Home /News /madhya-gujarat /શેઢી-વાત્રકમાં 'તરતું ગુજરાત', જીવનાં જોખમે 'ભણતું ગુજરાત'

શેઢી-વાત્રકમાં 'તરતું ગુજરાત', જીવનાં જોખમે 'ભણતું ગુજરાત'

અમદાવાદ : શું ખબર ગુજરાતની ? બહેન; ગુજરાત પાણીમાં છે, રસ્તાઓ ઉપર ભુવાઓ છે, ખાડામાં રસ્તાઓ છે, થર્મોકોલની હોડીઓ છે, જીવનું જોખમ છે અને મંત્રીઓ ઉડાઉડ છે! કૈક'તો કરો બહેન, કોઈક તો સાંભળો ભાઈ.

ગુજરાત ક્યારેક 'તરે', ક્યારેક 'ત્રાસે', ક્યારેક 'બંધ' થાય, ક્યારેક 'તરસે', કયારેક 'વરસે', ક્યારેક 'ટિંગાય' તો ઘણુંખરું મોંઘવારી, ફીના માર, સ્ત્રી અત્યાચાર, દલિત દમન, ટોળાંશાહી, વ્યાજખોરી, કાળાબજારી અને આર્થિક સંકડામણથી પીડાય છે.

આ કડીમાં આજે વાત કરવી છે આઝાદીના 70 વર્ષ પછી પણ કહેવાતા વિકાસના મૂળથી વંચિત રહી ગયેલા ખેડા જિલ્લાના માતર તાલુકાના મગનપુરા-હૈજરારબાદ તથા મહેલાજ ગામોની.

ખેડા જીલ્લાના માતરનું મગનપુરા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રોજ જીવના જોખમે તરીને ગ્રામજનો રોજિંદા કામ પૂર્ણ કરે છે. બાળકો પણ જીવના જોખમે તરીને સ્કૂલે જવા મજબૂર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માતરના મગનપુરા ગામમાં લગભગ 300 પરિવાર રહે છે. ગ્રામજનોને રોજિંદા કામ માટે બાજુમાં આવેલા હૈજરાબાદ ગામે જવું પડે છે. હૈજરાબાદ જવા માટે ગ્રામજનોએ શેઢી નદીમાં ઉતરી જીવના જોખમે તરીને રોજિંદા કામ કરવા પડે છે. આ ગામમાં મોટા ભાગના લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં ડેરીની વ્યવસ્થા ન હોવાના કારણે હૈજરાબાદ રોજ સવારે અને સાંજે દૂધ ભરાવવા જવું પડે છે. આ સિવાય ગામમાં માત્ર પાંચ ધોરણ સુધીના અભ્યાસની વ્યવસ્થાના કારણે વધુ અભ્યાસ માટે બાળકોએ હૈજરાબાદ જવું પડે છે. ગામમાં સસ્તા અનાજની પણ દુકાન ન હોવાથી દિવસમાં લગભગ ત્રણ ચાર વખત બે ગામ વચ્ચે આવીલી શેઢી નદીમાં ગળા ડુબ પાણીમાં તરીને હૈજરાબાદ જવા મજબૂર બન્યા છે.

મગનપુરા ગ્રામજનોનો આક્ષેપ છે કે, દર વખતે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ ગ્રામજનોને જૂઠા આશ્વાસન આપી વોટ ખંખેરી લે છે, પરંતુ ગ્રામજનોની મુશ્કેલીની કોઈને પડી નથી. મહત્વની વાત એ છે કે, વિકાસના નામે વોટ માંગતી ભાજપ સરકારના જ ધારાસભ્ય છેલ્લા 16 વર્ષથી આ વિસ્તારમાં ચૂંટાઈને આવે છે, આ વિસ્તારના સાંસદ પણ ભાજપના છે. છેલ્લી ત્રણ પેઢીથી આ ગામના લોકો બે ગામ વચ્ચે કોઝવે બને તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તંત્ર કે સરકારના બહેરા કાન અને આંધળી આંખો સુધી ગ્રામજનોની વેદના પહોંચતી નથી.

મગનપુરા- હૈદરાબાદ બંને ગામ વચ્ચે શેઢી નદીનો પટ છે. સૌથી વધારે મુશ્કેલી ચોમાસામાં થાય છે. ચોમાસામાં નદીમાં ગળાડૂબ પાણીમાં થઈ રોજિંદા કામ કરવા પડે છે. મગનપુરા ગામમાંથી લગભગ 150 બાળકો હૈજરાબાદ સ્કૂલમાં અભ્યાસ કરે છે. રોજ સ્કૂલે જવા માટે નદીમાં થઈ જીવના જોખમે જવું પડે છે. ગ્રામજનો તથા સ્થાનિક તરવૈયા તેમને ખભા પર બેસાડી કા તો થર્મોકોલની સીટની હોડી બનાવી નદી પાર કરાવે છે. ગ્રામજનો પણ રોજિંદા કામ માટે કપડા - ચપ્પલ તથા માલસામાન માથે મુકી નદી પાર કરે છે, અને સામે છેડે જઈ પછી કપડા પહેરી પોતાનું કામ પતાવે છે. ગામના લગભગ 20 જેટલા યુવાનો પણ નોકરી કરવા અસલાલી જાય છે, જેમને રાત્રીના સમયે સાધન નથી મળતું. અડધી રાત્રે પણ જીવને જોખમમાં મુકી નદી પાર કરી આવવું પડે છે.

લગભગ આવી જ પરિસ્થિતિ છે માતર તાલુકાના મેહલજ ગામના વાત વિસ્તારની. અહીંના બાળકો પણ વાત્રક નદીમાં થઈ ખેડાના રઢુ પે સેન્ટરમા જાય છે. આ પરિસ્થિતિ છેલ્લા સાત દાયકાઓથી છે. માં-બાપ બાળકોને ચોમાસામાં સ્કૂલે લેવા-મુકવા હોડીનો ઉપયોગ કરે છે.

મગનપુરાથી હૈજરાબાદ જવા માટે અન્ય એક વિકલ્પ છે પરંતુ તેના માટે 30 કિલોમીટર ફરીને જવું પડે છે. જે ગ્રામજનોને પોસાય તેમ નથી જેથી મજબુર થઈને આજ વિકલ્પ પસંદ કરવો પડે છે. જો અહીં બ્રિજ બનાવવામાં આવે તો મગનપુરાથી હૈજરાબાદ માત્ર અડધો કિમીમાં પહોંચી શકાય તેમ છે.
First published:

Tags: Bridge, Demand, Kheda, River

विज्ञापन
विज्ञापन