Home /News /madhya-gujarat /Gujarat election 2022 : મહેમદાવાદ વિધાનસભા બેઠક પર જામશે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કરી તડામાર તૈયારીઓ
Gujarat election 2022 : મહેમદાવાદ વિધાનસભા બેઠક પર જામશે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કરી તડામાર તૈયારીઓ
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ભાજપે પરચમ લહેરાવ્યો હતો.
Mahmadabad assembly constituency : ગુજરાત ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. આ શહેર મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવેલું હતું.
રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly election 2022) પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં 2022ના ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે અગાઉ ભાજપે જન આશીર્વાદ યાત્રા કાઢી છે, કોંગ્રેસે કોવિડ-19 ન્યાય યાત્રા કાઢી છે અને આમ આદમી પાર્ટીએ દોઢ મહિના પહેલાથી જન સંવેદના યાત્રા શરૂ કરી છે. આ તમામ પક્ષોની યાત્રાનો હેતુ લોકસંપર્કનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થાય તે પહેલા રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે છે. જેમાં આવનારા પાંચ વર્ષ દરમિયાન જો પક્ષ સત્તામાં આવશે તો કયા કામને પ્રાધાન્ય આપશે તે અંગેના મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે. ચૂંટણી આયોગ ચૂંટણીની તારીખો જાહેર કરે તે પહેલા જ તમામ પક્ષો દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે આપણે મહેમદાવાદ વિધાનસભા બેઠક (mahmadabad assembly constituency) વિશે વાત કરીશું.
ગુજરાત ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. આ શહેર મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવેલું હતું. જે સમય જતાં અપભ્રંશ થઇને મહેમદાવાદ થઇ ગયું. શહેરની મધ્યમાં એક મોટી વાવ બાદશાહે બનાવડાવી છે, જે ગુજરાત રાજ્ય સંરક્ષિત સ્મારક છે. મહેમદાવાદમાં જોવાલાયક સ્થળોમાં ભમ્મરિયો કૂવો અને રોજા રોજી દરગાહ શામેલ છે. વાત્રક નદીના કાંઠે સિદ્ધિવિનાયક દેવસ્થાન આવેલું છે, જે ખૂબ જ રમણીય સ્થળ છે.
ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં મહેમદાવાદ વિધાનસભા બેઠક 117માં ક્રમાંકે છે. મહેમદાવાદ વિધાનસભા મત વિસ્તાર ખેડા લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ભાજપે પરચમ લહેરાવ્યો હતો. ભાજપ ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મ્હાત આપી હતી. કોંગ્રેસ ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણે ભાજપ ઉમેદવાર સુંદરસિંહ ચૌહાણને હરાવ્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
અર્જુનસિંહ ચૌહાણ
ભાજપ
2012
ગૌતમભાઈ ચૌહાણ
કોંગ્રેસ
2007
સુંદરસિંહ ચૌહાણ
ભાજપ
2002
સુંદરસિંહ ચૌહાણ
ભાજપ
1998
સુંદરસિંહ ચૌહાણ
ભાજપ
1995
જસવંતસિંહ ચૌહાણ
ભાજપ
1990
સુંદરસિંહ ચૌહાણ
JD
1985
પ્રભાતસિંહ ચૌહાણ
JNP
1980
બંસીલાલ પંડ્યા
કોંગ્રેસ
1975
રમણભાઈ પટેલ
IND
1972
ફુલસિંહજી સોલંકી
NCO
1967
જે. એચ. જાદવ
કોંગ્રેસ
1962
રમણલાલ પટેલ
SWA
ભાજપે આ વિધાનસભા બેઠક પર વર્ષ 1995થી 2007 સુધી એટલે કે, સતત ચાર ટર્મ સુધી પ્રભુત્વ જમાવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ આ વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી રિપિટ થયા છે અને જીત મેળવી છે. પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગૌતમભાઈ ચૌહાણે સુંદરસિંહ ચૌહાણને હરાવ્યા હતા.
અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ બેઠક પરથી પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત મેળવી હતી. અર્જુનસિંહ ચૌહાણને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે તથા ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે. અર્જુનસિંહ ચૌહાણ હાલમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અર્જુનસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી RSS સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2016-17માં જિલ્લા મહામંત્રી તરીકેની ફરજ પણ બજાવી ચૂક્યા છે.
મહેમદાવાદનો વિકાસ મારી જવાબદારી: અર્જુનસિંહ ચૌહાણ
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જણાવે છે કે, મહેમદાવાદના વિકાસ માટે કામ કરવું તે મારી નૈતિક જવાબદારી છે. મહેમદાવાદમાં 64 રોડ-રસ્તાઓ બનાવી દીધા છે, ઉપરાંત મોદેજ-માંકવા પુલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ખાત્રેજથી નડિયાદ સુધીનો રોડ કે જે સાંકડો હોવાથી અનેક અકસ્માત થતાં હતા. આ રોડને પહોળો કરાવી દેવામાં આવ્યો છે. અમદાવાદથી ડાકોરનો રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. શત્રુંડા અને રતનપુર પુલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. PHC સેન્ટરનું રિનોવેશન કરીને તેનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તથા અનેક સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગામડાઓની શાળાઓમાં 100થી વધુ ઓરડાઓ પણ તૈયાર કરાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ વિકાસના કામો કરવામાં આવશે.
અત્યાર સુધી મહેમદાવાદ તાલુકામાં 24 ઉધોગ એકમ લાગી ગયા છે, હવધરવાસ રોડ, અકલાચા રોડ, રોહિસ્સા સહિત વરસોલામાં યુનિટની શરૂઆત થઇ છે. વાનોને રોજગારી માટે અન્ય શહેરમાં જવાની જરૂર ના રહે માટે અહીયા જ રોજગારના યુનિટ ઉભા થાય તે માટે કાર્ય કરી રહ્યો છું.
સુંદરસિંહ ચૌહાણનું વિવાદાસ્પદ જીવન
પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ મહેમદાવાદ વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી રિપિટ થયા છે અને જીત મેળવી છે. પરંતુ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં મહેમદાવાદ બેઠક પરથી કોંગ્રેસ નેતા ગૌતમભાઈ ચૌહાણે સુંદરસિંહ ચૌહાણને હરાવ્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ ભાજપનો છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તો માત્ર 30 કલાકની અંદર જ સુંદરસિંહ ચૌહાણે કોંગ્રેસનો હાથ છોડીને ભગવો ધારણ કર્યો હતો.
ખેડા લોકસભા ચૂંટણી
ખેડા લોકસભા બેઠક, એક સમયે કેઈરા નામથી ઓળખાતી હતી. ખેડા લોકસભા મતવિસ્તારમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક પરથી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથીજીત હાસલ કરી હતી. દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉમેદવાર બિમલ શાહને તગડા મતોથી હાર આપી હતી.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ દેવુસિંહ ચૌહાણે 2,32,901 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના દિનશા પટેલને હરાવ્યા હતા. દેવુસિંહ ચૌહાણનું ખેડા જિલ્લામાં સારુ પ્રભુત્વ હોવાથી ભાજપે તેમને 2019ની ચૂંટણીમાં પણ રિપિટ કર્યા હતા. ખેડા લોકસભા મતવિસ્તારમાં કુલ 25,03,828 લોકો વસવાટ કરે છે. જેમાંથી 61.36% ગ્રામીણ વિસ્તારો અને 38.64% શહેરી વિસ્તારો છે. વર્ષ 1991માં ખેડા લોકસભા બેઠક પર ભાજપના કે. ડી. જેસ્વાણીએ જનતાદળના પ્રભાતસિંહ ચૌહાણને હરાવીને પહેલી વાર ભાજપે ખેડામાં પગ પેસારો કર્યો હતો.