Home /News /madhya-gujarat /Gujarat election 2022: મહુધા બેઠક પર ભાજપ ખાતું ખોલી શકશે? જાણો શું છે સ્થિતિ
Gujarat election 2022: મહુધા બેઠક પર ભાજપ ખાતું ખોલી શકશે? જાણો શું છે સ્થિતિ
ખેડા સંસદીય મતવિસ્તાર હેઠળ કુલ 6 વિધાનસભા મતવિસ્તાર આવે છે. જેમાં 115- માતર, 116- નડિયાદ, 117- મહેમદાવાદ, 118- મહુધા, 119- ઠાસરા, 120- કપડવંજનો સમાવેશ થાય છે.
mahudha assembly constituency : ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહુધા બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ રાયસિંગ પરમારને ઉભા રાખ્યા હતા. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) જીતવા માટે તમામ રાજકીય પક્ષો (Political parties of Gujarat) કવાયત કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વધુને વધુ મત લેવા માટે ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ કરે છે. બીજી તરફ આમ આદમી પાર્ટી આગામી વિધાનસભામાં પોતાનું ખાતું ખોલાવે તેવી શક્યતા છે. જો આમ આદમી પાર્ટી ખાતું નહીં ખોલાવે તો પણ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના મત કાપી પરિણામો ઉથલાવી શકે છે. આ સાથે જ વિધાનસભા બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટ્યો હોવાનું જોવા મળ્યું છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની બેઠકો છીનવવા જ્યારે ભાજપ કોંગ્રેસની બેઠકો છીનવવા માટે પ્રયાસ કરશે. ભાજપનું શાસન દસકાઓથી છે, પરંતુ અમુક બેઠકો એવી છે જ્યાં ભાજપની પકડ સંપૂર્ણપણે ઢીલી છે. આવી જ બેઠકમાં મહુધા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે.
આ બેઠક પર ભાજપ એક પણ વખત જીતી શકયો નથી. જેથી આગામી વિધાનસભા ચૂંટણી 2022માં આ બેઠક પર ભાજપ ખાતું ખોલવશે કે કેમ? તે પ્રશ્ન છે. આજે અહીં મહુધા બેઠકની (Mahudha assembly seat) સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે.
મહુધા વિધાનસભા બેઠક હેઠળનો વિસ્તાર (mahudha assembly constituency)
મહુધા વિધાનસભા મતવિસ્તાર હેઠળ ખાંડીવાવ ગામ સિવાય આખો મહુધા તાલુકો તેમજ નડિયાદ તાલુકાનો ભાગ તથા યોગીનગર, અંધાજ, અરેરા, દાવાપુરા, વીના, હાથજ, નવાગામ (પેટલી), જાવલ, અજરાજનપુર કોટ, નાના વાગા, પાલડી, સોડપુર, મોંઘરોલી, મહોલેલ, પાલૈયા, વાલ્લા, એરંડિયાપુરા, અલ્જાડા, સિલોદ, હઠનોલી, કમલા, મંજીપુરા, બિલોદ્રા, મરીડા, સલુન વન્ટો, સલુન તાલક, અલંદરા, ચલાલી, સુરસામલ, કાંજોડા, ફતેપુર, ચકલાસી (એમ) સહિતના ગામનો સમાવેશ થાય છે.
118 મહુધા (જનરલ) વિધાનસભા બેઠક મધ્ય ગુજરાતમાં આવેલી છે. આ બેઠક ખેડા જિલ્લાનો ભાગ છે. આ મતવિસ્તારમાં કુલ 223610 મતદારો છે. જેમાંથી 115996 પુરુષ, 107608 સ્ત્રી અને 6 અન્ય મતદારો છે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહુધા મતવિસ્તારમાં ઊંચું મતદાન નોંધાયું હતું. આ બેઠક માટે 14 ડિસેમ્બર, 2017ના રોજ ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થયું હતું.
ખેડા સંસદીય મતવિસ્તાર હેઠળ કુલ 6 વિધાનસભા મતવિસ્તાર આવે છે. જેમાં 115- માતર, 116- નડિયાદ, 117- મહેમદાવાદ, 118- મહુધા, 119- ઠાસરા, 120- કપડવંજનો સમાવેશ થાય છે.
2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ, કુલ 296461 વસ્તીમાંથી 80.67% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. જ્યારે 19.33% વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 2.97 અને 0.74 છે. 2019ની યાદી મુજબ આ મતવિસ્તારમાં 272 મતદાન મથકો હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં 52.89 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન 69.77 ટકા હતું. 2017માં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 41.25 ટકા અને 49.96 ટકા મત મળ્યા હતા.
જ્યારે 2019માં અનુક્રમે 58.76 ટકા અને 38.24 ટકા મત મળ્યા હતા. ખેડાના હાલના લોકસભાના સાંસદ તરીકે ભાજપના ચૌહાણ દેવુસિંહ જવાબદારી સાંભળે છે. જ્યારે મહુધા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ઇન્દ્રજિતસિંહ નટવરસિંહ પરમાર જવાબદારી સંભાળી રહ્યાં છે.
ભૂતકાળની ચૂંટણીઓ
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહુધા બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ રાયસિંગ પરમારને ઉભા રાખ્યા હતા.
આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહને 78006 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ 64405 મત મળ્યા હતા. આવી જ રીતે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે નટવરસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ખુમાણસિંહ સોઢાને ટિકિટ આપી હતી.
તે વખતે કોંગ્રેસના નટવરસિંહને 58373 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ખુમાણસિંહને 45143 મત મળ્યા હતા. આ બેઠક પર 1967 થી ચૂંટણી થઈ રહી છે અને ભાજપ અત્યાર સુધી એક પણ વાર જીતી શક્યો નથી. 1985થી આ બેઠક સતત કોંગ્રેસના નામે રહી છે.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
ઇન્દ્રજીતસિંહ પરમાર
કોંગ્રેસ
2012
નટવરસિંહ ઠાકોર
કોંગ્રેસ
2007
નટવરસિંહ ઠાકોર
કોંગ્રેસ
2002
નટવરસિંહ ઠાકોર
કોંગ્રેસ
1998
નટવરસિંહ ઠાકોર
કોંગ્રેસ
1995
નટવરસિંહ ઠાકોર
કોંગ્રેસ
1990
નટવરસિંહ ઠાકોર
કોંગ્રેસ
1985
બળવંતસિંહ સોઢા
કોંગ્રેસ
1980
બળવંતસિંહ સોઢા
કોંગ્રેસ (આઈ)
1975
બળવંતસિંહ સોઢા
કોંગ્રેસ
1972
હરમનભાઈ પટેલ
એનસીઓ
1967
વી બી વાઘેલા
સ્વતંત્ર પાર્ટી
તાલુકા પંચાયતમાં ભાજપ
ખેડા બેઠક પર ભાજપ છે. પણ મહુધામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય છે. અલબત્ત ગત વર્ષે યોજાયેલી મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 25 વર્ષમાં પ્રથમ વખત જીત હાંસલ કરી હતી.
આ ચૂંટણી છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ જીતી રહી હતી. જોકે, 2021માં મહુધા તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામમાં ભાજપે 18 બેઠકોમાંથી 12 બેઠકો કબજે કરી હતી. બીજી તરફ કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી સત્તા મળતા ભાજપના કાર્યકરો અને આગેવાનો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
જ્ઞાતિ-જાતિના સમીકરણો
આ બેઠક પર ઠાકોર, ક્ષત્રિય અને પાટીદાર સમાજની પકડ છે. આ બેઠક પર આ સમાજના મત મહત્વના સાબિત થઈ શકે છે. ઓબીસી અને જનરલ એમ બંને મત જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.
ભાજપ સામેના પડકાર
2017ની ચૂંટણીમાં મહુધા બેઠક પરથી ભાજપનો પરાજય થયા બાદ ભરતસિંહ પરમારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકરોએ પણ પક્ષ પલટો કર્યો હતો. ભરતસિંહ પરમારની મહુધા બેઠક પર હાર થઈ હતી.
કોંગ્રેસમાંથી આવીને સીધી ટિકિટ આપવામાં આવતાં ભાજપના નેતાઓએ ભરતસિંહને હરાવ્યા હતા. તેમને હરાવવા માટે ભાજપના જિલ્લાના નેતાઓએ કાવતરું ઘડ્યું હોવાની જાણ ભાજપના પ્રદેશ પ્રમુખને કરી હતી.
ભાજપના નેતાઓ એવું માનતા હતા કે ભરતસિંહ ન હોત તો પણ આ બેઠક પર ભાજપ જીતે તેમ હતું. આ વખતે ભાજપે મધ્યઝોનના 42 પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં મહુધા બેઠક માટે શબ્દશરણ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે.
થોડા સમય પહેલા મહુધા વિધાનસભા બેઠકના કોંગ્રેસના યુવા ધારાસભ્ય પક્ષ સાથે છેડો ફાડી રહ્યા હોવાની વાત સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. જેના કારણે ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અલબત્ત આ વાત માત્ર અફવા હોવાનો ખુલાસો ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યો હતો.