આ મંદિરમાં ચૂંટણી ટાણે વધી જાય છે, તે સ્વાભાવિક છે.
આ ચૂંટણીમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું મહત્વ એટલા માટે પણ વધી ગયું છે કારણ કે, રાજ્યના મુખ્યમંત્રી પોતે આ સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે. આ મંદિરની મુલાકાતે દેશના હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી ચૂક્યા છે.
આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત અનેક વખત લઇ ચૂક્યા છે. 2017માં વિજય રૂપાણીએ ભવ્ય જીત બાદ સૌ પ્રથમ મંદિરની મુલાકાત લીધી હતી.
મંદિરના સંતની હાર્દિક પટેલને સલાહ
હાલ રાજકિય ગલીયારોમાં હડકંપ ભરેલી સ્થિતિ છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાં તમામ પદો પરથી રાજીનામા આપતા ભાજપમાં જોડાવાની અફવાઓ તેજ બની છે. તેવામાં હાર્દિક પટેલના પિતા પ્રથમ પુણ્યતિથિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય.
મંદિરનું કયા પક્ષ તરફી છે વલણ?
એટલું જ નહીં, આ મંદિર દ્વારા વર્ષ 2017માં ચૂંટણી સમયે ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું હતું. મંદિર દ્વારા સ્પષ્ટ પણે ભક્તોને ભાજપમાં મોદીને મત આપવા અપીલ કરી હતી. સંપ્રદાયના લક્ષ્મી નારાયણ દેવ પંથકના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મંદિરના મુખ્ય કોઠારી (મુખ્ય પ્રશાસક) કાર્યકારી-આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં, મહારાજ ઘનશ્યામ પ્રસાદ દાસે અપીલ કરી હતી.
સંપ્રદાયના ભક્તો રાજ્યમાં ભાજપ સરકારને સત્તામાં લાવવા માટે મતદાન કરે છે. મંદિરના આ નિવેદન બાદ એક વાત સ્પષ્ટ છે કે વડતાલ સ્વામીનારાયણ મંદિરનો ઝૂકાવ ભાજપ તરફ છે. તેથી રાજ્યભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વોટબેંક ભાજપની ઝોળીમાં છે તેમ કહેવું પણ ખોટું નથી.
જોકે, મંદિરના સંતે કરેલી આ અપીલ બાદ મામલો ઇલેક્શન કમિશન સુધી પણ પહોંચ્યો હતો. ચૂંટણી પંચે ગાંધીનગરના આર્કબિશપ થોમસ મેકવાનને નોટિસ આપ્યા બાદ તેમને દેશના બિશોપ્સને પત્ર લખીને ગુજરાતમાં આવા લોકો ચૂંટાય તેવી પ્રાર્થના કરવા માટેના કારણો સમજાવવા જણાવ્યું હતું.
ખેડા જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મંદિરે જનસેવા ધર્મ પણ ખરી રીતે નિભાવ્યો હતો. જીલ્લામાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને પગલે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામી સાથે બેઠક યોજી હતી. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલતી નિ:શુલ્ક શ્રી સ્વામીનારાયણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલની ઓપીડી બંધ કરી કોરોના દર્દીઓ માટે 100 બેડનું કોવીડ હેલ્થકેર ઉભુ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ પહેલા ફેઝમાં પણ કોરોના કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતુ. જેમાં સારી એવી સેવા વડતાલ મંદીર દ્વારા આપવામાં આવી હતી.
વડતાલ મંદિર અને સંબંધિત વિવાદો
ધાર્મિક સંસ્થા હોય કે સામાજીક દરેક એક પોતાના કાળમાં અનેક વખત કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતી રહે છે. પરંતુ આ સંસ્થાઓના વિવાદ ત્યારે મહત્વના બની રહે છે, જ્યારે તે સંસ્થાનો સંબંધ કોઇ પણ રીતે રાજકારણ સાથે હોય. તેવી જ રીતે વડતાલ સ્વામિનારાયણ મંદિર પણ અનેક વખત વિવાદોના વંટોળોમાં સંપડાઇ ચૂક્યું છે.
મોરારિબાપુ અને નીલકંઠવર્ણી નિવેદન વિવાદ
કથાકાર મોરારિબાપુના નીલકંઠવર્ણી વાળા નિવેદન બાદ ચોતરફ વિવાદ ઉખર્યો હતો. આ મુદ્દે વડતાલ સંસ્થાને પણ એક નિવેદન બહાર પાડીને અપીલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરારિબાપુના નિવેદન સંદર્ભે ચાલતા વિવાદનો અંત લાવવો જોઈએ. આ વિવાદને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના પરિપ્રેક્ષ્યમાં વિચારતા વધુ વિખવાદ ન થાય તે તમામના હિતમાં છે. આ વિવાદનો અંત લાવવા માટે ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેવા તમામ ધર્મપ્રેમીઓને નમ્ર અપીલ છે.
લાલજી મહારાજ દુષ્કર્મ વિવાદ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના લાલજી મહારાજનો એક વિડીયો વાયરલ થયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૃગેન્દ્રપ્રસાદનો આ વિડીયો હતો. જેમાં બળાત્કારની ઘટના ભગવાનની મરજીથી થતી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરાતા સંપ્રદાય અને ભક્તોમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઇ હતી. જો કે જ્યારે આ વિડીયોની તપાસમાં આ તેને લોકોએ ખોટી રીતે વાયરલ કર્યો હોવાનું સામે હતું.
સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે વડતાલ, ગઢડા, જૂનાગઢ, ધોલેરા, અમદાવાદ અને ભુજ ખાતે મંદિરો બંધાવ્યા હતા. શ્રીહરિએ સ્વહસ્તે મંદિરમાં દેવોની સ્થાપના કરી હતી. જૂનાગઢમાં રાધારમણદેવની સ્થાપના કરી હતી. રાધારમણ મંદિરના વહીવટી બોર્ડ વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું આધિપત્ય સ્વીકારવું જોઇએ. પરંતુ તેઓ સ્વીકારતા ન હતા. આ સંદર્ભે દેવપક્ષના સભ્યો દ્વારા ચેરીટી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો દેવપક્ષની તરફેણમાં આવ્યો હતો.
સ્વામી પર પરિણીતાને ભગાવવાનો વિવાદ
વડતાલ સ્વામીનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બન્યું, જ્યારે એક મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો કે, મંદિરના એક સ્વામી એક 26 વર્ષીય પરિણીત મહિલા સાથે ફરાર થઈ ગયો. મહિલાના પતિનો આક્ષેપ હતો કે સ્વામી મારી પત્ની સાથે ભાગી ગયા છે.
આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી છે. મહિલાના પતિનો આક્ષેપ છે કે આ કેસમાં પોલીસ કોઈ પગલાં નથી ભરી રહી. સાથે જ તેણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સ્વામી પોતાની હવસ સંતોષાયા બાદ તેની પત્નીની હત્યા કરીને લાશ સગેવગે કરી દેશે.
મંદિરના શિષ્યની ફરીયાદ
વડતાલ મંદિરને લઇ ફરી એક વિવાદ ત્યારે ઉભો થયો, જ્યારે ઘનશ્યામ શાસ્ત્રી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. કંડારી ગુરુકુળમાં ભોગ બનેલા શિષ્ય દ્વારા ફરિયાદ કરાઇ હતી જે બાદ શિષ્યનું કહેવું છે કે હિપ્નોટાઈઝ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હતું.